ડિઝાઇનર પાયલઃ આધુનિકાઓની ખાસ પસંદ

પાયલ, ઝાંઝર, છડા કહો કે સાંકળા નામ ઘણાં બધા છે પણ ઘરેણું તો એક જ છે. જેમ શહેર અને દેશ બદલાય છે એ રીતે નામ બદલાય જાય છે પણ ડીઝાઇન તો એ જ રહે છે. પરંતુ હવે આમાં પણ અનેક ડીઝાઇન આવી રહી છે. હવે તો શહેર અને દેશ પ્રમાણે ડીઝાઇન પણ બદલાય છે એ કહેવું પણ કંઇ ખોટું નથી. આમાં અનેક ડીઝાઇનો પણ જોવા મળે છે જેને યુવતીઓ જીન્સમાં પહેરવાનું પણ પસંદ કરે છે. યુવતીઓ બંને પગમાં પહેરવાની જગ્યાએ એક પગમાં પહેરવાનું પસંદ કરી રહી છે. પાયલને હવે એક નવુ નામ પણ મળ્યુ છે એંકલેટ. કેપ્રી, શોર્ટ્સ, જીન્સ, વન પીસમાં યુવતીઓ એક પગમાં એંકલેટ પહેરતી હોય છે. અને એંકલેટમાં જાત-જાતની ડીઝાઇન પણ મળી રહી છે. તમે તમારા નામ વાળુ પણ એંકલેટ બનાવી પગમાં પહેરી શકો છો. યુવતીના સોળે શણગારમાં છડાનો ખાસ સમાવેશ થાય છે. દુલ્હનના શણગારમાં ખાસ કરીને છડા અને ઝાંઝર ચડાવવામાં આવે છે. અને એવુ પણ કહેવાય છે કે મહિલાઓના પગમાં પાયલ પહેરવાથી નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ પણ આવે છે. ખાસ કરીને પાયલ પહેરવાથી મહિલાનું સ્વાસ્થ્ય સારુ રહે છે અને પાર્ટનરને પણ ફાયદો થાય છે.

મોટા ભાગે મહિલાઓ ચાંદીની પાયલ પહેરવાનું વધુ પસંદ કરે છે. આયુર્વેદિક પ્રમાણે પણ પગમાં ચાંદીના પાયલ પહેરશો તો સ્વાસ્થ્ય વધુ સારુ રહેશે. કારણ કે એવુ કહેવાય છે કે માથું ઠંડુ અને પગ ગરમ હોવા જોઇએ. સોનાની તાસીર ગરમ હોવાથી શરીરના ઉપરના ભાગમાં સોનું અને નીચે પાયલ પહેરવાથી શરીરનું તાપમાન ઠીક રહે છે. અને આમ પણ ભારતીય પરંપરા પ્રમાણે સોનાની પાયલ નથી પહેરાતી.

કોલેજગર્લ, પ્રોફેશનલ યુવતીઓ અને ગૃહિણીઓ રોજિંદા જીવનમાં પાયલ પહેરવાનું પસંદ કરે છે. સાડી, ડ્રેસમાં તો પાયલ પહેરે જ છે પરંતુ વેસ્ટર્ન કપડા પર પણ પાયલ પહેરવાનો ટ્રેન્ડ જાણીતો છે. ભારતીય પરંપરામાં પહેરાતી પાયલ સિવાય અનેક ડીઝાઇનમાં મળે છે. વેસ્ટર્ન કપડાની સાથે સિંગલ સેરની પાયલ પહેરે છે. ચાંદીના સાંકળાની સાથે લાકડાના બિટ્સની પાયલ, પંચધાતુની પાયલ, જૂટની બનેલી પાયલ, હાથીદાંત, પ્લાસ્ટીક અને ચામડાંની પાયલનો ક્રેઝ ચાલી રહ્યો છે. વેસ્ટર્ન વેરમાં વાયર જેવી પતલી પાયલ પહેરવાનો પણ ક્રેઝ છે.

માર્કેટમાં અત્યારે નવવધૂ માટે પાયલની વિવિધ ડીઝાઇન મળી રહી છે. ચાંદી સિવાય ઇમીટેશનમાં એટલી બધી ડીઝાઇન મળે છે કે ડ્રેસ પ્રમાણે તમે અલગ-અલગ પાયલ પહેરી શકો છો. ચાંદીની પાયલ કરતા ઇમીટેશનની પાયલ દુલ્હનની પહેલી પસંદ બની રહી છે. પાયલથી યુવતીઓના પગ સુંદર અને સુડોળ લાગે છે. અને એમાં પણ જો તમે પાયલની સાથે પગની આંગળીઓમાં પહેરવાની વીંટી પણ પહેરો તો એ ખૂબ જ સુંદર લાગશે. જડતરની પાયલ પણ ડીસન્ટ લુક આપશે. જો નવવધૂના ઘરેણાં મોતીના હોય તો જડતરની પાયલ અથવા તો મોતીની પાયલ અત્યારે જે બજારમાં મળી રહી છે તે ખૂબ જ સરસ લાગશે. ચાંદીની પાયલમાં મોતી કે ડાયમંડ જડેલી પાયલ પણ સારી લાગે છે. જો તમારે રોજબરોજ પહેરવા માટે પાયલ લેવી હોય તો ચાંદીની પાયલ પર પસંદગી ઉતારી શકો છો. કારણ કે ઇમીટેશનની પાયલ કાળી પડી જવાનો ડર રહેશે. જો એવી ન લેવી હોય અને સિંપલ પાયલ જ લેવી હોય તો ઇલાસ્ટીક વાળી એંકલેટ પણ આવે છે એ પણ તમે ખરીદી શકો છો. બજારમાં આ પ્રકારની પાયલ ખૂબ સસ્તી પણ મળી રહે છે.

પાયલ પહેરવામાં અને દેખાવમાં તો સુંદર લાગે જ છે પરંતુ પાયલ પહેરવાથી અનેક ફાયદા પણ થાય છે. પાયલથી તમે તમારા પાર્ટનરને તમારી બાજુ આકર્ષિત કરી શકો છો. પાયલ પહેરવાથી તમારા અને પાર્ટનર વચ્ચે નકારાત્મકતા હોય એ દૂર થાય છે. એનાથી તમારા બંને વચ્ચે પ્રેમ વધે છે. આ સાથે જ પાયલ પહેરવાથી ઘરનો માહોલ પણ સારો રહે છે. સોના અને ચાંદીની પાયલ પહેરવાથી હાડકાં પણ મજબૂત બને છે.