સ્ત્રીઓનો દુશ્મન, કમરનો દુખાવો

મોટાભાગની મહિલાઓ કમરના દુખાવાની ફરિયાદ કરતી હોય છે. એવુ પણ નથી કે માત્ર મોટી ઉંમરની સ્ત્રીઓ જ કમરના દુખાવાની ફરિયાદ કરતી હોય છે પરંતુ હવે નાની ઉંમરની સ્ત્રીઓ પણ આ પ્રકારની ફરિયાદ કરે છે. ક્યાંક લાઇફ એવી થઇ ગઇ છે કે પછી કામ એ પ્રકારનું થઇ ગયુ છે કે દરેકને આ ફરિયાદ હોય છે. અને આ કોઇ નાની બીમારી નથી કે આજે થઇ અને કાલે સારુ થઇ ગયુ. જેને પણ કમરનો દુખાવો થાય છે એનો અડધો જીવ જાણે નીકળી ગયો હોય એવુ લાગે છે. જ્યારે આ દુખાવો લાંબા સમય સુધી રહે અને જલદીથી સારુ ન થાય તો આ દુખાવો ઘાતક સ્વરૂપ ધારણ કરે છે. આવા જ દુખાવાનો તમે લાંબા સમય સુધી ભોગ ન બનો તે માટે કેટલાક ઘરેલુ ઉપાય પણ હોય છે.કમરનો દુખાવો વધવાનુ સૌથી મહત્વનું કારણ છે વજન, જો તમારુ વજન વધી ગયુ છે તો તમને આ સમસ્યા થાય છે. વજન વધવાની સીધી અસર તમારી કમર અને ઘૂંટણ પર થાય છે. હાઉસ વાઇફ હોય એવી સ્ત્રીઓને આ સમસ્યા વધુ થતી હોય છે. ક્યારેક ક્યારેક એવુ થાય છે કે તમે એવુ કામ કરો છો જે રોજબરોજની જીંદગીમાં નથી કરતા. કોઇ ભારે વજન ઉઠાવવુ, અથવા તો એવી એક્સરસાઇઝ જે પહેલા ક્યારેય નથી કરી તો કમરમાં ઝટકો લાગી જતા પણ કમરમાં દુખાવો થાય છે. આપણે ભરઊંઘમાં હોય ત્યારે ખબર નથી હોતી કે કઇ સ્થિતિમાં સૂતા છે. ઘણીવાર એવુ બને છે કે તમે ખોટી રીતે સૂતા હોવ તો તમને કમર, ડોક, હાથનો દુખાવો થઇ જતો હોય છે. ત્યારબાદ તમે ખોટી રીતે બેસો છો, ઉઠો છો તો પણ આ પ્રકારની સમસ્યા થાય છે. સૌથી વધુ પ્રોબ્લેમ ઓફીસ જતી મહિલાઓને થતી હોય છે કારણ કે આખો દિવસ ઓફીસમાં ખુરશી પર બેસીને કામ કરવાનું હોય છે ત્યારે સમય જતા આ દુખાવો થઇ જાય છે.કમરના દુખાવામાં ઘરેલૂ ઉપચાર વધુ મદદરૂપ બને છે. સૌથી પહેલા અજમાને તવા પર સેકી લો. અજમો ઠંડો પડે પછી તેને ચાવીને ગળી જાવ એનાથી તમને ઘણો ફાયદો થશે. આ રીતે તમે સાત દિવસ સુધી કરશો તો તમને દુખાવામાં ઘણી રાહત રહેશે. કમરના દુખાવામાં ગરમ પાણીથી શેક કરવાથી ખૂબ રાહત મળે છે. પરંતુ પાંચ મિનિટ સુધી ગરમ પાણી વડે શેક કર્યા બાદ 2 મિનિટ સુધી ઠંડા પાણીથી શેક કરો. સૂંઠને પણ કમરના દુખાવામાં રાહત મેળવવા માટે ગુણકારી માનવામાં આવે છે. સૂંઠ અને ગોખરૂ મિક્સ કરી દિવસમાં બે વખત પાણી સાથે પીવો. 100 ગ્રામ કમળ કાકડીનું ચૂર્ણ લો. અને એક વાસણમાં દૂધ ઉકાળો. હવે એ કમળ કાકડીના ચૂર્ણને નાખો. સરખી રીતે મિક્સ કરી એ દૂધને પીવો તેનાથી તમને ખૂબ રાહત મળશે.

અજમો અને ગોળના ઉપયોગથી પણ કમરના દુખાવામાં રાહત મળે છે. 200 ગ્રામ અજમો લઇ તેને વાટી દો. એ જ રીતે 200 ગ્રામ ગોળ લઇ તેને પણ વાટી દો. હવે આ બંનેના મિશ્રણને દરરોજ એક ચમચી ખાવ. જો તમારે આ રીતે ન કરવુ હોય તો તમે રોજે જમવાનું બનાવો છો એમાં અજમો અને ગોળનો વધુ ઉપયોગ કરવાનું રાખો. તમે દાળ અથવા તો શાકમાં ખાંડનો ઉપયોગ કરતા હોવ તો એની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો. આનાથી પણ કમરનો દુખાવો ઓછો થશે. આ તમામ વસ્તુ એવી છે કે જે તમારા ઘરમાં સરળતાથી મળી જાય. આ સિવાય સરસિયાનું તેલ અને લસણ પણ કમરનો દુખાવો ઓછો કરે છે. ત્રણથી પાંચ ચમચી સરસિયાનું તેલ અને પાંચથી છ લસણની કળી લઇ તેને ગરમ કરો. જ્યાં સુધી લસણની કળી કાળી ન પડી જાય ત્યાં સુધી તેને ગરમ થવા દો. હવે ઠંડુ થઇ ગયા બાદ તેને દુખાવાની જગ્યા પર માલિશ કરો તેનાથી ખૂબ રાહત મળશે.