સોમનાથમાં દીપોત્સવી પર્વના આયોજન

સોમનાથ- 17 તારીખથી શરુ થઇ રહેલા દીપોત્સવી પર્વને લઇને જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે.ધનતેરસથી નૂતનવર્ષ સુધી મોટી સંખ્યામાં ભક્તજનો દર્શને આવશે જેને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયાં છે. વિશેષ શૃંગાર, સાંજે દીપમાલિકા, ગર્ભગૃહ તથા નૃત્યમંડપમાં રંગોળી કરાશે.

મંદિરને ફરતે આ દિવસોને અનુલક્ષી વૈવિધ્યપૂર્ણ રોશની અને અન્ય સુશોભન પણ કરવામાં આવ્યાં છે.તો બીજીતરફ આ દિવસોમાં સોમનાથમાં મેળો પણ યોજાતો રહ્યો છે જેને લઇને સ્ટોલ્સની હરાજીની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી હતી.

દીવાળીપર્વ દરમિયાન પૂજન કાર્યક્રમ

કાળી ચૌદશે રાતે 10 વાગે જ્યોતપૂજન, 11 વાગે મહાપૂજન અને 12 કલાકે મહાઆરતી યોજાશે. મંદિર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 19મીએ દીવાળીના રોજ સાંજે 5થી 6 વાગે પાર્વતીજીનું રાજોપચારી પૂજન કરાશે. લક્ષ્મીપૂજન તથા ચોપડાપૂજન સાંજે સાડા સાતથી સવા આઠ દરમિયાન થશે. નૂતન વર્ષના આરંભે ભગવાન સોમનાથ મહાદેવને વિશ્વશાંતિ માટે પ્રાતઃઆરતી પ્રાર્થના કરાશે. સાંજે 4થી 6 અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સોમનાથ મહાદેવના ભક્તોને ભાવપૂર્વક પધારવા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.