મહિલા દિવસઃ શુભકામનાઓ સાથે આ પણ જોઇએ છે…

સૌથી પહેલાં તો આપ સૌને આજના દિવસની એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

સમગ્ર દુનિયામાં આજના દિવસે એટલે કે 8 માર્ચના રોજ વુમન્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાની શરુઆત રશિયાથી થઇ હતી અને હવે તેને આખી દુનિયામાં મનાવવામાં આવે છે. ભારતમાં પણ હવે આ દિવસને ખાસ રીતે મનાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, ફેમિલી, ઓફિસમાં મહિલાઓ માટે કંઇક ખાસ કરવામાં આવે છે.આજના મહિલા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદના મહાન શબ્દો યાદ આવે છે. ‘નારીશક્તિ અે બીજું કંઇ નહીં, પરંતુ શક્તિ સ્વરૂપે દેવીમાતાનો અવતાર છે. એકવાર આપણી પર તેની કૃપાદ્રષ્ટિ થાય તો આપણી શક્તિઓમાં અનેકગણો વધારો થઇ જશે!’  કોઇપણ રાષ્ટ્રના વિકાસનું આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પૃષ્ઠભૂમિ મહિલાઓના હાથમાં લખવામાં આવે છે. દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઇ મહિલાનું યોગદાન હોય છે. આપણા દેશની હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિ અને આર્થિક સમસ્યાની વચ્ચે જોઇએ તો, આપણો દેશ ઘણી મુશ્કેલીઓથી ઘેરાયેલો છે અને તેનો સામનો કરી રહ્યો છે. તેમજ સામાન્ય લોકો માટે તો જીવન જીવવું જ કઠીન થઇ ગયું છે. તેમજ કપરુ પણ થઇ રહ્યુ છે. પણ દેશ આઝાદ થયો ત્યારથી લઇને અત્યાર સુધીમાં સ્ત્રીઓની સમસ્યાઓ, તેમની પરિસ્થિતિ તેમજ તેમના સ્થાનમાં મોટો એવો સુધારો જોવા મળે છે.

દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું, ‘તમે કોઇ દેશની મહિલાઓની સ્થિતિને જોઇને એ રાષ્ટ્રની પરિસ્થિતિનું અનુમાન લગાવી શકો’. તેમની આ વાત ઘણી હદ સુધી યોગ્ય પણ લાગે છે. 8 માર્ચનો આ દિવસ આપણને એક તક આપે છે જ્યારે આપણે અનેક રાષ્ટ્રોની ઉન્નતિને ત્યાંની મહિલાઓના વિકાસ અને જાગૃતતાના માપદંડ દ્વારા સમજી શકીએ. આપણા દેશના અતીત અને વર્તમાનની મહિલાઓની તસ્વીરો જોઇએ તો ફેરફારની એક સાફ લહેર જોવા મળે છે. પણ ફેરફારની આ યાત્રા લાંબા સંઘર્ષ અને પડકારોથી ભરેલ રહી છે.સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “મા ભગવતીના સાક્ષાત સ્વરૂપ સમાન નારીશક્તિનો ઉદ્ધાર કર્યા વિના તમારો ઉદ્ધાર થશે એમ જો તમે માનતા હોવ તો તમે ભૂલો છો.”  હવે દરેક ક્ષેત્રમાં મહિલા આગવું સ્થાન મેળવી રહી છે. મહિલા પુરુષની સમાંતર રેખાએ જોવા મળી રહી છે. એક નાનામાં નાના ક્ષેત્રને લઇને ટોચ સુધીની વાત કરીએ તો દરેક ક્ષેત્રે સ્ત્રીનો ડંકો વાગ્યો છે. અને હવે લોકોના વિચારોમાં પણ સુધારો થઇ રહ્યો છે. આજે દીકરીને પહેલાંની જેમ એમ કહેવું નથી પડતું કે મારે આગળ ભણવું છે મને ભણાવો, મારે આટલાં વહેલાં લગ્ન નથી કરવાં. ત્યારે પેરેન્ટ્સ સમજી વિચારીને વધુ ભણવા માટે દીકરીઓને બહાર ભણવા અને નોકરી કરવા પણ મોકલે છે. તો લગ્ન બાદ સ્ત્રીને તેના સાસરીપક્ષવાળા નોકરી કરવા માટે પણ હા પાડે છે. તે સ્ત્રી માટે બહુ મોટી વાત કહી શકાય. જો કે હજુ પણ એવા કેટલાક ગામડાં છે કે જ્યાં સ્ત્રીને આજે પણ પહેલાંની જેમ રહેવુ પડે છે. જ્યાં હજુ પણ સુધારાની જરૂર છે.

આજે એક પણ એવું કામ નથી કે જે પુરુષ કરી શકે અને સ્ત્રી ન કરી શકે. છતાં પણ સ્ત્રી નીચી આંકવામાં આવે છે. સ્ત્રીની સુરક્ષાને લઇને પણ અનેક સવાલો પેદા થાય છે. દિલ્હી જેવી દુખદ ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આ ઘટનાની વિરોધમાં જે રીતે લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં એના પરથી એ કહી શકાય કે આજની યુવાશક્તિ સારી દિશા તરફ જઇ રહી છે. અંતમાં મહિલાઓ માટે એક વસ્તુ યાદ આવે છે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચને એમના બ્લોગમાં દીકરીને લઇને ખૂબ સુંદર વાત લખી છે,“દીકરીઓ ટેન્શન નથી આપતી, પરંતુ આજની દુનિયામાં એક દીકરી દસ દીકરાના બરાબર હોય છે. દીકરીઓ ખાસ હોય છે, કારણ કે તે અનમોલ હોય છે, તમે તમારી દીકરીને હંમેશા દીકરો કહીને બોલાવી શકો છો, પણ ક્યારેય દીકરાને દીકરી કહી શકતા નથી. એ જ કારણ છે કે દીકરીઓ હંમેશા ખાસ હોય છે.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]