ઊનાળામાં ઠંડક આપે તેવા વસ્ત્ર

મે મહિનો આવતાં જ ગરમીની શરૂઆત થઇ જાય છે. પરંતુ અત્યારે તો માર્ચ આવતાની સાથે જ ગરમી એટલી બધી વધી ગઇ છે કે વિચારી નથી શકાતુ કે મે મહિનામાં લોકોનું શું થશે. અને એમાં પણ ખાસ કરીને વર્કીંગ વુમન્સને વધુ તકલીફ પડે છે. ઓફીસ જતા સમયે કે ક્યાંય બહાર જતા સમયે દુપટ્ટો તો બાંધી લે છે. પરંતુ કપડાંને લઇને મહિલાઓ અવઢવમાં રહે છે. કારણ કે યુવતીઓને ઉનાળામાં ફે્શન પણ જોઇએ છે અને ઠંડક પણ જોઇએ છે. અને જો ગરમીની વાત કરીએ તો ખાદી અને કોટનનાં કપડા પહેરવા માટે સારા રહે છે. પરંતુ એમાં જોઇએ તેટલી ફેશન નથી મળી રહેતી. પરંતુ હવે કોલેજની યુવતીઓએ, વર્કીંગ વુમન્સે કોઇ જ ચિંતા કરવાની જરૂર નથી. કારણકે હવે બજારમાં ઉનાળાને ધ્યાનમાં રાખીને એટલી બધી નવી ડીઝાઇનનાં કપડાં જોવા મળે છે કે જેમાં તમને ઠંડક પણ મળે અને ફેશનેબલ લૂક પણ મળી જાય.ગરમી આવતાની સાથે જ સૌથી પહેલા તમારે તમારો વોર્ડરોબ નવી રીતે સજાવવો પડશે. તમારી પાસે જે ડાર્ક કલર્સના કપડાં પડ્યાં છે તેને ઉનાળામાં બાયબાય કહી દો. શિયાળો આવે ત્યાં સુધી તેને એક બેગમાં પેક કરીને મૂકી દો. તમારી પાસે વોર્ડરોબમાં માત્ર લાઇટ કલર્સ અને સુતરાઉ કપડાં જ હોવા જોઇએ. લાઇટ કલર્સના કપડા ગરમી માટે બેસ્ટ હોય છે. અને એમાં ગરમીની સીઝનના સૌથી આકરા મે અને જૂન મહિનાની ગરમી માટે તો એકદમ બેસ્ટ છે. તમે બેબી પિંક, વ્હાઇટ, ઓફ વાઇટ, ક્રીમ, લેમન ગ્રીન, લાઇટ પર્પલ જેવા કલર્સ પસંદ કરી શકો છો.

ગરમીના આ બે-ત્રણ મહિના સિલ્ક, જ્યોર્જટ જેવા કપડાં પહેવાનું ભૂલી જ જાવ. ગરમીમાં કોટન કરતાં બેસ્ટ કોઇ ન હોય શકે. કોટન તમારી ત્વચાને આરામ આપશે અને ઠંડક પણ મળશે. તમે કોટનની કુર્તી, શોર્ટ ટોપ, ક્રોપ ટોપ પહેરી શકો છો. અને અત્યારે ખાસ કરીને કોટનની કુર્તી અને પ્લાઝો સૌથી સારું રહેશે જેમાં ગરમી પણ નહીં લાગે. અત્યારે કોલેજની યુવતીઓ માટે તો ઉનાળામાં પહેરવા માટે ઘણા બધા વિકલ્પો છે. બજારમાં અત્યારે જે લેડી ટી-શર્ટ મળી રહ્યા છે તે અત્યારે ખૂબ ફેશનમાં છે. નેટના અને કોટનના શ્રગ પહેરીને તમે ટી ટાઇપ ટી શર્ટ પહેરી શકો છો. શ્રગ જેટલા જ ઓફ શૉલ્ડર ટોપ પણ હોટ ફેવરીટ બની રહ્યા છે. કોલેજ યુવતીઓ અને ફરવા જવા માટે યુવતીઓ ઓફ શૉલ્ડર ટોપ વધુ પસંદ કરી રહી છે. જે તમને એક ફેશનેબલ લુક પણ આપે છે અને એમાં ગરમી પણ નથી લાગતી. જો કે આ ટોપ જેમ બજારમાં આવતા ગયા તેમ તેના ભાવ પણ વધતા જઇ રહ્યા છે.તમે ઘરમાં શોર્ટ્સ અને ટી શર્ટ પહેરી શકો છો. બજારમાં કોટનના, ડેનિમના શોર્ટ્સ મળી રહે છે. પરંતુ તમે ઘરમાં રહેલા તમારા જૂના જીન્સને કાપીને એના શોર્ટ્સ બનાવી શકો છો. જે પહેરવામાં પણ સારા રહે છે અને ખર્ચો પણ બચી જાય છે. શુઝની વાત કરીએ તો તમે બહાર જાવ છો અને બહાર વધુ ફરવાનું થતુ હોય તો એવા શુઝ પહેરવાનું પસંદ કરો કે જે તમારા પગને કવર કરતા હોય અને આરામદાયક હોય. જેના કારણે તમારી સ્કીન ટેન પણ ન થઇ જાય. જો તમે આટલી વાતનું ધ્યાન રાખશો તો તમને ઉનાળામાં ગરમી પણ નહી લાગે અને સાથે જ ફેશનેબલ લુક પણ આપશે.