પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવાયો પ્રજાસત્તાક દિવસ…

ભારતે 26 જાન્યુઆરી, શનિવારે પોતાનો 70મો પ્રજાસત્તાક દિવસ પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો. એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં રાજપથ ખાતે વાર્ષિક પ્રજાસત્તાક દિન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ભારતે પોતાની લશ્કરી તાકાતનો પરચો બતાવ્યો હતો અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું પ્રદર્શન કર્યું હતું. પરેડમાં અનેક રાજ્યો તથા કેન્દ્ર સરકારના વહીવટીય વિભાગોએ અનોખી રીતે સુશોભિત પોતપોતાના ટેબ્લો ઉતારીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પરેડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મોદીની કેબિનેટના સાથી પ્રધાનો, ભાજપપ્રમુખ અમિત શાહ, વિપક્ષ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, આમંત્રિત વિદેશી મહાનુભાવો, ભારતસ્થિત વિદેશી દૂતાવાસોનાં અધિકારીઓ, સેંકડો સ્કૂલ વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.