મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ, પિયા કા ઘર પ્યારા લગે…

જ્યારે એક કન્યા અને વર લગ્નસંબંધથી જોડાય છે ત્યારે માત્ર એ બંનેના જ નહી પરંતુ બંને પરિવારના સંબંધો પણ જોડાય છે. બંને પક્ષે કુટુંબનું સમીકરણ જ બદલાઇ જાય છે. લગ્ન પછી લગ્ન કરનાર છોકરાની માતા સાસુ બની જાય છે. અને એક માતાની છોકરી બીજા કુટુંબમાં આવે છે ત્યારે એ વહુ બની જાય છે. એક માબાપ લાડ કોડથી મોટી કરેલી પોતાની વ્હાલી પુત્રીને એક નવા જ કુંટુંબમાં એ સુખી થશે એ આશાએ વિદાય કરે છે.આજે પણ નાનપણથી દીકરીઓના મનમાં સાસરાનો ડર એ રીતે બેસાડી દેવામાં આવે છે કે જાણે એ સાસરે નહીં પણ યુદ્ધ લડવા જવાની હોય. પણ લગ્ન પછી કંઇક અલગ જ ચિત્ર સામે આવે છે. યુવતીઓને વાતવાત પર કહેવામાં આવે છે કે અહીં બધા શોખ પૂરા કરવામાં આવે છે પણ સાસરે જઇશ તો ખબર પડશે. ત્યાં તો સાસુ, નણંદના નખરા ઉઠાવવા પડશે. એટલે યુવતીઓમાં પહેલેથી સાસરાને લઇને એક નકારાત્મક ચિત્ર બની જાય છે. અને પિયરથી વિદાય લેતા યુવતીના મનમાં અનેક શંકાઓ પેદા થાય છે. પરંતુ જ્યારે યુવતી સાસરામાં પગ મૂકે છે ત્યારે જેવુ વિચાર્યુ હતુ એનાથી વિપરીત પરિસ્થિતિ જ જોવા મળે તો? સાસુ એકદમ ખુલ્લા દિલથી એમની વહુનુ ભાવભીનુ સ્વાગત કરે છે, નણંદ અને દેવર નાના ભાઇ બહેનની જેમ રહે છે. ત્યારે એ યુવતીના મનમાં એક અલગ જ ચિત્ર ઉભું થાય છે અને ફરી તેના શોખ અને ઇચ્છાઓ જાગે છે. જો કે હવે જમાનો ઘણો બદલાય ગયો છે લોકો ઘણા મોડર્ન થઇ ગયા છે. પણ હજુ ઘણી જગ્યાએ આવી પરિસ્થિતિ જોવા મળે છે જ્યાં વહુને પોતાના શોખ દબાઇને રાખવા પડતા હોય છે.પહેલાંના સમયમાં સાસુ તરફથી થતો હિન વર્તાવ અને અપમાનને વહુ સમસમીને સહન કરી લેતી હતી પરંતુ હવે જમાનો બદલાયો છે. એક આધુનિક વહુ સાસુની બીક રાખ્યા વિના સાચું લાગે એ વિના સંકોચ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે. પરંતુ હવે મોર્ડન સમયમાં સાસુસસરા એક યુવતીના શોખ અને ઇચ્છાઓને ધ્યાનમાં રાખીને તેને જોબ કરવાની છૂટ આપે છે. બહાર હરવા ફરવા માટે છૂટ આપવામાં આવે છે. તો સામે આપણે પણ તેમની ઇચ્છાઓ અને મર્યાદાને ધ્યાનમાં રાખીને રહેવુ જોઇએ. તેઓ આપણી પાસેથી શું ઇચ્છે છે તે આપણે પણ સમજવુ જોઇએ. સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખો કે એ એમના પુત્ર સાથે સમય વિતાવી શકે. એમને મનમાં એવું ન લાગવુ જોઇએ કે લગ્ન બાદ પુત્ર એમને સમય નથી આપી રહ્યો, એમની વાત નથી સાંભળી રહ્યો. તમે પણ એમને સમય આપો, એમની વાતો સાંભળો. કોઇ એવુ ના કહી જવુ ંજોઇએ કે જ્યારથી લગ્ન થયા એમનો દીકરો તો એની પત્નીને જ વળગી રહે છે.

સાસુસસરાની વાતથી કે કોઇ નિર્ણયથી તમે અને તમારા પતિ એકબીજા સાથે સહમત ન હોવ તો પણ એને થાળે પાડવા માટે એકબીજાને સહકાર આપો. તમને જે રીતે તમારા માતાપિતા વ્હાલાં છે એમ તમારા પતિને પણ એમના માતાપિતા વ્હાલાં હોય છે. એમને ક્યારેય પણ માતાપિતાથી દૂર રહેવા માટે ન કહો. એ વિચારો કે જો આ જ વસ્તુ તમારા માતાપિતા સાથે થશે તો શું તમને ગમશે? સ્વાભાવિક છે ન જ ગમે તો તમે પણ થોડું જતું કરીને એડજસ્ટ કરો. તો તમારા સાસુસસરા સાથે અને તમારા પતિ બંને સાથે સંબંધો સચવાઇ જશે. ઘરમાં કાંઇપણ નાની રકઝક જેવુ થાય તો તમે તરત ફોન કરીને તમારા ઘરે મ્મમીને ન જણાવી દો. ઘરમાં થતી દરેક વસ્તુ તમારા ઘરે કહેવી જરૂરી નથી. આનાથી તમારા સાસરામાં પણ મુશ્કેલી પડી શકે છે અને તમારા પિયરમાં એ લોકોની ચિંતા પણ વધી જશે.નાની મોટી કોઇપણ વાત છે તમારા ઘરમાં જ રાખીને તેનુ સમાધાન લાવો. તમારા સાસુસસરામાં કોઇ પણ નબળાઇ હોય તો પણ તેમનો આભાર માનવો જોઇએ. તમે તેમના અનુભવમાંથી પણ ઘણું શીખી શકો છો. તમે તેમના સારા ગુણો પર ધ્યાન આપશો અને અનુસરશો તો એક સમજદાર વ્યક્તિ બનશો.