વધતી ઉંમરની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો

ક સ્ત્રીએ સ્વસ્થ રહીને ઓફીસ અને ઘરની જવાબદારી સારી રીતે નિભાવવી પડે છે. મહિલાએ ઓફીસ અને પરિવારને એકસાથે સંભાળવુ પડતુ હોય છે. પરંતુ ખૂબ જ વ્યસ્ત કામકાજમાંથી મહિલાએ પોતાના માટે પણ થોડો સમય કાઢવો પડે છે. એ પણ ખાસ કરીને ત્યારે જ્યારે સ્ત્રી 30 ને પાર કરી દે છે. સ્ત્રી એક કામમાંથી બીજા કામમાં એટલી વ્યસ્ત હોય છે કે એના માટે સમય કાઢવો મુશ્કેલ થઇ જાય છે. આવા સમયે મહિલાઓ સ્વાસ્થ્યને નુક્સાન કરતી ખોટી આદતોને પાડી લે છે.મહિલાઓ કામમાં એ ભૂલી જાય છે કે જો તે પોતાના શરીર, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નહી રાખે તો એને જે મહત્વપૂર્ણ ભાર ઉઠાવવાનો છે એ કઇ રીતે કરી શકશે. અને એટલા માટે જ એક સારુ અને સ્વસ્થ જીવન જીવવા માટે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય માટે પૂરતુ ધ્યાન આપવુ જોઇએ. 30 વર્ષ બાદ મહિલાઓએ સમય સમય પર બોડી ચેક અપ કરાવવુ જોઇએ. પૂરતો પોષક આહાર અને નિયમિત વ્યાયામ માટે સમય કાઢવો જોઇએ. જ્યારે ખાવાની વાત આવે છે ત્યારે મહિલાઓએ ફાઇબર તત્વો વાળા ખોરાક લેવા જોઇએ. અને જેમાંથી વધુ પડતી કેલેરી મળે છે તેવા ખોરાક ખાવાનુ ઓછુ કરવુ જોઇએ. કારણ કે કેલેરીવાળો ખોરાક ખાવાથી વજન વધી શકે છે. અને 30 વર્ષની ઉંમરથી જ આ તમામ વસ્તુનું ધ્યાન રાખવુ જોઇએ કારણ કે આગળ જતા વજન વધતા ડાયાબિટીસ, સ્ટ્રોક, સ્તન કેંસર જેવી બીમારીઓ થઇ શકે છે.

મહિલાઓ માટે એ જરૂરી છે કે 30 વર્ષ બાદ પોતાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લે. બીમારીઓથી બચવા, પોતાના હાડકાંને મજબૂત કરવા, ત્વચાને સુંદર બનાવવા સારું સ્વાસ્થ્ય આવશ્યક છે. તમારા રોજબરોજના ખોરાકમાં મસૂર દાળ, ફળો, લીલા શાકભાજી, રાજમા જેવા ખોરાક ખાવા જોઇએ. કારણ કે આ તમામ ખોરાકમાં ફાઇબર અને પ્રોટીન સારી એવી માત્રામાં હોય છે. જે કોલેસ્ટ્રોલ, બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે. તમે ઓફીસમાં હોવ કે ઘરે હોવ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તાજા ફળ અને સલાડ ખાવાની આદત પાડો. મલાઇ નીકળેલુ દૂધ, દહીં, ચીઝ કેલ્શિયમ માટે સારા સ્ત્રોત છે. પનીરમાં કેલ્શિયમની સાથે સારી માત્રામાં વિટામીન ઇ, મેગ્નેશિયમ, પોટેશિયમ પણ મળી રહે છે.સ્વાસ્થ્યની સાથે સૌંદર્ય પર પણ એટલુ જ ધ્યાન આપવુ જરૂરી છે. હળદર સૌંદર્ય વધારવા માટે ખૂબ ઉપયોગી છે. ચણાનો લોટ, દહીંમાં હળદરની ચપટી નાખી મોઢા પર લગાવવાથી ચહેરો સુંદર બને છે. આ સાથે જ કઢી, સુપ જેવામાં હળદર નાખવાથી ઘણી બધી બીમારીઓ સામે સુરક્ષા મળે છે અને ત્વચાને પણ ફાયદો થાય છેે. એસ્ટ્રોજન, હોરમોંસને નિયમિત રાખવામાં પણ મદદ મળે છે. તેનાથી સ્તન કેંસરનું જોખમ પણ ઘટે છે અને ત્વચાની કરચલીઓ પણ દૂર થાય છે. દૈનિક ખોરાકમાં બદામ, અખરોટ ખાવાનું રાખો.

ડાર્ક ચોકલેટ ખાવાથી ડાયાબિટીસ તેમજ દિલની બીમારીઓ સામે રક્ષણ મળે છે. ઉંમરને છુપાવવા માટે સ્ટ્રોબેરી, બ્લૂબેરી પણ મદદરૂપ થાય છે. હાલની વાત કરીએ તો સમય ઓછો હોવાથી મોટાભાગની વસ્તુઓ ફ્રોઝન કરવામાં આવે છે. પરંતુ ફ્રોઝન ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું નથી હોતુ. જેના કારણે બ્લડપ્રેશર તેમજ સ્વાસ્થ્યને લગતી અન્ય બીમારીઓ થઇ શકે છે. વધુ પડતી કેક, પેસ્ટ્રી, બિસ્કીટને ખાવાનું ઓછુ કરવુ જોઇએ. કારણ કે તેમાં રિફાઇંડ લોટનું પ્રમાણ વધુ હોય છે જે સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક છે. આમા પોષકતત્વોનો અભાવ હોય છે અને કેલેરી પણ વધુ હોય છે.