એન્જલિનાથી લઇ ગુરમહેર કૌરઃ ફૂલ સ્વિંગ જોશ, ઝનૂન, જિંદાદિલી

કવીસમી સદીના બે દસકાના અંતે માત્ર ભારતે જ નહીં, દુનિયાભરની નારીએ પોતાની જાતને સવાલ પુછવાનો સમય આવી ગયો છે કે તમે ક્યાં છો? આપણે ક્યાં પહોંચી શક્યાં છીએ? ગુરમહેર કૌરની જેમ ન્યૂ જનરેશનની નારીએ ન્યૂ-ઍજ વૂમને “ફ્રી સ્પીચ વૉરિયર” અને “નેક્સ્ટ જનરેશન લીડર” બનવાનું છે. એનો અર્થ એ નથી કે પુરુષ સામે બંડ પોકારવાનું છે.

હૉલિવૂડ ઍક્ટ્રૅસ ઍન્જેલિના જૉલી, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, મલાલા યુસુફઝઈ, ગુરમહેર કૌર અને ઈન્ડિયન ઍરફૉર્સની ફાઈટર જેટ પાઈલટ લેડી ત્રિપુટી અવની ચતુર્વેદી, ભાવના કાંથ અને મોહનાસિંહ.થોડા વખત પહેલાં આ બધા મીડિયામાં ચમક્યાં હતાં. તમને આમાં શું સામ્યતા લાગી? આ દરેક મહિલા પોતપોતાના ફિલ્ડમાં માસ્ટર્સ્ છે. વળી તમામ તેજતર્રાર પણ છે. બેબાક યાને બિન્ધાસ્ત (કોઈ જ ડર રાખ્યા વિના) બોલે છે અને બેખૌફ જીવે છે.

એકવીસમી સદીના બીજા દસકાના અંત ભાગે આપણા દેશની દરેક વર્ગ, દરેક ધર્મ અને દરેક તબક્કાની સ્ત્રી માટે ઍન્જેલિના, સુષ્માજી, મલાલા, ગુરમહેર અને લેડી પાઈલટ જાણે કહી રહી છે કે“ ડર કે આગે જીત હૈ.” હિંમત, ચપળતા, નિર્ભિકતા, નિર્દોષતા અને ખોટી બાબતો પ્રત્યે અવાજ ઊઠાવવાનું ઝનૂન, બંડ પોકારવાનો જોશ આપતી આ તમામ મહિલાઓ ગ્લૉબલ રૉલ-મૉડલ છે.

હૉલિવૂડની ફિલ્મોમાં બે બે દસકા સુધી અને આજે પણ રાજ કરનારી ઍક્ટ્રૅસ ઍન્જેલિના જૉલી વર્ષો સુધી ટૉપ-ટેન હૉલિવૂડ ઍક્ટ્રેસીસમાં પણ નંબર-વન રહી છે. તેણે થોડા વખત પહેલાં જ કહ્યું કે “વર્ષો પહેલાં હૉલિવૂડના ફિલ્મકારે મારું જાતીય શોષણ કર્યું હતું.” આમ કહેવાની હિંમત કરીને આ અભિનેત્રીએ ઘણું બધું કહી દીધું છે. તેણે હૉલિવૂડની ગ્લૅમરની દુનિયાની ચકાચૌંધ પાછળ રહેલી કાળી બાજુ ખુલ્લી કરીને આખી દુનિયાને બતાવી દીધી છે.

ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે યુનાઈટેડ નેશન્સની બેઠકમાં ભાગ લઈને આતંકવાદને પ્રોત્સાહન આપી રહેલા પાકિસ્તાનને બેખૌફ ખુલ્લું પાડતું નિવેદન આપીને તહલકો જ મચાવી દીધો. દુનિયાભરના દેશોના વડાઓ તેમને સાંભળીને અચંબિત થઈ ગયાંં હતા. ભારતનું પ્રતિનિધિત્વ કરીને યુ.એન.માં સમગ્ર દેશનો ચહેરો બનવું એ કોઈ નાની સૂની વાત નથી. સુષ્મા સ્વરાજે કરોડો ભારતીય મહિલાઓને નીડર લીડરશીપના પાઠ આપોઆપ ભણાવી દીધાં.

મલાલા યુસુફઝઈએ આતંકવાદ સામે અવાજ ઊઠાવવાના પોતાના તમામ કદમ વિશે પુસ્તક લખવાનું એલાન કર્યું છે. મલાલાને સને 2014નું શાંતિ માટેનું નૉબેલ પારિતોષિક ભારતીય કર્મશીલ કૈલાસ સત્યાર્થી સાથે ભાગીદારીમાં મળેલું છે, એ આપણે જાણીએ છીએ. મલાલા કન્યા કેળવણીના અધિકાર માટે કામ કરે છે. પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં આવેલા મિંગોરા નગર તેનું વતન છે.સ્વાત જિલ્લામાં આવેલી શાળાઓમાં કન્યા શિક્ષણ પર તાલિબાનોએ પ્રતિબંધ ફરમાવ્યો હતો તે વખતે મલાલાએ તેનો વિરોધ કરી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો અને તાલિબાનોના અત્યાચારના વિરોધમાં તેણે બીબીસીની ઉર્દૂ સમાચાર સેવા માટે “ગુલ મકઈ” એવા ઉપનામથી બ્લૉગ લખવા માંડ્યા ત્યારે તે ફક્ત ૧૧-૧૨ વર્ષની હતી. ઑક્ટોબર-૨૦૧૨માંઆતંકવાદી હુમલામાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગુરમહેર કૌર નામ “ટાઈમ” મેગેઝિનની “નેક્સ્ટ જનરેશન લીડર્સ્ ઍવૉર્ડ” લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. ગુરમહેરને “ટાઈમ” મેગેઝિને“ફ્રી સ્પીચ વૉરિયર” તરીકે સંબોધવામાં આવી છે. કોણ છે આ ગુરમહેર કૌર? યાદ આવે છે? બે-ત્રણ વર્ષ પહેલા દિલ્હી યુનિવર્સિટીની આ છાત્રાના બયાને તહલકા મચાવ્યો હતો. તેણે યુદ્ધની સ્થિતિના કારણે સૈનિકના પરિવાર અને સમાજને શું ભોગવવુંપડે છે તેના પર નિશાન સાધ્યું હતું કે “મારા પિતાને પાકિસ્તાને નથી માર્યા, બલકે યુદ્ધે તેમનો જીવ લીધો છે.” તેનો કહેવાનો અર્થ એમ હતો કે યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય, તે એકસરખું જ હાનિકારક હોય છે. પરંતુ સૉશિયલ મીડિયા ઉપર તેને એમ કહીને ટ્રૉલ કરવામાં આવી હતી કે ગુલમહેર પાકિસ્તાનનો પક્ષ લઈ રહી છે. તે પાકિસ્તાન સાથે યુદ્ધમાં શહીદ પિતાની દીકરી છે.

ઈન્ડિયન ઍરફૉર્સની ફાઈટર જેટ પાઈલટ લેડી ત્રિપુટી અવની ચતુર્વેદી, ભાવના કાંથ અને મોહનાસિંહની વાત કરીએ. તેઓએ એક અવાજે કહ્યું કે “તમે અમને સ્ત્રી છીએ, એ નજરથી ના જુઓ. વી આર હ્યુમન ઍન્ડ ઈટ્સ ઈનફ.  અમે માણસ છીએ, અને એટલું પુરતું છે. કોઈ સ્ત્રી પણ દેશની સુરક્ષા માટે લડી શકે છે અને જાન ન્યોછાવર કરી શકે છે. આ વાત અમે પુરવાર કરીએ છીએ.” લેડી પાઈલટ ત્રિપુટી અવની ચતુર્વેદી, ભાવના કાંથ અને મોહનાસિંહને સને 2016માં ઈન્ડિયન ઍરફૉર્સમાં ફાઈટર જેટ અને મિગ માટે પસંદ કરવામાં આવી હતી. તેમની ત્રણ સપ્તાહની સખત તાલીમ પુરી થયા બાદ તેઓ ભારતની સરહદે ફાઈટર જેટ વિમાન ઉડાડે છે. આ સાથે તેઓએ એક નવો ઈતિહાસ રચ્યો છે. ફાઈટર જેટ ફ્લાઈ કરતાપહેલા આ લેડી પાઈલટ ત્રિપુટી હૉક ફાઈટર પ્લેન ઊડાડતી હતી.

વાતનો સારાંશ એકે એકવીસમી સદીના બે દસકાના અંતે માત્ર ભારતે જ નહીં, દુનિયાભરની નારીએ પોતાની જાતને સવાલ પુછવાનો સમય આવી ગયો છે કે તમે ક્યાં છો? આપણે ક્યાં પહોંચી શક્યાં છીએ? ગુરમહેર કૌરની જેમ ન્યૂ જનરેશનની નારીએ ન્યૂ-ઍજ વૂમને“ફ્રી સ્પીચ વૉરિયર”અને “નેક્સ્ટ જનરેશન લીડર” બનવાનું છે. એનો અર્થ એ નથી કે પુરુષ સામે બંડ પોકારવાનું છે.

આચમનઃ-

“વો જૂઠ કહેગા ઔર લાજવાબ કર દેગા,

મૈં સચ કહુંગી ફિર ભી હાર જાઉંગી.”

– પરવીન શાકીર

 

દિનેશ દેસાઈ