શું છે હેર ડિટોક્સિફિકેશન?

જબૂત, ચમકતા, ઘાટા અને સિલ્કી વાળ કોને ન ગમે? પરંતુ પ્રદૂષણ ભર્યા વાતાવરણમાં વાળને સારી રીતે ટકાવી રાખવા ખૂબ મુશ્કેલ છે. વાળને સારા બનાવવા માટે અને ખરતા અટકાવવા માટે એની માવજત ખૂબ જરૂરી છે. વાળની માવજત કરવા માટે એક રીતે છે જેને ડિટોક્સ કહેવામાં આવે છે. ડિટોક્સ એટલે કે વાળમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવા. મોટા સીટીમાં એક જ દિવસમાં વાળ ખરાબ થઇ જાય છે. દિવસમાં 4થી 5 કલાક પણ બહાર જવાનુ થાય તો વાળની હાલત ખરાબ થઇ જાય છે અને એના કારણે રોજ વાળ ધોવાની ફરજ પડે છે. વાતાવરણમાં રહેલા ઝેરી તત્વો માત્ર તમારા સ્વાસ્થ્યને જ નહી પરંતુ તમારા વાળને પણ એટલુ જ નુક્સાન કરે છે. તેથી વાળને હેલ્ધી રાખવા માટે થોડા થોડા સમયાંતરે ડિટોક્સ કરાવવા ખૂબ જરૂરી છે.

સૌથી પહેલા તો એ જાણીએ કે હેર ડિટોક્સ શું છે. તો તમારા વાળમાં જમા થયેલો મેલ, કચરો, પરસેવો, ધૂળ જમા થયેલી હોય તેને દૂર કરી, વાળને મજબૂત બનાવવા માટે જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેને હેર ડિટોક્સિફિકેશન કહેવામાં આવે છે. શેમ્પૂ કરવાથી, વાળમાં મસાજ કરવાથી હેર ડિટોક્સ નથી થતા પરંતુ હેર ડિટોક્સિફિકેશનમાં લાંબી ટ્રીટમેન્ટ આવે છે. એવુ પણ થાય છે કે જો વાળને અનુરૂપ શૅમ્પૂ ન હોય, સ્કૅલ્પ પર શેમ્પૂથી વધુ પડતુ મસાજ કરવામાં આવે, વાળ ધોવા માટે તમે સારી પ્રોડક્ટ ન વાપરતા હોવ તો પણ તમારા વાળ બગડે છે અને ડિટોક્સ કરવા પડે છે. વાળ ખરાબ  થઇ ગયા હોય, વધુ પડતા ખરતા હોય કે પછી ડ્રાય થઇ ગયા હોય તો વાળને બિલકુલ ડિટોક્સ કરવા પડે છે. વાળને ડિટોક્સ કરવા માટેની બે રીત છે. એક તો ઘરે બેઠા હેર ડિટોક્સ કરી શકો છો અને બીજી રીત છે જેમાં વાળને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. વાળને ડિટોક્સ કરવા માટે સિસ્ટિન અને કેરોટિન એમ બે કેમિકલની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

પ્રદૂષણના કારણે તમારા વાળ નબળા પડતા જાય છે. વાળની મજબૂતાઇ પાછી લાવવા માટે વાળમાં સિસ્ટિન નામનું કેમિકલ બ્રશ વડે લગાવવામાં આવે છે. આ કેમિકલ લગાવવાથી વાળ અંદરથી મજબૂત થાય છે. સિસ્ટિન લગાવ્યા બાદ વાળમાં કેરોટિન નામનું કેમિકલ પણ લગાવવામાં આવે છે. જે વાળમાં મોઇશ્ચરાઇઝરને પાછુ લાવવામાં મદદ કરે છે. આ ટ્રીટમેન્ટ આપવામાં બે કલાક થાય છે અને દર બે મહિને આ કરાવવાથી વાળ ખૂબ સારા રહે છે. આ ટ્રીટમેન્ટનો ખર્ચ ચારથી પાંચ હજાર રૂપિયા સુધીનો થાય છે. હવે વાત કરીએ ઘરેલુ ઉપચારની તો એક ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી તજનો પાઉડર, બે ચમચી ઑલિવ ઑઇલને મિક્સ કરી એને એક-એક લટ પર લગાવો. ત્યાર બાદ સ્કૅલ્પ પર લોહીના ભ્રમણની દિશામાં મસાજ કરો. એ પછી વાળ પર પંદરેક મિનિટ શાવર-કૅપ લગાવી રાખો. અને વાળને અનુરૂપ શૅમ્પૂથી વાળ ધોઈ લો.

જો તમારે ટ્રાવેલ કરવાનું વધુ થતુ હોય તો વાળમાં ધૂળ, પસીનો વધુ હોય છે તો એના માટે તમારે  ક્લૅરિફાઇંગ શેમ્પૂ વાપરવુ જોઇએ અને જો વાળ ડેમેજ અને ડ્રાય હોય તો મોઇશ્ચરાઇઝિંગ શેમ્પૂ વાપરો. વાળમાં શેમ્પૂ કરતા પહેલા નારિયેળ અથવા તો બદામ અને જો તમે વાપરતા હોવ તો ઓલિવ ઓઇલથી મસાજ કરો. આ રીતે કરવાથી લોહીનું પરિભ્રમણ પણ બરાબર થશે. ત્યારબાદ ગ્રીન ટી ની બેગને એક કપ પાણીમાં નાખી આ પાણી વાળમાં લગાવી એક કલાક રાખી વાળ ધોઇ લો. તમારા વાળ સુંવાળા, મજબૂત અને ચમકતા થઇ જશે.

મેડિટેશન કરવાથી પણ તણાવ ઓછો થાય છે અને સ્કેલ્પ અને વાળ બંને હેલ્ધી રહે છે. લીલા પત્તાવાળા શાકભાજી, ફ્રૂટ્સ પૂરતા પ્રમાણમાં ખાવાથી અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પણ વાળ ડિટોક્સ કરી શકાય છે.