સ્માર્ટ ગૃહિણીનું સ્માર્ટ મેનેજમેન્ટ

જની દરેક ગૃહિણીઓને સમય સાથે ચાલવું નહી પણ દોડવું પડે છે. ગૃહિણીઓએ સમયની સાથેસાથે કામ કરવું પડે છે. જેમ સમય પોતાનું કામ કરે છે એ જ રીતે ગૃહિણીઓ પણ તેની સાથે કામ કરે છે. સમય અટકે તો બધુ થંભી જાય છે એ જ રીતે ગૃહિણી અટકે તો સંસાર થંભી જાય છે. જ્યારે ગૃહિણી દોડે ત્યારે ફરી સંસાર ચાલતો થઇ જાય છે. ગૃહિણી જો આ જ રીતે સમયની સાથે સમજદાર અને બુદ્ધિશાળી બને ત્યારે એવું લાગે છે કે જાણે દરેક વસ્તુ તેના હાથમાં છે.ગૃહિણીઓએ પોતાના કામ સાથે ટાઇમ મેનેજમેન્ટ કરીને ચાલવું પડે છે. જો તમે ટાઇમ મેેનેજમેન્ટ કરીને ચાલશો તો તમારે જીવનમાં ક્યાંય પાછું નહી પડવુ પડે અને સાથે જ તમારી લાઇફ પણ સરળ થઇ જશે. ઘણીવાર એવું થાય છે કે સ્ત્રીઓ ઉતાવળ કરવામાં પોતાનું કામ બગાડી નાખે છે. એમને એવું લાગે કે એ બરાબર કામ કરે છે પણ ધ્યાનથી જોવા જઇએ ત્યારે ખબર પડે કે કામ કરવાની બરાબર પદ્ધતિ નથી. કામ કરવા માટે ઝડપ નહીં પણ ટેક્નિકનો ઉપયોગ કરવો જોઇએ. આવું કરવાથી કામ ઝડપી અને સરળ થશે અને તમે વ્યવસ્થિત પણ લાગશો. ટેક્નિકથી કામ કરવા માટે જેટલાં ઉપકરણો તમારી પાસે છે તેને ઉપયોગમાં લો. જેમ કે કપડાં તમે મશીનમાં ધોવા મૂકી દો અને ત્યારબાદ એક ગેસ પર કૂકર ચડાવી દો અને બીજા પર ચા મૂકી દો. એ થાય ત્યાં સુધીમાં તમે ઘરમાં કચરો કાઢી લો. જેથી તમે બીજા કામને પણ સમય આપી શકશો. ઘણીવાર સ્ત્રીઓ બધા કામો અલગઅલગ કરીને ઝડપ કરવા જતી હોય છે પરંતુ આમ કરવા જતાં થાકી જાય છે.

સૌથી પહેલાં તો તમે કામની પ્રાયોરીટી નક્કી કરી લો. ઘણીવાર એવું થાય છે કે ન કરવાના કામને હાથમાં લેવાથી એ કામને મૂકી શકાતું નથી અને અન્ય અગત્યના કામને હાથમાં લઇ શકાતું નથી. જ્યારે અગત્યનું કામ અને ઘરના કામ ભેગા થાય ત્યારે સમય સાથે મગજનો ઉપયોગ કરી થોડા રૂપિયા આપવાથી કામ પતતું હોય તો સ્માર્ટ નિર્ણય કહેવાય. એવું પણ જરૂરી નથી કે તમે દરેક કામ જાતે જ કરો. લોકોને કામ સોંપતાં શીખો. ઘરના લોકોની આદત પાડો કે એ પોતાનું કામ જાતે જ કરે. જેમ કે પાણી પીને બોટલ ભરીને ફ્રીઝમાં મૂકી દેવી. તો એ સમયમાં તમારું અન્ય કામ પણ થઇ જાય. રસ્તામાં આવતાં આવતાં ઘરના અન્ય કોઇ સભ્ય શાકભાજી લેતાં આવે તો તમારો સમય બચી જાય અને તમે સ્ટ્રેસફ્રી પણ રહી શકો.આ તમામ વસ્તુઓ એક પરફેક્ટ ગૃહિણીઓ મેનેજ કરે જ છે. પણ અન્ય લોકો એને મદદ કરે તો એનું કામ ઝડપી થઇ શકે અને પોતાના પર પણ ધ્યાન આપી શકે. કારણ કે એક સ્ત્રી પોતાનો જીવનકાળ પરિવાર પાછળ કાઢી દે છે જેનું કોઇ મોલ ન થઇ શકે તો શું તમે થોડો સમય પણ એની માટે ન કાઢી શકો?