વેનિસઃ કૅનલને કાંઠે વસેલી રમણીય નગરી

આશરે સત્તરસો વર્ષ પુરાણા ઈટાલીના આ ઐતિહાસિક નગર પાસે પ્રવાસીને આપવા જેવું ઘણું ખરું છે. સદીઓ પુરાણાં સ્થાપત્ય ખળખળ વહેતી નહેર, બાગબગીચા, ફૂટપાથ પરના બિસ્ત્રો ને સંગીતની સૂરાવલી સાથે ચટાકેદાર ભોજન હું 19 વર્ષ પહેલાં વેનિસ ગયો હતો એટલે બહુ જ રોમાંચિત હતો. છેલ્લી વાર ગયો હતો ત્યારે અલગારી બૅગ-પૅકરની જેમ જ ગયો હતો, પણ આ વખતે હું શહેરની ભવ્યતાને નિરાંતે માણવાનો મનસૂબો લઈને ગયો હતો. નહેરને કાંઠે વસેલું હોય એવું વેનિસ જેવું બીજું એકેય શહેર દુનિયામાં ક્યાં. નથી. અમારું હેલ્વેટિક ઍરવેઝનું નાનકડું વિમાન જ્યારે શહેરમાં લૅન્ડ થઈ રહ્યું હતું ત્યારે અચાનક એક નહેર દ્રષ્ટિગોચર થઈ અને એના પર પ્લેનનો પડછાયો દેખાઈ ગયો ને જોતજોતામાં તો હું વેનિસ પહોંચી ગયો.

વેનિસનું માર્કો પોલો ઍરપોર્ટ નાનકડું છે,પણ વ્યવસ્થા સારી છે. મારે જવું હતું શહેરની વચ્ચોવચ રિયાલ્ટો બ્રિજ પાસે આવેલી અમન હોટેલમાં અને એ માટે મેં વારાફરતી બસ-બોટની સફર કરવાનું નક્કી કર્યું. કેમ કે એમાં હું પોણો કલાકમાં પહોંચી શકું એમ હતો. મેં બસની રિટર્ન ટિકિટ લીધી અને વેપોરટ્ટો તરીકે ઓળખાતી બોટ-રાઈડની 48 કલાક ચાલે એવી અનલિમિટેડ ટિકિટ લીધી. માત્ર 45 યુરોપમાં. આમ આગામી બે દિવસ માટે મારી લાઈફ ઈઝી થઈ ગઈ.

વેનિસ કોઈ સામાન્ય શહેર નથી. આશરે 1700 વર્ષ જૂનું આ શહેર યુરોપીય કળા, સંગીત અને રાજકીય ગતિવિધિઓના કેન્દ્ર સમું હતું. 14મીથી 17મી સદી સુધી ચાલેલી રેનેસાં (પુનરોદ્ધાર) નામની સાંસ્કૃતિક ચળવળમાં પણ વેનિસનો સિંહફાળો હતો. ઉપરાંત, એ શહેર વિશ્વનું પ્રથમ આર્થિક કેન્દ્ર પણ ગણાતું હતું.

આજે પણ આ શહેર ઈટાલીનાં સૌથી મહત્વનાં શહેરોમાંનું એક છે અને વિશ્વનાં સૌથી રોમાન્ટિકગણાતાં સ્થળોમાં એનો સમાવેશ થાય છે. તમે અહીં માઈલો સુધી પથરાયેલી કૅનલ-નહેરોના કાંઠે લટાર મારો કે અહીંના ચર્ચો, મહેલો, સંગ્રહાલયો ને ચોક, વગેરે જોતાં જોતાં ટહેલો કે પછી અહીંની સુંદર રેસ્ટોરાંઓ ને દુકાનોમાં જાઓ… વેનિસ તમને મંત્રમુગ્ધ કર્યા વિના રહેશે નહીં.

આ શહેરમાં રસ્તાઓ અને મેટ્રોને બદલે લગભગ દોઢસો કૅનલ છે અને એની પર 400 બ્રિજ છે. શહેરની ભાગ્યતા અને ખૂબસૂરતીને માણવાના બે રસ્તા છેઃ એક, સિટી સેન્ટર એટલે કે શહેરના હાર્દમાંથી નીકળતી ગ્રાન્ડ કૅનલમાં તમે વેપોરટ્ટો રાઈડ લો અને બીજો, સંખ્યાબંધ બ્રિજ પર અને ગલીઓમાં પગપાળા ટહેલો. કહે છે કે વેનિસના ડ્રાઈવરો બહુ બેદરકાર હોય છે. એમાં નવાઈ નથી, કેમ કે આખું શહેર લગભગ પાણી પર જ જીવે છે. જો તમે કોઈક ખાસ મનગમતી વ્યક્તિની સાથે હો તો 80 યુરો ઢીલા કરીને ગન્ડોલાની રાઈડ તો માણવી જ જોઈએ.

શહેરની હાર્દમાં આવેલો સેન્ટ માકર્સ સ્કવેર

વેનિસના કેટલાંક પ્રખ્યાત આકર્ષણ…

સેન્ટ માર્ક્સ સ્કવેરઃ ફૂટપાથો પર આવેલાં કાફે અને ફેન્સી દુકાનોથી છવાયેલા વેનિસનો આ મુખ્ય ચોક છે, જે પ્રવૃત્તિથી ધમધમતો હોય છે. સૅન્ટ માર્ક્સ રેસ્ટોરાંની બહારની સાઈડ ટેબલ મળી જાય તો મ્યુઝિક સાંભળતાં સાંભળતાં શહેરને વહેતું જોવાનો લહાવો લેવા જેવો છે.

સેન્ટ માર્ક્સ બેઝિલિકાઃ સન 832માં પવિત્ર જાહેર થયેલા આ સુંદર ચર્ચમાં પશ્ચિમ અને પૂર્વનાં સ્થાપત્યનો સમન્વય છે.

ગ્રાન્ડ કૅનલઃ સૅન્ટ માર્ક્સ સ્કવેરને વેનિસનું હૃદય ગણો તો એની ધોરી નસ છે ગ્રાન્ડ કૅનલ. વેનિસની આ મુખ્ય કૅનલને કાંઠે ખૂબસૂરત મકાનો છે અને એમાં જવું હોય તો તમામ પ્રકારની બોટ્સ અને ગોન્ડોલા ઉપલબ્ધ છે.

શહેરની ઓળખ સમો રિયાલ્ટો બ્રિજ

રિયાલ્ટો બ્રિજઃ ગ્રાન્ડ કૅનલ પરથી પસાર થતો આ મુખ્ય બ્રિજ છે, જે 400 વર્ષ જૂનો છે. આ બ્રિજ વેનિસનું સીમાચિહ્નરૂપ સ્થળ ગણાય છે. એની નજીકમાં જ છે રિયાલ્ટો માર્કેટ, જે હકીકતમાં નાની-નાની દુકાનો ધરાવતી એક ખૂબસૂરત ફૂડ માર્કેટ છે.

ગેલોરિપા ડેલ એકેડેમિયાઃ આ પ્રભાવશાળી સંગ્રહાલય ઈટાલીનું એક મહત્વનું આર્ટ મ્યુઝિયમ છે, જેનાં ત્રણ ઐતિહાસિક મકાનમાં કુલ 24 કમરા છે. આ મ્યુઝિયમમાં ભીડ બહુ હોવાથી ત્યાં જવું હોય તો વહેલાસર પહોંચી જવું જોઈએ.

ઈટાલિયન નાટયકાર કાર્લો ગોલ્દોનીનું પૂતળું

વેનિસ આઈલૅન્ડ્સઃ કુલ 118 ટાપુ છે વેનિસના. ત્યાં જવા માટે એક દિવસની ટ્રિપ લઈ શકાય છે. મુખ્ય બે ટાપુ લોકપ્રિય છે એક મુરાનો, જે હાથબનાવટનાં કાચનાં ઉત્પાદનો માટે પ્રખ્યાત છે અને બીજો બુરાનો, જે એનાં લેસ-વર્ક અને રંગબેરંગી ઘરોને કારણે જાણીતો છે.

હોટેલો…

હોટેલ ફાઇનલ કરતી વખતે એ સૅન્ટ માર્ક્સ સ્કવેરની નજીક હોય એનું ધ્યાન રાખવું. ઘણી હોટેલ છે અહીં, પરંતુ ગ્રાન્ડ કૅનલનો વ્યૂ ધરાવતી હોટેલ મળી જાય તો સમજવું કે તમારું નસીબ સારુ છે.

ક્યારે જવું ?

વેનિસ દરિયાની નજીક આવેલું હોવાથી ત્યાંનું હવામાન બહુ ઠંડુ કે બહુ ગરમ નથી હોતું. હા, વરસાદ ગમે ત્યારે પડી શકે છે ત્યાં. ઉપરાંત ઉનાળો ભેજવાળો હોય છે અને શિયાળામાં ધુમ્મસ છવાયેલું રહે છે. બહુ ભીડ ન હોય એવો સમય પસંદ કરવા માંગતો હો તો વસંત અને પાનખરમાં જવું.

તહેવારોઃ

વેનિસનો પ્રખ્યાત કાર્નિવલ ઈસ્ટરના 40 દિવસ પહેલાં યોજાય છે. આ ઈટાલીનો રંગબેરંગી અને જીવંત તહેવાર છે. કાર્નિવલ વખતે અહીંના રહેવાસીઓ માસ્ક્સ તથા કલરફૂલ કૉસ્ચ્યુમ્સ પહેરીને ઊમટી પડે છે અને દસ દિવસની સ્ટ્રીટ પાર્ટી યોજે છે.

ખરીદીઃ

વેનિસમાં ઘણી સુંદર ચીજવસ્તુઓ મળે છે. શું લેવું અને શું નહીં એની મીઠી મૂંઝવણ તો થવાની જ. આમ છતાં નેવેશિયન કાચની ચીજો. ખાસ કરીને મુરાનો ટાપુમાં બનેલી કાચની ચીજો ખરીદીથી શરૂઆત કરી શકાય. ઉપરાંત, ભેટ તરીકે ખૂબસૂરત કાર્નિવલ માસ્ક્સ પણ ખરીદી શકાય. વેનેશિયન માર્બલ પેપર કે લેસ પણ ખરીદી શકાય. વેનિસના વૉટરકલરનાં ચિત્રો ઉપરાંત જાણીતી બ્રાન્ડોની લેબરની ચીજો કરતાં ચોથા ભાગની કિંમતે લેયરની સેમ ચીજો તમને અહીંથી મળી રહે.

પ્રવાસ ગાઈડ

  • વેનિસ જવું હોય તો સૌથી નજીકનું એરપોર્ટ છે માર્કો પોલો. જે શહેરથી આશરે બાર કિલોમીટર દૂર છે. આ ઍરપોર્ટ પર યુરોપનાં લગભગ તમામ મોટાં શહેરોની ફલાઈટ લૅન્ડ થાય છે.
  • ટ્રેનથી આવો તો સાન્તા લુચિયા સ્ટેશન શહેરમાં જ છે. રોમ, મિલાન, ફલોરેન્સ જેવા ઈટાલીનાં જ શહેર નહીં, પણ ઑસ્ટ્રિયા, જર્મની, પેરિસ અને લંડન સુદ્ધાં જવા અહીંથી ટ્રેન મળે છે. સાન્તા લુચિયા સ્ટેશને ઊતર્યા બાદ બોટ કે વૉટરબસ લઈ તમારી હોટેલ સુધી પહોંચી શકશો.
  • ટ્રેનમાં જાઓ તો ટિકિટની પાછળની બાજુ ખાસ ચકાસવી. એ પંચ નહીં થઈ હોય તો તમારે દંડ ભરવાનો આવશે.

 

અમન 16મી સદીનો વૈભવી નિવાસ…

શહેર તથા ખળખળ વહેતી કૅનલનો સુંદર નજારો આપતી આ હોટેલ એટલે લક્ઝરીનું ચરમ શિખર હોટેલ હકીકતમાં સોળમી સદીનો મહેલ છે. હોલીવૂડ સ્ટાર જ્યોર્જ કલૂનીનાં લગ્ન અહીં થયાં હતાં. સાચુ કહું તો મેં વિશ્વભરમાં પ્રવાસ કર્યો છે, પણ આવી હોટેલ ક્યારેય જોઈ નથી. સ્થાનિકો આ ભાગ્ય હોટેલને પેલાઝો પાપાડોપોલી તરીકે ઓળખે છે.

રોમાન્સનું મૂર્ત સ્વરૂપ હોય એવું અને પાણી પર બંધાવેલું વેનિસ એની કૅનાલો માટે ફેમસ છે. આ કૅનાલોમાં આગળ કહ્યું એમ ગ્રાન્ડ કૅનલ મુખ્ય છે અને એના કાંઠે કાંઠે 170 ભવ્ય ઈમારત છે. જેમાં 16મી સદીમાં બંધાયેલા પેલાઝોનો એટલે કે હોટેલ અમન વેનિસનો પણ સમાવેશ થાય છે. 24 રૂમ્સ ને સ્વીટ્સ ધરાવતી આ હોટેલના મોટાભાગના રૂમ્સમાંથી ગ્રાન્ડ કૅનલનો વ્યૂ દેખાય છે. હોટેલમાં બે પ્રાઈવેટ ગાર્ડન પણ છે, જે આ તરતા શહેરમાં અસાધારણ ગણાય એવી વાત છે. અમન હોટેલના આ ગાર્ડનમાં સમી સાંજે બેસીને ગ્રાન્ડ કૅનલ જોતાં જોતાં ડ્રિન્ક લેવાનો લહાવો માણવા જેવો હોય છે.

આ હોટેલો એનો 400 વર્ષ જૂનો ચાર્મ હજી જાળવી રાખ્યો છે અને છતાં આજના પ્રવાસી માટે તમામ આધુનિક સગવડો પણ અહીં છે. હોટેલમાં માત્ર 24 જ રૂમ્સ હોવાથી અહીંનો સ્ટાફ દરેક ગેસ્ટને અંગત રીતે ઓળખતો થઈ જાય છે. હોટેલમાં બુફે નથી. આ લા કાર્ટે સિસ્ટમ જ છે. ઈવન બ્રેકફાસ્ટ માટે પણ. મેનુ વાંચીને જે જમવું હોય એનો ઓર્ડર આપવાનો. તમારા ટેબલ પર એ હાજર. મિની બારની આઈટમ માટે કોઈ અલગ ચાર્જ નથી. હોલીવૂડનું ક્લૂની કપલ બોટમાંથી ઊતરતું હોય એ જાણીતો ફોટો યાદ છે તમને ? એ બન્ને લગ્ન પછી આ હોટલમાં આવેલાં. એ ફોટો અમનના ખાનગી ડૉક પર લેવામાં આવેલો. ગેસ્ટ્સ કાં તો માર્કો પહેલો ઍરપોર્ટથી થવા તો પિયાઝેલ રોમા કે સાન્તા લુસિયા રેલવે સ્ટેશનથી સીધા જ પ્રાઈવે બોટ્સમાં અહીં આવી શકે છે, બીજો રસ્તો છે પબ્લિક બોટ-રાઈડ લઈ સાન સિલ્વેસ્ત્રો સ્ટોપથી પાંચ મિનિટ ચાલીને અહીં આવવાનો.

સંગ્રહાલયમાં રાખી શકાય એવી ચીજવસ્તુઓથી સજાવવામાં આવેલી હોટેલ પેલાઝો પાપાડોપોલી હકીકતમાં 18મી સદીના ચિત્રકાર ટિયેપોલોનું ઘર હતી. એના ચિત્રો હોટેલના ઘણા રૂમમાં છે. 19મી સદીમાં પાપાડોપોલી પરિવારે બાજુનાં મકાનોને બે ગાર્ડનમાં ફેરવી નાખ્યાં. જે આજે શહેરમાં દુર્લભ પ્રાઈવેટ ગ્રીન સ્થળો ગણાય છે. આ હોટેલને 2014માં રિનોવેટ કરવામાં આવી ત્યારે એને બેસ્ટ રિસ્ટોરેશનનો એવોર્ડ પણ મળ્યો હતો. અમન વેનિસમાં ભોજન લેવું એ પણ એક લહાવો છે. એમાં પહેલા માળની લૉબીમાં બે રેસ્ટોરાં છે. એક ગ્રાન્ડ બાર પણ છે. જ્યાં ભીંતચિત્રોથી મઢેલી છતો નીચે ઈટાલીના સ્ટાર શેફ ડેવિડે ઓલ્ડાનીની નિગરાની હેઠળ બનેલી વિવિધ વાનગીઓ તમે આરોગી શકો છો.

હોટેલના તમામ રૂમ મોટા અને ભવ્ય છે, પણ મને જે રૂમ મળેલો એ સેન્સોવિનો સ્ટાન્ઝામાંથી ગ્રાન્ડ કૅનાલનો આંશિક વ્યૂહ દેખાય છે. રૂમમાં ઐતિહાસિક સજાવટ છે. ઉપરાંત, સેનોસવિનો નામના ઈટાલિયન કલાકારે ડિઝાઈન કરેલું 16મી સદીનું અફલાતૂન ફાયર પ્લેસ પણ છે.

અહેવાલ- તસવીરોઃ મિત્રજિત ભટ્ટાચાર્ય