AC-3 ટાયરમાં મહિલાઓ માટે 6 વધુ રિઝર્વ્ડ બેઠક

ભારતીય રેલવેએ ફૂલ્લી એરકન્ડિશન્ડ એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલાઓ માટે બેઠકોની ફાળવણીમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.

રાજધાની, દુરન્તો તથા અન્ય ફૂલ્લી એર-કંડિશન્ડ ટ્રેનોના AC-3 ટાયર વર્ગમાં મહિલા પેસેન્જરો માટે વધુ 6 બેઠકો અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે આ ટ્રેનોમાં ગરીબ રથ એક્સપ્રેસને બાકાત રાખવામાં આવી છે.

આ અંગે રેલવે બોર્ડે બહાર પાડેલા એક સર્ક્યુલરમાં જણાવાયું છે કે, ‘રાજધાની વર્ગની તમામ ટ્રેનો, દુરન્તો એક્સપ્રેસ તેમજ અન્ય એર-કંડિશન્ડ ટ્રેનોના AC-3 ટાયર વર્ગમાં મહિલા પેસેન્જરો માટે 6 બેઠક અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પછી ભલે તે મહિલા યાત્રીઓ કોઈપણ ઉંમરની હોય કે એકલી અથવા ગ્રુપમાં પ્રવાસ કરતી હોય.’ એક સિનિયર અધિકારીએ આ માહિતી આપતાં આઈએએનએસને જણાવ્યું કે, ‘રેલવે બોર્ડે ગઈ 30 નવેમ્બરે આ સર્ક્યૂલર બહાર પાડ્યો હતો.

વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષથી વધુ વયની મહિલા પ્રવાસીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે AC-3 ટાયરમાં દરેક કોચમાં ફાળવવામાં આવેલી ચાર લોઅર બર્થના કમ્બાઈન્ડ ક્વોટા ઉપરાંતનો આ નવો ક્વોટા રહેશે.

રેલવે હાલ મહિલા પ્રવાસીઓને દરેક મેલ કે એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર વર્ગમાં છ બર્થનો રિઝર્વેશન ક્વોટા આપે જ છે.

રેલવે હાલ પ્રત્યેક ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનના 3 AC વર્ગમાં મહિલાઓ માટે છ બેઠકનો ક્વોટા પૂરો પાડે જ છે.