વિમેન લિબરેશનનું નવું સરનામું

મેરિકન લેખક બૅરેન ડે મૉન્ટેટ્સ્ક્યુ (જન્મ તા. 19મી જૂન, 1856, નિધન તા. 7મી મે, 1915)એ લખ્યું છે કે “ભૂલ થવાનો ડર જ આપણાં સૌના જીવનની સૌથી મોટી ભૂલ હોય છે પણ આ વાત સમજવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય છે.”

કદી કોઈને આઝાદી આપવામાં આવતી નથી. સ્વતંત્રતા હંમેશાx માગવી પડતી હોય છે. સ્વતંત્રતા માટે લડવું પણ પડે છે. સશસ્ત્ર યુદ્ધો હંમેશા ન્યાય વર્સિસ અન્યાય માટે થયાનો દુનિયાનો ઇતિહાસ ગવાહ છે. આપણાં દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીજીએ “અહિંસક ચળવળ” કરીને દુનિયાને બતાવી આપ્યું હતું કે શસ્ત્ર વિના પણ સ્વતંત્રતા માટે લડી શકાય છે.

આપણા જીવનનું શ્રેય પ્રેમ, હાસ્ય અને સતત કાર્ય કરતા રહેવામાં સમાયેલું છે. જે લોકો નિષ્ફળ જાય છે તેમની પાસે કાબેલિયત નથી, એવું નથી. જે લોકો પાસે પોતાના લક્ષ્યને પામવાની તૈયારી હોતી નથી એ લોકો નિષ્ફળ જતા હોય છે.

#metoo એટલે નારીશક્તિઃ વિમેન લિબરેશનનું નવું સરનામું.મહિલાઓ સાથેની જાતીય સતામણી અને યૌન ઉત્પીડનને બહાર લાવવા માટે આફ્રિકન – અમેરિકન સિવિલ રાઈટ્સ ચળવળકાર તરાના બર્ક (જન્મ તા. 12મી સપ્ટેમ્બર, 1973)એ છેક સને 2006માં “Me Too” મૂવમેન્ટ શરુ કરી હતી.માઈક્રૉબ્લૉગિંગ સાઈટ ટ્વિટરની સ્થાપના તા. 15મી જુલાઈ, 2006ના રોજ અમેરિકામાં થઈ. ભારત અને બીજા દેશોમાં એનો પ્રસાર પછીનાં વર્ષોમાં થયો.

સને 2006 પછી છેક દસ વર્ષ બાદ સને 2017માં હૉલિવૂડની હિરોઈન ઍલિસા મિલાનો (જન્મ તા. 19 ડિસેમ્બર, 1972)એ માઈક્રૉબ્લૉગિંગ સાઈટ ટ્વિટર ઉપર લખીને ઝૂંબેશ ચલાવીને દુનિયાભરની સ્ત્રીઓને અપીલ કરી કેIf you’ve been sexually harassed or assaulted write ‘me too’ as a reply to this tweet.“મારી સાથે પણ જાતીય સતામણી થઈ છે. જો તમારી સાથે પણ કોઈ રીતે જાતીય સતામણી થઈ હોય તો તમે પણ અહીં #metoo હૅસ-ટૅગ સાથે કૉમેન્ટ કરી શકો છો તથા તમારી વાત પણ પ્રસ્તુત કરી શકો છો.”

સૉશિયલ મીડિયાનું પ્લૅટફૉર્મ તમારી જિંદગી બદલી શકે છે. આ વાત 21મી સદીમાં 2017 અને 2018ની સાલે પુરવાર કર્યું. હૉલિવૂડના 65 વર્ષના નિર્માતા હાર્વે વેઈન્સ્ટેન (જન્મ તા. 19 માર્ચ, 1952) સામે હૉલિવૂડની હિરોઈનોએ એક પછી એક બંડ પોકાર્યું ત્યારે સેક્સ્યુઅલ ઍસૉલ્ટ્સ અને સેક્સ્યુઅલ હૅરેસમેન્ટની લાખો નહીં, બલકે કરોડો કહાનીઓ દુનિયાભરમાંથી દુનિયા સમક્ષ જાહેર થઈ.

સને 2018માં હૉલિવૂડની જેમ બૉલિવૂડની અભિનેત્રીઓ સહિત ફિલ્મલાઈનની મહિલાકર્મીઓ અને મીડિયાલાઈનની મહિલાકર્મીઓએ પણ #metoo હૅસ-ટૅગ સાથે કૉમેન્ટ કરી કરીને તહલકા મચાવી દીધો. વીસમી સદીના છેલ્લા દસકામાં – નેવુંના જમાનામાં ઝી ટી.વી. ચૅનલ પરથી પ્રસારીત થતી ડેઈલી સૉપ ઑપેરા (સીરિયલ) “તારા”ની લેખિકા વિન્તા નંદાએ છેક ઑક્ટોબર, 2018ના પહેલા અઠવાડિયે “સંસ્કારી બાબુજી”ના પાત્રથી જાણીતા ચરિત્ર અભિનેતા આલોકનાથ સામે #metoo હૅસ-ટૅગ સાથે કૉમેન્ટ કરીને પોતાનું જાતીય શોષણ થયું હોવાની વાત કરી.

રાઈટર – ડાયરેક્ટર વિન્તા નંદા હિરોઈન તનુશ્રી દત્તાના સમર્થનમાં બહાર આવી હતી. સને 2009માં રીલિઝ થયેલી ફિલ્મ “હૉર્ન ઑ.કે. પ્લિઝ”ના સેટ ઉપર નાના પાટેકરે પોતાની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનો તનુશ્રીનો આક્ષેપ હતો. આ પછી તનુશ્રીએ ફોજદારી કાર્યવાહી પણ કરી, જેમાં તેને ધમકી મળી રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો.

મ્યુઝિક કમ્પૉઝર અને રાઈટર વરુણ ગ્રોવર તથા કૉમેડીયન ઉત્સવ ચક્રવર્તી સામે પણ આક્ષેપ થયા. જાણીતા લેખક ચેતન ભગતે કરેલા અશ્લીલ મેસેજો એક યુવતીએ વાઈરલ કર્યા હતા. હિરોઈન ફ્લૉરા સૈનીએ પ્રૉડ્યુસર ગૌરાંગ દોશી ઉપર જાતીય શોષણના આક્ષેપ કર્યા.

ઋત્વિક રોશન સામે અગાઉ જાતીય શોષણના આક્ષેપ કરનાર હિરોઈન કંગના રનૌતે પ્રૉડ્યુસર વિકાસ બહલ ઉપર આક્ષેપ કર્યા કે શુટિંગ વખતે તે પોતાનાં આંતર્વસ્ત્રોમાં હાથ નાખતો અને પોતાને બળજબરીથી જકડી લેતો હતો. બે યુવતીએ રજત કપૂર ઉપર અને મીડિયાકર્મી યુવતીએ સૂફી સિંગર કૈલાસ ખેર ઉપર પણ આક્ષેપ કર્યા.

વિદેશ રાજ્ય મંત્રીશ્રી પદે રહી ચૂકેલા એમ. જે. અકબર જ્યારે જુદા જુદા અંગ્રેજી ડેઈલી ન્યૂઝપેપરમાં ઍડિટર હતા ત્યારે તેઓએ પોતાનું જાતીય શોષણ કર્યું હોવાનું ઘણી બધી જુનિયર લેડી જર્નલિસ્ટ અને ઈન્ટર્ન યુવતીઓએ જાહેર કર્યું.

સને 2018ના સ્ટડી રિપૉર્ટ પ્રમાણે અમેરિકામાં વર્ક-પ્લેસ ઉપર 50 ટકા યુવતીઓ સાથે સૅક્સ્યુઅલ ઍબ્યુઝ ઍન્ડ સૅક્સ્યુઅલ ઍસૉલ્ટ થાય છે. જેમાં 8 ટકા પુરુષો મેનેજમેન્ટ લેવલના યાને માલિક કે બોસ હોય છે. 36 ટકા પુરુષો તે યુવતીના મેનેજર, સુપરવાઈઝર હોય છે. 60 ટકા મહિલાઓની જાતીય સતામણી તેની સાથે જૉબ કરનાર કે તેનાથી લૉઅર પૉસ્ટ પરના પુરુષો કરતા હોય છે.

લગભગ 72થી 75 ટકા મહિલાઓ કમ્પ્લેઈન કરતી જ નથી. આ યુવતીઓમાંથી 40 ટકા પોતાની ઈમેજના ડરથી ચૂપ રહે છે જ્યારે 18થી 20 ટકા યુવતીઓ નોકરી જવાના ડરથી ચૂપચાપ બધું સહન કરે છે અને 22 ટકા પીડિતા એમ માને છે કે મૌન પણ એક જવાબ છે.

મુખવાસઃ-

“સ્વમાન અને સ્વરાજ માટે જીવ આપવો પડે તો આપજો.”–ગાંધીજી

દિનેશ દેસાઈ