સુષ્મા સ્વરાજનો ટાઉન હોલઃ મહિલાઓએ કેવા પ્રશ્નો કર્યા ?

0
2394

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસ બાકી છે ત્યારે શાસક ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવી લોકો સુધી પહોંચવાના વિભિન્ન પ્રયાસો તેજ ગતિએ ચાલી રહ્યાં છે. શહેરના જીએમડીસી કન્વેન્શન હોલમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજનો મહિલા ટાઉન હોલ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આ કાર્યક્રમની સફળતાનો દાવો કરતાં જણાવાયું હતું કે ગુજરાતની એક લાખથી વધુ મહિલાઓએ સોશિઅલ મીડિયા સહિત આ કાર્યક્રમમાં જોડાઇને સફળ બનાવ્યો છે.સુષ્મા સ્વરાજના આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ ઝોનમાંથી વિડીયો કોન્ફરન્સિંગ, મિસ્ડકોલ, ફેસબૂક, ટ્વીટર જેવા માધ્યમો ઉપરાંત હોલમાં ઉપસ્થિત બહેનો દ્વારા સુષ્માજીને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. તેમની સાથે મંચ પર મુખ્યપ્રધાન વિજય રુપાણી તેમ જ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજો અડગ ગુજરાતની અડગ બહેનોને મારા નમસ્કાર… એમ કરીને મહિલાઓ સાથેના સંવાદની શરૂઆત કરી હતી. ગુજરાતભરની મહિલાઓ લાઈવ આ ટાઉનહોલ કાર્યક્રમમાં જોડાઈ હતી.

વિદેશપ્રધાને ભાજપ માટે મહિલાઓની સુરક્ષા, સ્વાવલંબન અને સશક્તિકરણ એમ ત્રણ મુખ્ય મુદ્દાઓ હોવાનું જણાવવા સાથે બેટી બચાવો અને ઘરેલુ હિંસાના મુદ્દા સાથે ટાઉન હોલનો પ્રારંભ કર્યો હતો. તેમણે કહ્યું કે જે દેશમાં વર્ષમાં 2 વાર નવરાત્રિ ઉજવાય અને છેલ્લા દિવસે કન્યાઓની પૂજા કરે તે દેશમાં દીકરીઓનો ગર્ભપાત થાય તે ગંભીર સમસ્યા છે. આ માટે ભાજપ સરકારે વિવિધ પ્રકારે સુરક્ષા નિશ્ચિત બનાવી છે. મહિલાઓ માટે ગુજરાતમાં 142 યોજનાઓ હોવાનું જણાવ્યું હતું.રાહુલ ગાંધીએ તાજેતરમાં કરેલા ગુજરાત પ્રવાસ દરમિયાન આરએસએસમાં મહિલાઓ શોર્ટ્સમાં કેમ દેખાતી નથી તેવી રીમાર્ક કરી હતી તેના પર પ્રશ્ન પૂછાતાં તેમણે પીઢ નેતાને છાજે તેમ જવાબ આપતાં જણાવ્યું કે તેમની આવી અભદ્ર ટીપ્પણી અંગે પ્રતિક્રિયા આપવી મહત્ત્વનું નથી.

ભાજપ કોઇ ધર્મજ્ઞાતિજાતિના ભેદભાવ વગર ભારતીય નાગરિકો માટે કામ કરતી સરકાર છે તેમ જણાવતાં એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે માહિતી આપી હતી કે પાછલાં ત્રણ વર્ષમાં વિદેશમાં ફસાયેલાં કુલ 88,302 નાગરિકોને બચાવીને પાછાં લાવવામાં આવ્યાં છે.

એક મુસ્લિમ પ્રશ્નકર્તા બહેને ત્રિપલ તલાક નાબૂદ થતાં આટલાં વર્ષો કેમ લાગ્યાં તેમ પૂછતાં ખૂબ માર્મિક અંદાજમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે આઝાદ થતાં 1300 વર્ષ લાગ્યાં છે. વોટબેંકની રાજનીતિએ આ સમસ્યા ટકાવી રાખી હતી.આ ઉપરાંત પણ સૌનો સાથ સૌનો વિકાસ, રોજગાર, ગરીબોને ઘર જેવા વિવિધ મુદ્દા પર બહેનોએ પ્રશ્ન પૂછ્યાં હતાં જેમાં તેમણે સ્પષ્ટતાપૂર્વક જવાબ આપ્યાં હતાં. બહેનોને બહાર કામકાજ કરવા માટે ફેમિલી સપોર્ટ મળતો નથી તે કેવી રીતે મેળવવો એવા પ્રશ્નના ઉત્તરમાં સુષ્મા સ્વરાજે ઘરના સભ્યોને સમજાવટથી કામ લેવા, યોગ્ય સમય આયોજન સાથે કામ પાર પાડવાના ઉદાહરણમાં પોતાને ટાંકીને જવાબ આપ્યાં હતાં. એક તબક્કે હસતાંહસતાં એમપણ કહ્યું હતું કે અરે હમને ડોકલામમેં ચીન કો સમજા લિયા, ઘર કે લોગોં કો તો સમજા હી લેંગે… જેવી રમૂજ પણ કરી લીધી હતી. મુદ્રા યોજના અંગે પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે મુદ્રા યોજનામાં 4 લાખ કરોડ રૂપિયાની લોન 76 ટકા મહિલાઓને આપવામાં આવી છે.

યુપીએના શાસનમાં ફકત 2 મહિલા જ કેબિનેટમાં હતી, ભાજપના શાસનમાં હાલ 6 મહિલાઓ કેબિનેટમાં છે. મહિલાઓના રાજનૈતિક સશક્તિકરણમાં ભાજપ ખૂબ જ આગળ છે.

ચૂંટણીના  આંગણે ઊભેલા ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ હર સંભવિત મતદાર સુધી પહોંચવા આયોજનપૂર્વક આગળ વધી રહ્યો છે. ભૂતકાળમાં પણ ભાજપની જીતમાં મહિલાઓની મોટી ભૂમિકા રહી છે ત્યારે આ કાર્યક્રમ દ્વારા સુષ્મા સ્વરાજે ગુજરાતની મહિલા મતદાતાઓને પક્ષ તરફ આકર્ષવામાં સફળતા મળવાનો આશાવાદ સેવ્યો છે.

(અહેવાલ- પારુલ રાવલ, તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)