જપાનનું કામાકુરાઃ દેવાલય અને સમાધિઓની મોહકનગરી

ઇતિહાસપ્રેમીઓ માટે ટોકિયોની નજીક આવેલું આ શહેર જાણે કૂબેરનો ભંડાર છે

હું ઘણીવાર જપાન ગયો છું અને એનો ખૂણેખૂણો ખૂંદી વળ્યો છું, પણ કામાકુરા ક્યારેય ગયો નહોતો ગયો. આથી ગઇ પાનખર પછી કામાકુરા જવાની તક મળી ત્યારે હું સ્વાભાવિક રીતે જ રોમાંચિત થઇ ગયો. પ્રશાંત મહાસાગરને કાંઠે એક ટેકરી પર આવેલું આ નગર મંદિરો અને સ્મારકોને કારણે પ્રખ્યાત છે અને ટોકિયોથી ટ્રેન રસ્તે માંડ કલાકેક જ દૂર છે.કામાકુરા નગર ઇસવી સન 1192થી શોગન મિનામોટોની લશ્કરી સરકારની સાંસ્કૃતિક તથા રાજકીય રાજધાની ગણાતું હતું. પરંતુ 1333ની સાલમાં એને ખંડિત કરી દેવામાં આવ્યું હતું. આજે આ નગર સૌથી વધુ જાણીતું છે. અમિદા બુદ્ધ (જપાની અમિદા શબ્દનું મૂળ છે. સંસ્કૃતનો અમિતાભ શબ્દ, જેનો અર્થ થાયઃ દૈવી કે અનંત પ્રકાશ અને અમિદા બુદ્ધ એટલે બૌદ્ધ ધર્મની પાંચ મુખ્ય શાખામાંની એક, મહાયાન સંપ્રદાયના બુદ્ધ)ની વિશાળ પ્રતિમાને કારણે, જે 800 વર્ષ જૂની છે. દુનિયાભરમાંથી પ્રવાસીઓ એ જોવા અહીં આવે છે.

કોટોકુઇન મંદિરના પ્રાંગણમાં ઊભેલી કાંસાની આ પ્રતિમા આગ, પૂર, વાવાઝોડું તથા 1923ના ભૂકંપ જેવી ઘણી કુદરતી આફતો સામે સદીઓથી આજ સુધી અડીખમ ટકી રહી છે. જો કે આ બધી આફતોએ પ્રતિમાને ઘસારો જરૂર પહોંચાડ્યો છે. આ પ્રતિમા 1252ની સાલમાં ઘડાઇ હતી અને મૂળ તો એ મંદિરના વિશાળ હૉલમાં હતી. જો કે ચૌદમી અને પંદરમી સદીમાં મંદિરની ઈમારત દરિયાઈ મોજાંને કારણે ઘણીવાર નાશ-નુકસાન પામી. એથી 1945ની સાલમાં એની પ્રતિષ્ઠા મંદિરના ખુલ્લા પ્રાંગણમાં કરવામાં આવી હતી. 11.4 મીટર ઊંચી આ પ્રતિમા જપાનમાં ભગવાન બુદ્ધની બીજા નંબરની સૌથી ઊંચી કાંસાની પ્રતિમા છે. પ્રથમ ક્રમ નારા પ્રાંતના તોડાઇ-જી મંદિરની પ્રતિમાનો આવે છે.

હાસેદરા ટેમ્પલના પ્રવેશદ્વાર પાસે સહેલાણીઓની ભીડ

કામાકુરાની પ્રતિમા એટલી પ્રખ્યાત છે કે એની કીર્તિમાં અહીંના બીજાં અસાધારણ મંદિરો ઢંકાઇ જાય છે, જે ખરેખર જોવાલાયક છે. એમાંનું એક છે હાસે તરીકે ઓળખાતું હાસેદરા મંદિર, જે જોડો સંપ્રદાયનું છે. આ મંદિર 11 મસ્તિષ્ક ધરાવતી કેનોન (દયાની દેવી)ની પ્રતિમાને કારણે જાણીતું બન્યું છે. કેનોનની 9.18 મીટર ઊંચી અને સોનાનો ઢોળ ચડાવેલા લાકડાની પ્રતિમા જપાનના કાષ્ઠશિલ્પોમાં સૌથી મોટી ગણાય છે. આ પ્રતિમા મંદિરની મુખ્ય ઈમારત એટલે કે કેનોનન્ડુ હૉલમાંથી જોઇ શકાય છે. એક દંતકથા મુજબ અહીંની કેનોન પ્રતિમા અને નારા પ્રાંતના હાસેદરા મંદિરની કેનોનની પ્રતિમા એક જ વૃક્ષમાંથી કોતરી કાઢવામાં આવી હતી અને બન્નેની ઊંચાઇ પણ સરખી જ છે.

અહીંનું હાસેદરા મંદિર વૃક્ષાચ્છાદિત ટેકરીના ઢોળાવ પર બંધાયેલું છે. મંદિરની મુખ્ય ઈમારતનો અડધો ભાગ ઢોળવની ઉપર તરફે ઊભેલો છે, જેની અગાસી પરથી કામાકુરાના દરિયાકાંઠાનો નયનરમ્ય નજારો દેખાય છે. ઢોળાવ પરના પગથિયાં પાસે જિઝોન્ડુ હૉલ આવેલો છે, જેમાં જિઝો બોધિસત્ત્વની સેંકડો નાનકડી પ્રતિમાઓ છે. એવું માનવામાં આવે છે કે જિઝો બોધિસત્વ મૃત બાળકોના આત્માને સ્વર્ગ સુધી પહોંચવામાં મદદ કરે છે. મંદિરનું પ્રવેશદ્વાર ઢોળાવની તળેટીમાં છે. અહીં પ્રવેશ કરતાંવેંત ચોતરફ તળાવડીઓ અને બગીચા છે, જે અહીંનું સૌંદર્ય વધારે છે.

આ અહીંનું એક સ્મારક ત્સુરુગાલવકા હચિમંગુ

કામાકુરાનું બીજું એક મહત્ત્વનું સ્મારક છે ત્સુરુગાવકા હચિમંગુ. એની સ્થાપના મિનામોટો યોરિયોશીએ 1063માં કરી હતી. પછી કામાકુરા સરકારના પ્રથમ શોગન એટલે કે સરદાર મિનામોટો યોરિટોમોએ 1180ની સાલમાં એને આ સ્થળે લાવીને સ્થાપ્યું હતું. આ સ્મારક મિનામોટો પરિવાર તથા સમુરાઈઓ (જપાની યોદ્ધા)ના કુળદેવતા હચિમાનને સમર્પિત છે. કામાકુરાના કાંઠેથી શરૂ થઈ, શહેરને વીંધીને જતો લાંબો-પહોળો રસ્તો આ સ્મારકે પહોંચે છે. આ માર્ગમાં વચ્ચે વચ્ચે ટોરી ગેટ્સ (શિન્ટો ધર્મનાં સ્મારકોનાં પરંપરાગત પ્રવેશદ્વાર, જે અપવિત્રથી પવિત્ર તરફ સફર સૂચવે છે) આવે છે.

નગરની શેરી પર ફરતી હાથરિક્ષા

સ્મારકનો મુખ્ય હૉલ અગાસી પર છે, જ્યાં વિશાળ પગથિયાં પૂરાં થાય છે. આ મુખ્ય હૉલમાં સ્મારકનું સંગ્રહાલય છે. એમાં તલવારો, મુખવટા તથા દસ્તાવેજો જેવો સ્મારકનો વિવિધ ખજાનો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. હૉલની ડાબે પગથિયાં પાસે જિન્કગો નામનું એક વિશાળ વૃક્ષ હતું. જે સ્મારક કરતાંય જૂનું હતું અને કહેવાતું કે શોગનો પાનખરમાં સોનેરી બની જતાં આ વૃક્ષમાં આક્રમણ વખતે છુપાઈ જતા. જો કે માર્ચ, 2010માં શિયાળુ વાવાઝોડાં સામે આ વૃક્ષ ઝીંક ન ઝીલી શક્યું ને કડડભૂસ થઈ ગયું.

હસ્તબનાવટની ચીજ વસ્તુઓ

ખેર, પગથિયાંના નીચેના ભાગમાં નૃત્ય ને સંગીતના કાર્યક્રમો માટે એક મંચ છે. આ સ્મારકમાં આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. જપાની નવા વર્ષ વખતે 20 લાખ મુલાકાતી હત્સુમોડે (સ્મારકની વર્ષની પ્રથમ મુલાકાત) માટે ત્સુરુગાવકા હચિમંગુ આવે છે. એપ્રિલ અને સપ્ટેમ્બરના મધ્ય ભાગમાં અહીં અશ્વારોહણ સાથેની ધનુર્વિદ્યાના કાર્યક્રમો પણ યોજાયા છે.

પ્રવાસ ગાઈડ

કામાકુરામાં આંતરરાષ્ટ્રીય કે ડોમેસ્ટિક ઍરપોર્ટ નથી. અહીંથી સૌથી નજીકનું ઍરપોર્ટ છે ટોકિયો કેનેડા, જે કામાકુરાથી 50 કિલોમીટરના અંતરે છે. હાનેડા ઍરપોર્ટ ટર્મિનલ સ્ટેશ અથવા તો હાનેડા ઈન્ટરનેશનલ ઍરપોર્ટ ટર્મિનલ સ્ટેશનથી કેઇક્યુ ઍરપોર્ટ એક્સપ્રેસ નામની ટ્રેન પકડીને યોકોહામા સ્ટેશન સુધી જઈ શકાય છે. યોકોહામાથી જેઆર યોકોસુકા લાઈન નામની ટ્રેન પકડીને કામાકુરા સ્ટેશન જવાય છે.

તમે જો ટોકિયો ફરીને પાછા જપાનનો પ્રવાસ શરૂ કરવાના હો તો કામાકુરા સ્ટેશન સાથે બે રેલવેલાઇન જોડાયેલી છે. ટોકિયો સ્ટેશનથી તમે યોકોસુકા લાઈન લો તો એ તમને સિનાગાવા અને યોકોહોમા સ્ટેશન થઈને કલાકેકમાં કામાકુરા પહોંચાડે છે. બીજો વિકલ્પ છે શિન્જુકુ સ્ટેશનેથી જેઆર શોનન-શિન્જુકુ લાઈન લેવાનો. આ લાઈન પણ એકાદ કલાકમાં કામાકુરા પહોંચાડે છે.

અહેવાલ-તસવીરોઃ મિત્રજિત ભટ્ટાચાર્ય