ધૂમ મચાવે જૂનું અને જાણીતું રો સિલ્ક

જકાલની ફેશનમાં સિલ્ક ધૂમ મચાવી રહ્યુ છે.  વિવિધ પ્રકારના ફેબ્રિકની યાદી તૈયાર કરો તો તેમાં રો સિલ્કનું આગવું સ્થાન આવે. આ ફેબ્રિક તેના રફ લુકના કારણે અથવા તો તેના વાઇબ્રન્ટ અને ફ્રેશ કલરના કારણે અથવા તો એમ કહી શકાય કે ફેબ્રિકના પોતાના રિચ લુકના કારણે રો સિલ્ક સાથે જ રિચનેસ સંકળાયેલી છે. તે જોતાં કહી શકાય કે તે તમામ વર્ગ માટે નહીં, પણ એક ચોક્કસ વર્ગ માટે છે. રો સિલ્કની બનાવટ માટે બિહારનું ભાગલપુર દસકાઓથી જાણીતું છે. રો સિલ્કનું ટેક્સ્ચર થોડું જાડું અને ખરબચડું હોય છે અને ફેબ્રિકનો પોતાનો એક અલગ ફોલ છે, જે પહેર્યા પછી થોડું સ્ટિફ લાગે છે. રો સિલ્કનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં થાય છે. જેમ કે, સલવાર-કમીઝ, ચૂડીદાર, બ્લાઉઝ, દુપટ્ટા અને સ્કર્ટ્સ. રો સિલ્ક મટિરિયલનો આખો ડ્રેસ ન બનાવતાં એનો પેચ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તે વધારે સારું લાગશે.રો સિલ્ક એ પ્યોર સિલ્ક છે. આથી જો તમે રો સિલ્કનો આખો ડ્રેસ પહેરવા માગતા હોવ તો તમારે એમાં લાઇનિંગ નાખવું પડે અને લાઇનિંગ નાખ્યા પછી એ ડ્રેસ પહેર્યો હોય એવું નહીં પરંતુ ગોદડું પહેર્યું હોય એટલો જાડો લાગે છે. એના બદલે જો સેમી બ્રોકેડનો ડ્રેસ હોય એમાં નેક યોક અને સ્લીવમાં જો રો સિલ્કનો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારું લાગશે અને ડ્રેસ હાઇલાઇટ પણ થશે. જો તમારું ફિગર મેઇન્ટેન હોય તો તમે રો સિલ્કનો અનારકલી પણ પહેરી શકો. કોઠામાં કોઈ પણ બીજું ફેબ્રિક લઈને માત્ર ઘેરામાં જ રો સિલ્કનો ઉપયોગ કરવો. A-લાઇન ઘેરો પણ સારો લાગશે. રો સિલ્ક શરીરથી અળગું રહે છે અને માત્ર ઘેરામાં જ ઉપયોગ થયો હોવાથી રિચ લુક આવશે. અને જો તમારે કંઈક અલગ જ ટ્રાય કરવું હોય તો રો સિલ્કનું સ્ટ્રેટ પેન્ટ અને એના પર પ્યોર શિફોન કે પ્યોર જ્યોર્જેટનો લોન્ગ કુરતો ખૂબ જ સ્માર્ટ લાગશે.

પ્લેન સાડી સાથે રો સિલ્કનું બ્લાઉઝ સારું લાગી શકે. તેમ જ ભારે સેલાં અને પટોળા સાથે જો મેચિંગ બ્લાઉઝ ન પહેરવું હોય અને કંઈક અલગ ટ્રાય કરવું હોય તો પ્લેન રો સિલ્કનું બ્લાઉઝ સારું લાગી શકે. બ્લાઉઝમાં પણ જો તમારે મિક્સ એન્ડ મેચ કરવું હોય તો બ્રોકેડની બોડી અને રો સિલ્કની સ્લીવ્ઝ સારી લાગે.

સ્થૂળ શરીરવાળાઓએ રો સિલ્ક પહેરવાનું ટાળવું જોઇએ. ફેબ્રિક ખૂબ જાડું હોવાથી પહેર્યા પછી એ શરીરથી અળગું રહે છે એટલે વધારે જાડા લાગો છો. જો તમે પાતળા અને લાંબા હો તો તમે પહેરો, ફેબ્રિકનો થિક લુક તમને ભરેલો લુક આપશે. જો તમે વધારે પડતા પાતળા હો અને તમારે થોડુંક વ્યવસ્થિત લાગવું હોય તો રો સિલ્કનો કુરતો ન પહેરતાં રો સિલ્કની સલવાર પહેરવી, જે પહેર્યા પછી થોડી પહોળી તો રહેશે જ અને એના પર પ્યોર શિફોન કે પ્યોર જ્યોર્જેટનો કુરતો પહેરવો જેથી શરીરને થોડો ભરાવદાર લુક મળે. જો તમારું ફિગર અને હાઇટ વ્યવસ્થિત હોય તો રો સિલ્કનો ચાઇનીઝ કોલરનો કુરતો અથવા બંધ ગળાનો લોન્ગ કુરતો ચૂડીદાર અથવા સિગાર પેન્ટ સાથે ખૂબ જ સ્માર્ટ લાગશે અને એક કોર્પોરેટ લુક પણ મળશે.જો તમારું શરીર ભરાવદાર હોય અને તમને રો સિલ્ક પહેરવાનો શોખ હોય તો રો સિલ્કને પેચિસમાં યુઝ કરવું. જેમ કે, ડ્રેસ પ્લેન રાખવો, માત્ર ડ્રેસના દામનમાં રો સિલ્કની બે ઇંચથી ત્રણ ઇંચની બોર્ડર આપવી. એના પર કોઈ પણ વર્કવાળી લેસ મૂકવી અને દુપટ્ટાને થોડો હેવી લુક આપવો. જેમ કે, ચારે બાજુ રો સિલ્કની બોર્ડર મૂકવી અને એના પર વર્કવાળી લેસ. પ્યોર રો સિલ્કનાં ક્લચ બ્રાઇડલ એક્સેસરીઝમાં ખૂબ જ વપરાય છે. તેમ જ રો સિલ્કનો ઉપયોગ બ્રાઇડલ વેઅરમાં ફૂટવેઅર ડિઝાઇનિંગ માટે પણ થાય છે. તેમ જ ગ્રૂમના સાફાથી લઈને મોજડીમાં પણ રો સિલ્કનો ઉપયોગ થાય છે. જો તમારે પ્યોર રો સિલ્ક ન પહેરવું હોય તો તમે સેમી રો સિલ્ક પહેરી શકો છો, જે લગભગ પ્યોર રો સિલ્ક જેવું જ લાગે છે. જો સેમી રો સિલ્કનું બ્લાઉઝ કે ચૂડીદાર બનાવવું હોય તો એમાં લાઇનિંગ નાખવાની જરૂર પડતી નથી. જો તમારી સ્કિન ખૂબ જ સેન્સિટિવ હોય તો લાઇનિંગ નાખવું હિતાવહ છે.