ફેશનની દુનિયામાં રંગ જમાવે સ્ટાઇલિશ કૂર્તી..

હેલાંની વાત કરીએ તો માત્ર એ લાઇન કૂર્તી જ આવતી, પણ હવે તો તમારે જે ડિઝાઇનની જોઇએ એ ડિઝાઇનની કૂર્તી બજારમાં ઉપલબ્ધ હોય છે. અત્યારે લોંગ સ્ટ્રેટ કૂર્તી , ડબલ લેયર, ટ્રેલ કટ, અંગરખા, અનારકલી, ઇન્ડો-વેસ્ટર્ન, ફ્લોર લેન્થ, કફ્તાન સ્ટાઇલ અનેક પ્રકારની કૂર્તી બજારમાં મળે છે. પહેલા માત્ર ઘરમાં રહેતી મહિલા જ કૂર્તી પહેરવાનું પસંદ કરતી અને જ્યારે બહાર ત્યારે સાડી કે ડ્રેસ જ પહેરવાનું પસંદ કરતી હતી. પરંતુ હવે ઘરમાં રહેતી, ઓફિસ જતી કે કોઇ પ્રસંગમાં જતી મહિલા કૂર્તી પહેરવાનું પસંદ કરે છે.

કોલેજ જતી યુવતીથી લઇને ઓફીસ જતી યુવતીઓ માટે ઓફિસ વેઅર માટે કે પછી કોઇ પાર્ટી માટે બધી જ સ્ટાઇલની કુર્તી મળે છે. પણ કઇ જગ્યાએ કેવી સ્ટાઇલની કુર્તી પહેરવી એ સમજણ તમારામાં હોવી જોઇએ. ટ્રેલ કટ કુર્તી જેની આજકાલ ખૂબ ફેશન ચાલી રહી છે, કુર્તીની પાછળની લંબાઇ આગળની લંબાઇ કરતા વધારે હોય અથવા બાજુની લંબાઇ વધારે હોય તેને ટ્રેલ કટ કુર્તી કહેવાય. આ પ્રકારની કુર્તીમાં નીચે લેગિંગ્સ કે જેગિંગ્સ પહેરવી અને પગમાં હિલ્સ પહેરવી જેથી કરીને પેટર્ન દેખાય. આવી કુર્તી લાંબી યુવતીઓ પર વધુ સારી લાગે છે. આવી કુર્તીની લેન્થ જો થ્રી-ફોર્થ હોય તો તમે એને ડ્રેસની જેમ પણ પહેરી શકો છો. પ્લાઝો સાથે પણ થ્રી-ફોર્થ કુર્તી સારી લાગશે. કંઇક નવુ ટ્રાય કરવા માટે તમે કુર્તી પર જેકેટ પણ પહેરી શકો છો. આવી કુર્તી થીમ પાર્ટીમાં સારી લાગે જેમ કે કોઇ બર્થ ડે પાર્ટી હોય કે કિટી પાર્ટી હોય.

હવે વાત કરીએ અનારકલી સ્ટાઇલ કુર્તીની. આ કુર્તી ખૂબ જ એલિગન્ટ લુક આપે છે. અનારકલી કુર્તી એ-લાઇન ઘેરામાં પણ બનાવી શકાય અને કળી જોઇન કરીને પણ બનાવી શકાય. મોટે ભાગે કળી જોઇન કરીને બનાવીએ તો વધારે ગ્રેસફુલ લાગે છે અને ઘેર પણ સારો આવે છે. માત્ર શરીરના બાંધાને અનુરૂપ ઘેરાની અને લેન્થની પસંદગી કરવી. અનારકલી સ્ટાઇલ કુર્તી લાંબી યુવતીઓ પર સારી લાગે છે. જો તમારુ શરીર સુડોળ હોય તો યોકવાળી અથવા નેકલાઇનથી જ કળી ચાલુ થતી હોય એવી કુર્તી પહેરી શકો. અનારકલી પેટર્ન કોટન, સિલ્ક, નેટ અને સિન્થેટિક એમ બધી જ ટાઇપના ફેબ્રિકમાં સારી લાગે છે. પ્લેન ફેબ્રિક હોય કે એમ્બ્રોઇડર્ડ ફેબ્રિક હોય, અનારકલી પેટર્ન બધી ટાઇપના ફેબ્રિક પર ઊઠી આવે છે. અનારકલી કુર્તી સાથે હાઇ હીલ્સ સારી લાગે છે. અનારકલી કુર્તી સાથે ચૂડીદાર સારાં લાગે છે, પરંતુ જો તમારે કંઇક અલગ ટ્રાય કરવું હોય તો તમે પ્લાઝો સાથે પહેરી શકો.

ફ્લોર લેન્થ કુર્તી એટલે કે જે કુર્તીની લેન્થ ફ્લોર સુધી હોય. દેખાવમાં આ ગાઉન જેવા લાગે છે અને મોટા ભાગે ફોર્મલ લુક આપે છે. ફોર્મલ ફ્લોર લેન્થ કુર્તી સિલ્ક, નેટ અથવા પ્યોર શિફોન કે જ્યોર્જેટમાં બનાવવામાં આવે છે. કેઝ્યુલ લુકમાં પણ હવે આવી કુર્તી બને છે જેમાં ફેબ્રિકનું મિક્સ અને મેચ કરવામાં આવે છે. કેઝ્યુઅલમાં ખાસ કરીને પ્રિન્ટ સિલેક્શનમાં ધ્યાન રાખવું અને ફોર્મલમાં કેવું વર્ક છે એના પર ધ્યાન આપવું. જો તમને વર્કવાળો ફ્લોર લેન્થ ગાઉન ન પહેરવો હોય તો નેટના ફેબ્રિક પર તૈયાર વર્ક આવે છે એ પહેરી શકાય. આવાં ગાઉન સાથે મિનિમલ જ્વેલરીનો લુક અપનાવવો જોઇએ. ડબલ લેયર કુર્તી એટલે કે જેમાં બે લેયર હોય એટલે બે કુર્તી, બે શોલ્ડરથી એકસાથે જોઇન થયેલી હોય. ઉપરનું લેયર હોય અને એની અલગ અલગ સ્ટાઇલ હોય છે. ઉપરનું ફેબ્રિક કોન્ટ્રાસ્ટ કલરમાં હોય અથવા તો ટ્રાન્સપરન્ટ હોય. આ બે લેયર હોય એની લેન્થ એકસરખી હોય એવુ જરૂરી નથી. મોટાભાગે લેન્થ ઉપર નીચે હોય છે તો કુર્તી વધુ સ્ટાઇલિશ લાગે છે અને એની પેટર્ન પણ દેખાય. આ કુર્તી લેતા પહેલા બોડી ટાઇપને આધારે પસંદગી કરવી.

તો જો તમે હજુ સુધી કુર્તીની પસંદગી નથી કરી તો આ ટીપ્સને આધારે તમે સ્ટાઇલિશ કુર્તી પસંદ કરી સ્ટાઇલિશ લુક મેળવી શકો છો.