ડિજિટલ ટ્રાવેલર સર્વેઃ 19 દેશોમાં ભારત પહેલા નંબરે…

ટ્રાવેલપોર્ટ નામની એક જાગતિક પર્યટન સર્વેક્ષણ એજન્સીએ તાજેતરમાં એક સર્વેક્ષણ કરીને ગ્લોબલ ડિજિટલ ટ્રાવેલર રેન્કિંગ્સ આપ્યા છે. એમાં ભારતને પહેલો નંબર મળ્યો છે.

અગ્રગણ્ય ઓનલાઈન ટ્રાવેલ એજન્સી ટ્રાવેલપોર્ટે કુલ 19 દેશોમાં આ સર્વે કરાવ્યો હતો. આ સર્વેક્ષણનો મુખ્ય હેતુ હતો – કયા દેશનાં લોકો પ્રવાસ માટે ડિજિટલ ટૂલ્સનો સૌથી વધારે ઉપયોગ કરે છે.

સર્વે પરથી માલૂમ પડ્યું છે કે ભારતનાં લોકો પ્રવાસના પ્લાનિંગ, બુકિંગ તથા યાત્રાના અનુભવની બાબતોમાં ડિજિટલ ટેક્નોલોજીને સૌથી વધારે ઉપયોગ કરે છે અને તેઓ આ 19 દેશોમાં સૌથી વધારે ડિજિટલી-એડવાન્સ્ડ હોવાનું માલૂમ પડ્યું છે.

આ સર્વે પરથી રસપ્રદ વાત જાણવા મળી છે કે વિશ્વની ઘણી અગ્રગણ્ય ટ્રાવેલ માર્કેટ્સની સરખામણીમાં ભારત વધારે ઝડપથી આગળ વધી રહ્યું છે.

ભારતનાં લોકો પ્રવાસ શરૂ કરતાં પૂર્વે, એ દરમિયાન પ્રવાસને લગતી જાણકારી મેળવવા માટે એમનાં સ્માર્ટફોનનો ખૂબ ઉપયોગ કરે છે.

લીગ ટેબલમાં, ભારતે એશિયા-પેસિફિક ખંડમાં એના પડોશી ચીન અને ઈન્ડોનેશિયા તેમજ અમેરિકા જેવા સુપરપાવરને પણ પાછળ રાખી દીધાં છે.

હોટેલની પસંદગી

ભારતના પર્યટકોમાં 82 ટકા લોકો પ્રવાસ દરમિયાન રહેવા માટે હોટેલની પસંદગી લોકેશન માટે તેમજ ખર્ચ કેટલો છે એ મુદ્દે કરતા હોય છે.

75 ટકા ભારતીય ટ્રાવેલર્સ એવા છે જેઓ રહેવા માટે એવી હોટેલ પસંદ કરે છે જે વાઈ-ફાઈ માટે ચાર્જ લગાડતી ન હોય.

ભારતીય ટ્રાવેલર્સ વિવિધ પ્રકારની એપ્સનો ઉપયોગ કરવામાં ચીન પછી બીજા નંબરે છે. ભારતીયો પ્રવાસમાં હોય ત્યારે સરેરાશ 19 કેટેગરીની એપ્સનો ઉપયોગ કરતા હોવાનું માલૂમ પડ્યું છે. તેઓ અવારનવાર મેપ્સનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત બેન્કિંગ તથા ઈન્સ્ટન્ટ મેસેજિંગ પણ ભરપૂર ઉપયોગ કરે છે. 82 ટકા ભારતીયો અનુકૂળ ટેક્નોલોજીની કદર કરે છે, જેમ કે ડિજિટલ બોર્ડિંગ પાસ અને ઈ-ટિકિટ સુવિધા.