‘ડાયેટ’ પર છો ? કોઇ ભૂલ તો નથી કરી રહ્યાં ને!

ડાયેટ… ભારે ભરખમ શબ્દ, પણ રાખે હલકાંફૂલકાં..અને આ શબ્દ સામે આવતાં જ મનમાં કેટલા ચિત્ર ઉભા થઇ જાય છે. મોર્નિંગ વૉક, એક્સરસાઇઝ, ઝૂમ્બા, એરોબિક્સ, ફૂરુટ્સ, ડાયેટ ચાર્ટ્સ જેવા અઢળક વિચારો આવવા લાગે. અને આજકાલ ડાયેટ તો જાણે એક ટ્રેન્ડ જ બની ગયો છે. અને એમાં પણ સ્ત્રીની વાત આવે એટલે તો ડાયેટની વાત પહેલાં આવે. પરંતુ શું સ્ત્રી પોતાનું ઘર, ઓફિસની સાથે ડાયેટ સંભાળવા જતાં સ્વાસ્થ્ય સાથે ચેડાં તો નથી કરી રહી?  જી હા, એક સ્ત્રી ડાયેટની સાથે ઘર, ઓફિસને સંભાળવા જતાં પોતાનું સ્વાસ્થ્ય સંભાળવાનું ભૂલી જાય છે. ડાયેટને અનુસરવા જતાં અને ઘરનાં કામના સંભાળવા જતા તેણે ખાધું કે ન ખાધું તેને ખ્યાલ જ નથી રહેતો. અને આજકાલ તો પોતાનું શરીર સપ્રમાણ હોવા છતાં વજન વધારે છે તેવુ માનતી અને તેને ઉતારવાના પ્રયત્નો કરતી સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. અને ક્યાંક વધુ આકર્ષક દેખાવા યુવતીઓ ડાયેટનો એક રીતે શિકાર બની રહી છે. અને આમાં જ યુવતીઓ પોતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે.

આજકાલની માનસિકતા ‘થીન ઇઝ બ્યૂટિફૂલ’ યુવતીઓ માટે એક મંત્ર બની ગયો છે. દુનિયાભરના ડાયેટ કરવાથી સરવાળે શું મળે છે? મોટાભાગના લોકોને ઓછી ખબર હોય છે કે ઝડપથી વજન ઉતારવાની ઘેલછામાં ચામડી નીચેની ચરબી તેઓ ગુમાવી દે છે. જેના કારણે ચામડી કરચલીવાળી અને લબડી જાય છે. અને લાંબા ગાળે સ્ત્રીઓ જાતે જ રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્યને લગતાં અનેક રોગને નોતરું આપે છે. સારું અને આકર્ષક શરીર સામેવાળી વ્યક્તિને આકર્ષવા માટે કામ લાગી શકે પરંતુ એ વ્યક્તિને જીવનમાં ટકાવવા માટે તમારો સારો સ્વભાવ અને વ્યક્તિત્વ જ કામ લાગી શકે. સ્ત્રીએ પોતાના વજનને લઇને દુઃખી થવાની જરૂર નથી પણ સ્માર્ટ થવાની જરૂર છે. વજન ઉતારવાની ઘેલછામાં જીમ, એરૉબિક્સમાં કે ઝૂમ્બા ક્લાસીસમાં આડેધડ પૈસા વેડફવા જરૂરી નથી. સ્ટ્રીક ડાયેટ ચાર્ટ્સ અનુસરીને બેભાન થઇ જવું એના કરતા પ્રમાણસર કસરત કરી અને સમતોલ આહાર લેવો જરૂરી છે.

આકર્ષક શરીરની સાથેસાથે સારું સ્વાસ્થ્ય મેળવવા માટે શું કરવુ? આજીવન તંદુરસ્તી માટે માત્ર કસરત જ જરૂરી નથી પરંતુ પૌષ્ટિક અને સમતોલ આહાર પણ જરૂરી છે. સ્ત્રીઓ સવારે ઉઠીને યોગના આસનો, પ્રમાણસરની કસરત, સાયકલિંગ કરી શકે છે. અને હા, જૂનો અને જાણીતો નુસ્ખો ગરમ પાણી, આ પીવાથી તમે તમારા પેટની ચરબી ઘટાડી શકો છો. આના માટે તમારે કોઇ સ્ટ્રીક્ટ ડાયેટ ચાર્ટ અનુસરવાની જરૂર નહી પડે. આ તમામથી શરીર કાર્યક્ષમ તો બનશે જ. પરંતુ આજીવન સારા સ્વાસ્થ્ય માટે ખોરાકનું આયોજન કરવું પણ એટલું જ જરૂરી છે. જે ઘરના તમામ સભ્યોના શોખ અને સગવડ, ઓફિસના કામમાં એક સ્ત્રી ભૂલી જાય છે. જો તમે સ્વસ્થ રહેશો તો તમારા પરિવારને તમે સ્વસ્થ રાખી શકશો. જેમ વાહન ચલાવવા પેટ્રોલ જરૂરી છે તેમ શરીરને ટકાવી રાખવા પણ ખોરાકની એટલી જ જરૂર પડે છે.

સ્ત્રીએ સ્વાસ્થ્ય માટે અન્ય વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી છે તો તે છે ટીવી પર આવતી લોભામણી જાહેરાતો, હેલ્થ શેક, ક્રીમ, બેલ્ટ્સ આ તમામ વસ્તુઓ તમને થોડા સમય માટે ખુશી જરૂર આપશે પરંતુ લાંબા ગાળા સુધી આ વસ્તુ ઉપયોગમાં નહી આવી શકે. બીજી વસ્તુ જે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એ છે ઊંઘ. તમે ઊંઘને ટાળીને તમારો વધુ સમય જીમમાં તેમજ અન્ય ક્લાસીસમાં વીતાવશો, ઘરના કામ, ઓફિસના કામ આ બધામાં જ તમારો સમય નીકળી જશે. તો અંતે ઊંઘ તો ઓછી જ મળશે જેનાથી નુક્સાન માત્ર તમને જ થશે. ઓછી ઊંઘ એ મેટાબોલિઝમ અને હોર્મોન્સ પર અસર કરે છે તો જો તમે વજનને લઇને ખૂબ જ ગંભીર છો તો આ વાતનું ચોકક્સપણે ખ્યાલ રાખો. લોકો વિચારે છે કે જો તે વધુ પ્રમાણમાં કસરત કરશે તો વજન જલદીથી ઉતરી જશે. પણ ના, એવું નથી વધુ કસરત તમને હતાશ કરી શકે છે. તમારા સ્વાભાવમાં બદલાવ આવી શકે છે. અને સૌથી મહત્વની બાબત જેનો તમને ખ્યાલ પણ નહીં હોય. જી હા, પાણી તમારા સ્વાસ્થ્યમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પાણી તમારી ભૂખને મેનેજ કરવામાં પણ મદદ કરે છે.

તો ચાલો, હાથમાં લઇ લો તમારી ડાયરી અને બનાવી દો તમારું અંગત ડાયેટ ટાઇમટેબલ..