રાજપથ પરેડમાં ભારતનો દબદબો, ગુજરાતની ઝલક…

ભારતે દર વર્ષની જેમ આ વખતે પણ 26 જાન્યુઆરી, શુક્રવારે પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજધાની નવી દિલ્હીમાં પરંપરાગત વાર્ષિક પ્રજાસત્તાક દિન પરેડ યોજી હતી. જેમાં ભારતની લશ્કરી તાકાત, દેશના સાંસ્કૃતિક વારસા તથા સરકારની જનતાનાં હિતલક્ષી પગલાં-યોજનાની ઝલકનું દર્શન કરાવવામાં આવ્યું હતું. સેનાની ત્રણેય પાંખના પુરુષ તથા મહિલા જવાનોએ પરેડ યોજી હતી, દિલધડક કરતબ બતાવ્યા હતા, ભારતના શસ્ત્રસરંજામની ઝલક બતાવવામાં આવી હતી તો વિવિધ રાજ્યો દ્વારા પોતપોતાની સાંસ્કૃતિક વિરાસત દર્શાવતા ટેબ્લોને પરેડમાં ઉતારવામાં આવ્યા હતા. આ પરેડને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયેલા 10 ASEAN દેશોના વડાઓએ નિહાળી હતી.