આધ્યાત્મનો સમન્વય છોટા કૈલાશ અને કૈલાશ માનસરોવર યાત્રા

જ્યારે તમે પ્રવસાની સાથે આધ્યાત્મની કલ્પના કરો છો ત્યારે તમારા મનમાં સૌથી પહેલો વિચાર ઉત્તર ભારતના ચારધામની યાત્રાનો આવે છે ખરું ને? જો તમારી કલ્પના પણ ચારધામ યાત્રા પુરતી મર્યાદિત છે તો અહીં અમે આપની કલ્પનાને વધુ વિસ્તાર આપીશું. ચારધામ ઉપરાંત છોટા કૈલાશ અને કૈલાશ માનસરોવરની યાત્રા પણ પ્રવાસની સાથે આધ્યાત્મનો અદભૂત સમન્વય છે. આ યાત્રાની શરુઆત જૂન-જુલાઈ મહિનાથી થાય છે, જે સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે. કૈલાશ માનસરોવર ચીનના તિબેટમાં આવેલું છે. જ્યારે છોટા કૈલાશ ઉત્તરાખંડ રાજ્યની સરહદે ભારતના અધિકાર ક્ષેત્રમાં આવે છે.કૈલાશ માનસરોવર યાત્રા

 

કૈલાશ માનસરોવરની યાત્રા બે અલગ અલગ માર્ગોથી પૂર્ણ કરવામાં આવે છે. એક રસ્તો ઉત્તરાખંડનો લિપુલેખ પાસ છે અને બીજો રુટ પૂર્વોત્તર ભારતના સિક્કિમનો નાથુલા પાસ છે. કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. કૈલાશ માનસરોવર ચીનના અધિકાર ક્ષેત્રમાં તિબેટમાં આવેલું છે. જ્યાં પહોંચવા માટે નેપાળ થઈને જવું પડે છે. વર્ષ 2017માં ચીને નથુલા પાસ બંધ કર્યો હતો જેના લીધે યાત્રીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વર્ષે નાથુલા પાસ ફરી ખુલવાના કારણે પ્રવાસીઓને રાહત થશે.કૈલાશ માનસરોવરની યાત્રા ઘણી ઉંચાઈ ઉપર અને પ્રાકૃતિક રીતે દુર્ગમ હોવાથી આ યાત્રા માટે શારિરીક રીતે ફિટ હોવું ખુબજ જરુરી છે. પ્રવાસીઓની પસંદગી સરકાર કરે છે, પ્રવાસીઓને તેની ફિટનેસના આધારે પસંદ કરવામાં આવે છે. આ યાત્રા લગભગ 29 દિવસમાં પુરી કરવામાં આવે છે. જો તમને આર્થિક રીતે કોઈ તકલીફ ના હોય તો આ યાત્રા માટે આપ ખાનગી કંપનીઓની હેલિકોપ્ટર સેવા દ્વારા પણ મુસાફરી કરી શકો છો. જે 9-10 દિવસમાં પૂર્ણ થાય છે. તેનો અંદાજિત ખર્ચ 1.60 લાખ રુપિયા જેટલો થાય છે.

છોટા કૈલાશ યાત્રા

કૈલાશ માનસરોવર યાત્રાની જેમ છોટા કૈલાશની યાત્રા પણ એટલી જ આકર્ષક અને રોમાંચથી ભરપુર છે. છોટા કૈલાશ અથવા આદિકૈલાશ પર્વત ઉત્તરાખંડ અને તિબેટની સરહદ પર આવેલો છે. અહીં ભારત-તિબેટ સરહદે આપ અદભૂત કુદરતી સૌંદર્યના સાક્ષી બની શકો છો.

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલા આ સ્થળ પર આપને માનસિક શાંતિનો અનોખો અનુભવ થશે. આ યાત્રાનું આયોજન દર વર્ષે કુમાઉ મંડળ દ્વારા કરવામાં આવે છે. આ યાત્રા દરમિયાન પ્રવાસીઓને અન્નપૂર્ણા પર્વતના બરફાચ્છાદિત શિખરો, સ્વચ્છ કાળી નદી, ગાઢ જંગલો અને નારાયણ આશ્રમ જેવા સ્થળોની મુલાકાતનો લાભ મળે છે. અહીંનો નારાયણ આશ્રમ જંગલી ફૂલો અને પાણીના ઝરણાંઓ માટે પ્રસિદ્ધ છે.

યાત્રા માટે ધ્યાન રાખવા જેવું…

કૈલાશ માનસરોવર અને આદિકૈલાશ બન્ને સ્થળ અતિ દુર્ગમ છે. જેથી પ્રવાસ દરમિયાન આપને કઠિન અને પીડાદાયક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જેથી આપ શારીરિક અને માનસિક રીતે ફિટ હોવ તે ખુબજ જરુરી છે.

હૃદય રોગ, અસ્થમા, હાઈ બી.પી. તેમજ ડાયાબિટીસથી પીડાતા લોકોએ આ યાત્રા કરવી હિતાવહ નથી. ઉપરાંત યાત્રા દરમિયાન કોઈ પણ સમયે ખરાબ હવામાન અને વરસાદનો પણ સામનો કરવો પડી શકે છે. જેથી પ્રવાસ દરમિયાન હળવા ફિટિંગના કપડા પહેરવા અનુકુળ રહેશે. રેનકોટ, આરામદાયક જૂતાં, સ્વેટર્સ અને જરુરી દવાઓ પણ યાત્રા દરમિયાન સાથે રાખવી.