‘વાંચે ગુજરાત’: અમદાવાદમાં ફરી આવ્યો છે નેશનલ બુક ફેર; સાથે ‘ચિત્રલેખા’નો સ્ટોલ પણ છે…

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ, વસ્ત્રાપુર ખાતે સાતમા અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આયોજીત અને 30 નવેમ્બર સુધી ચાલનારા આ સાતમા નેશનલ બુક ફેરમાં વિવિધ વિષયો પરના અસંખ્ય પુસ્તકોનો ભંડાર છે. બાળકો સહિત તમામ વયનાં પુસ્તકપ્રેમીઓ ઉત્સાહપૂર્વક આ બુક ફેરમાં ભાગ લેતાં જોવા મળી રહ્યાં છે. બુક ફેરનું શનિવાર, 24 નવેમ્બરે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ બુક ફેરમાં ‘ચિત્રલેખા’નો પણ સ્ટોલ છે, જ્યાં ‘ચિત્રલેખા’ના સંસ્થાપક-તંત્રી વજુભાઈ કોટક લિખિત પુસ્તકો વિશેષ ઓફર સાથે ઉપલબ્ધ છે. તો પુસ્તકપ્રેમીઓએ આ અવસરનો લાભ લેવા જેવો છે. આ બુક ફેરમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એક મેડિકલ કેમ્પ સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે જેમાં ડાયાબિટીસ માટે નિઃશુલ્ક તપાસ કરી આપવામાં આવે છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)