તમારી મોંઘી સાડીઓની સાચવણી…

સાડી… સ્ત્રીનું એક મૂલ્યવાન આભૂષણ. સાડીમાં સ્ત્રીનું સૌંદર્ય દીપી ઉઠે છે. પણ આજકાલ સાડી પહેરવાની તક ખૂબ ઓછી મળે છે. સ્ત્રીઓ અત્યારે કુર્તી, લેગીંગ્સ, જીન્સ, ડ્રેસ પર પોતાની પસંદગી ઉતારી રહી છે. માત્ર કોઇ પ્રસંગોપાત જ સાડી પહેરવાની આવે છે. ત્યારે તમારી આ મોંઘી મોંઘી સાડીઓની સાચવણ કરવી ખૂબ જરૂરી બની જાય છે જેથી લાંબા સમય સુધી ટકી રહે. ત્યારે એવી કેટલીક ટીપ્સ છે જેના કારણે તમારી સાડીઓ પણ સચવાઇ રહે અને નવા જેવી જ રહે.

સૌથી પહેલા કબાટ  કે જ્યાં તમે સાડી રાખો છો એને સાફ રાખો. કબાટમાં ન્યૂઝપેપરના કાગળ અથવા તો કપડું પાથરીને સાડી રાખો. અત્યારે હાલ બજારમાં પ્લાસ્ટીક જેવુ મટીરીયલ પણ ઉપલબ્ધ છે કે જે સ્પેશિયલી આના માટે મળે છે. જે બોક્સ કે કબાટમાં તમે સાડી રાખો છો એમાં લીમડાના સૂકા પાંદડા પથરાવી દો. અને દરેક ખૂણામાં નેપ્થેલિનની ગોળીઓ પોટલીમાં બાંધીને રાખી દો જે તમને બજારમાં આરામથી મળી રહેશે. જે સાડી તમે ખૂબ ઓછી પહેરો છો તેની ગડી તમે એક બે મહિને બદલતા રહો નહીંતર સાડી ફાટવાનો ડર રહે છે. બનારસી, કાંજીવરમ તેમજ પટોડા જેવી સાડીઓનો પાલવ ખૂબ જ ભારે હોય છે. હાથથી ખેંચાય તો પણ ફાટી જાય તેવો ડર રહે છે તો તમે સાડી જેવા કલરની છે તેવા કલરની નેટ તમે પાલવની પાછળની બાજુ નખાવી દો જેથી સાડી ખેંચાવાની કે ફાટી જશે તેવી કોઇ બીક નહી રહે.

તમારી જે મોંઘી સાડી છે એને હંમેશા ડ્રાયક્લીન કરવાનું રાખો. જો એ સાડીને તમારે લાંબા સમય સુધી ટકાવી રાખવી છે તો ઘરે ક્યારે પણ ન ધોવો. સાડીને હંમેશા ફોલ લગાવીને પહેરો નહીંતર સાડીનો ઉઠાવ ઓછો થઇ જાય છે. અત્યારે ઝરી તેમજ બ્રોકેટ જેવી સાડીઓ ઘણી નીકળી છે. ખાસ કરીને હાલ જીણી ડીઝાઇન વાળી સિલ્કની સાડીઓનો ક્રેઝ ચાલી રહ્યો છે એવી સાડીને ખાસ સંભાળીને રાખો. તેની પર ક્યારેય પરફ્યૂમ કે સેંટ ન નાખશો કારણ કે આવુ કરવાથી ઝરી કાળી પડી જાય છે. આપણે કોઇ ફંક્શનમાં જતા હોઇએ છે ત્યારે સાડી પર ખાવાનુ કે તેલના ડાઘ પડી જતા હોય છે. ત્યારે જો સાડી પર કોઇપણ ડાઘ લાગે ત્યારે તરત જ તેની પર ટેલકમ પાઉડર નાખી દો. આનાથી જે ડાઘ ધબ્બા પડ્યા હશે તે તરત ગાયબ થઇ જશે.

અત્યારે યુવતીઓમાં હોટ ફેવરીટ ફેશન ચાલી રહી છે, યુવતીઓ સાડીઓ સાથે અલગ અલગ બ્લાઉઝ મેચીંગ કરીને પહેરતી હોય છે. પણ હકીકતમાં સાડીનું જે બ્લાઉઝ હોય એની સાથે જ તમે સાડી પહેરવાનું રાખો તો તમારા સૌંદર્યમાં વધારો થશે અને યોગ્ય દેખાવ પણ લાગશે. યુવતીઓને કાળા કલરની સાડી પહેરવાનો વધુ શોખ હોય છે કારણ કે તેમાં યુવતીઓ વધુ સારી લાગતી હોય છે પરંતુ કાળી પ્રિંટેડ સાડીઓમાં બ્લેક સલ્ફરનો ઉપયોગ થાય છે જેના કારણે કાળા કલરની સાડી જલદી ખરાબ થઇ જાય છે. આ સાથે જ વાતાવરણ અને ઋતુને અનુરૂપ સાડીઓની પસંદગી કરવી જોઇએ. ગરમીમાં સુતરાઉ, ચિકન, પોચમપલ્લી, બાટિક જેવી સાડીઓ પહેરવી. શિયાળામાં સિલ્ક જેવી સાડી પહેરવાનુ રાખો અને વરસાદમાં હંમેશા સિંથેટીક, જ્યોર્જટની સાડી પહેરવાનુ પસંદ કરો. સાડીઓને વ્યવસ્થિત રાખવા માટે તમે સાડી કવરમાં પણ સાડી રાખો શકો છો. અને એમાં પણ જો તમે લવીંગ મૂકીને સાડી રાખશો તો લાંબા સમય સુધી સારી રહેશે. તો જો તમારે પણ સાડીઓની સાચવણની ઝંઝટમાંથી બહાર નીકળવુ છે તો આજે જ આ ટીપ્સને ફોલો કરવાનુ શરૂ કરી દો.