બેકલેસ પહેરતાં પહેલાં આટલું ધ્યાન રાખો

0
2074

ક તરફ નવરાત્રિના ગરબા માટે પ્રેક્ટિસ શરૂ થઇ ગઇ છે તો બીજી તરફ યુવતીઓએ પણ નવરાત્રિમાં પહેરવા માટે ચણીયાચોળીની તૈયારી શરૂ કરી જ દીધી હશે. ચણીયાચોળી હોય, સાડી હોય કે પછી કોઇપણ પ્રકારના કપડા હોય જમાના પ્રમાણે ફેશન બદલાતી જ હોય છે. પહેલા એકદમ ગામઠી પ્રકારના ચણીયાચોળી પહેરતા હતા તો હવે એમાં પણ બદલાવ આવ્યો છે. અત્યારે નવરાત્રિમાં ચણીયાચોળીને ગ્લેમરસ લૂક આપવા માટે નવી ફેશનની ચોલી અને બ્લાઉઝ ફેશનમાં છે. હાલ યુવતીઓમાં બેકલેસ ચોલી ફેવરીટ ઓપ્શન બની રહ્યો છે. આખા કલરફૂલ ચણીયાચોળીમાં ખુલ્લી પીઠ વાળા બ્લાઉઝ ખૂબ સરસ લાગે છે. પરંતુ જો તમારે બેકલેસ ચણીયાચોળી પહેરવી હોય તો તમારી પીઠ સુંદર લાગવી ખૂબ જરૂરી છે.

નવરાત્રીમાં આપણે જેટલુ ચણીયાચોળી, જ્વેલરી, મેકઅપનું ધ્યાન રાખીએ છીએ એ રીતે પીઠ પર ધ્યાન આપવુ પણ એટલુ જ જરૂરી છે. જેટલો ચહેરો ચમકે છે એટલુ ધ્યાન આપણે પીઠ પર નથી આપતા. જ્યારે બેકલેસ બ્લાઉઝ પહેરીએ ત્યારે આપણને પસ્તાવો થાય છે કે બેકને પણ ચહેરાની જેમ ચમકાવી હોત તો વધુ સારુ લાગે. બેકલેસ બ્લાઉઝ, બ્લેકલેસ ડ્રેસમાં તમારી આખી બેક દેખાય છે. એટલે આવુ પહેરતા પહેલા તમારી પીઠ ક્લિયર છે કે નહી તેના પર ખાસ ધ્યાન આપો. કારણ કે સ્કિન પર ડાઘ, સૂકી ત્વચા દેખાવમાં સારી નહી લાગે. તમને પીઠ પર ડાઘ હોય અથવા તો ખીલ થઇ જતા હોય તો નાહતી વખતે પીઠ પર સ્ક્રબિંગ ભૂલ્યા વગર કરવાનું રાખો. તમે પાર્લરમાં ફેશિયલ કરાવવા જાવ તો પીઠનું પણ ક્લિનઅપ કરાવી શકો છો. ઘણીવાર માથામાં થતા ખોળાનાં કારણે પીઠ પર ખીલ થઇ જતા હોય છે. તો એ ખીલને દૂર કરવા માટે તમે ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો. પરંતુ જો એ ઘરગથ્થુ ઉપચારથી કોઇ ફરક ન પડતો હોય, તમારા ડાઘ અને ખીલ ઓછા ન થતા હોય તો તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો. કોઇ સારા ડર્મેટોલોજીસ્ટને બતાવી ખીલ અને ડાઘા દૂર કરી શકો છો. આ પ્રકારના ડાઘા અને ખીલ કોઇ એક રાતમાં કે એક અઠવાડિયામાં જતા નથી રહેતા એટલા માટે જ્યાં સુધી સારુ ન થાય ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ રાખવી પડે છે. જ્યાં સુધી ડાઘ અને ખીલ છે ત્યાં સુધી બેકલેસ પહેરવાનું ટાળો કારણ કે એ ખૂબ ખરાબ લાગે છે.

પીઠની ત્વચાની બીજી એક સમસ્યા છે ડ્રાય સ્કિન. જો કે સૂકી ત્વચાની ટ્રીટમેન્ટમાં ખીલ અને ડાઘ જેટલો સમય નથી લાગતો. પરંતુ એ માટે પણ પીઠની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. ચહેરા પર જે રીતે મોઇશ્ચરાઇઝર લગાવો છો એ રીતે પીઠ પર પણ મોઇશ્ચરાઇઝર લગાવો. ડ્રાય સ્કિનની તકલીફ શરીરમાં પાણી ઓછુ હોય તો પણ થાય છે તો ભરપૂર પાણી પીવાનું રાખો. જો તમને સમય મળતો હોય તો સ્નાન કરતી વખતે પીઠ પર બેબી ઓઇલથી મસાજ કરો અને ત્યારબાદ સ્નાન કરો. જે દિવસે બેકલેસ ડ્રેસ પહેરવાનો હોય ત્યારે પીઠ પર સ્ક્રબિંગ કરો. જેથી ત્વચા સુંવાળી અને ચમકદાર બને.

બેકલેસ બ્લાઉઝ પહેરો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે અંદર ઇનર પહેરીને બ્લાઉઝનો શો ખરાબ ન કરો. પરંતુ એની જગ્યાએ બ્લાઉઝને પેડેડ બનાવડાવો અને પેડેડ બ્લાઉઝ લુક પણ સારો આપે છે. અન્ય પણ કેટલીક બાબતો છે કે બેકલેસ પહેરતા પહેલા ધ્યાનમાં રાખવી પડે છે. પીઠનું વેક્સિંગ કરાવો, પીઠ પર વાળ ન હોય એનુ અચૂક ધ્યાન રાખો. ચહેરા પર જે રીતે મેકઅપ કરો છો એ રીતે પીઠ પર પણ મેકઅપ કરો. તમે ચહેરા પર જે રીતે મેકઅપ કરો છો એ રીતે તો પીઠ પર મેકઅપ ન થઇ શકે પરંતુ તમારા ચહેરા સામે તમારી પીઠ ડલ ન લાગે એનુ ખાસ ધ્યાન રાખો.