ચોમાસામાં ધ્યાન રાખવાની બ્યૂટી ટિપ્સ

ચોમાસાની શરુઆત થઇ ગઇ છે. અને જ્યારે વાત ચોમાસાની આવે ત્યારે બ્યૂટીકેર પહેલા આવે છે. બિલકુલ સાચી વાત કારણ કે ચોમાસાની ઋતુ આવે એટલે ત્વચા પરની ચમક ધીમેધીમે જતી રહે છે અને ત્વચા નરમ પડી જાય છે. માત્ર ત્વચા જ નહીં વાળ પણ ખરવા લાગે છે. જેના લીધે ચોમાસામાં બ્યૂટી પર ખાસ કરીને વધુ ધ્યાન રાખવું પડે છે. ત્વચાના તત્વો અને ચમક જાળવી રાખવા માટે સરખું ભોજન અને વધુ માત્રામાં પાણી પીવું પડે છે, જે યુવતીઓને રોજબરોજની વ્યસ્ત લાઇફમાં યાદ નથી આવતું. જો કે ચોમાસામાં પાણીની તરસ પણ એટલી નથી લાગતી એટલે પાણી પીવાનું પણ જલદી યાદ નથી આવતું.ચોમાસામાં ત્વચા અને વાળની સંભાળ રાખવા માટે કેટલીક વસ્તુની કાળજી રાખવી પડતી હોય છે. ચોમાસામાં તમારી ત્વચા વજનથી મુક્ત રહી શકે એવુ કરો. જી હા… તમે રોજ જેટલો મેકઅપ લગાવો છો એટલો મેકઅપ તમે ચોમાસામાં ન લગાવો. તમારી ત્વચાને શ્વાસ લેવા દો. સંપૂર્ણપણે મેકઅપ કરો છો એના કરતા ચોમાસામાં મેકઅપ ઓછો કરો અથવા તો મેકઅપ કરવાનું ટાળો. કારણ કે ચોમાસામાં એ નક્કી નથી હોતુ કે ક્યારે વરસાદ પડશે અને ક્યારે નહી પડે અને તમારો તમામ મેકઅપ બેકાર જશે. આ સાથે જ ચોમાસામાં ત્વચા ડ્રાય થઇ જતી હોય છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમારી ત્વચા ડ્રાય છે તો ત્વચા પર ક્રીમ અથવા તો મોઇશ્ચરાઇઝર લગાવવાનું રાખો. દિવસમાં એકવાર તો મોઇશ્ચરાઇઝર લગાવવુ જ જોઇએ. અને જો તમારે સારુ પરીણામ જોતુ હોય તો ખાસ કરીને રાતે લગાવવાનું રાખો.વધુ પડતુ મોઇશ્ચરાઇઝર અને ક્રીમ પણ ત્વચાને નુક્સાન કરે છે. ફાઉન્ડેશન કે કંસિલરનો પણ ઓછો ઉપયોગ કરવો જોઇએ. કારણ કે વરસાદ પડ્યા પછી બાફ લાગે છે અને એવામાં તમારી ત્વચા ચીપચીપી થઇ જાય છે. જ્યાં સુધી તમે ત્વચા સાફ ન કરો ત્યાં સુધીમાં તો ત્વચા પર ખીલ, ફોડકી થવાની સંભાવના વધુ રહે છે. મેકઅપ કર્યા પહેલા જો તમે ઇચ્છો તો ગુલાબજળ અથવા તો મેકઅપ કર્યા પહેલા ક્રીમ લગાવવા માટે આવે છે એ તમે લગાવી શકો છો. બને ત્યાં સુધી ત્વચા માટે ટોનરનો ઉપયોગ કરો. મોઢું ધોતા પહેલા ટોનર લગાવો. એનાથી ત્વચાના છીદ્રો બંધ થઇ જાય છે અને ત્વચા પર પીએચ બેલેન્સ પાછુ લાવવા માટે મદદ કરે છે.જો તમારે ત્વચા ચમકીલી અને સોફ્ટ જોતી હોય તો અઠવાડીયામાં બે વખત ફેસપેક લગાવવાનું ન ભૂલશો. પણ ચોમાસામાં બને ત્યાં સુધી ફ્રૂટ ફેસપેક લગાવવાનું વધુ પસંદ કરો. સ્ટ્રોબેરી, કેરી, પીચ, પપૈયુ જેવા ફ્રૂટમાંથી બનેલા ફેસપેક લગાવો. એ તમારી ત્વચા પર ગ્લો અને શાઇન આપશે. સૌથી મહત્વની બાબત છે ભોજન અને પાણી. ચોમાસામાં બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળો. કારણ કે તમારી ત્વચાને તો નુક્સાન થશે જ પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ નુક્સાન થશે. કારણ કે ચોમાસામાં રોગચાળો ફેલાવવાની વધુ શક્યતા હોય છે. બીજુ છે પાણી. પાણી તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે જેટલુ વધુ પાણી પીશો એટલી તમારી ત્વચા ગ્લો કરશે. એથી દિવસમાં ઓછામાં ઓછુ 8થી 10 ગ્લાસ પાણી પીવાનું રાખો.