ઈટાલીઃ આલ્પ્સને ખોળે વહેતો રોમાન્સ

દુનિયાભરના માલેતુજારોની લક્ઝરી વિલા માટે જાણીતું લેક કોમો દુનિયાભરના પ્રેમીને આકર્ષે છે

મે ઈટાલીના આ લેક કોમો નામના સરોવરતટે પહોંચો કે તરત જ તમારાં રૂંવેરૂંવામાં રોમાંચ પથરાઈ જાય. ભૂરાં જળ પર તરતી રંગબેરંગી લક્ઝરી નૌકાઓ, આલ્પ્સ પર્વતમાળાનાં ઊંચા શિખરો અને કાંઠા પર પથરાયેલાં નાનકડાં સુંદર ગામડાં… ચોતરફ સૌંદર્ય વેરાયેલું છે અહીં. તાજાં તાજાં પરણ્યાં હોય એવાં દુલ્હા-દુલ્હન માટે તો અહીંના કણેકણમાં રોમાન્સ છે. સાથે સાથે ઍડ્વેન્ચર પણ ખુરું. ભીડથી ઊભરાતાં શહેરો અને એના પ્રદૂષણથી દૂર આવેલું આ સ્થળ રોમાન્ટિક હનીમૂન માટે એક આદર્શ સ્થળ છે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી.લેક કોમો પાસે ઘણી ગ્રાન્ડ લક્ઝરી વિલાઓ છે, જેમાંની કેટલીક ક્લાસિકલ તો કેટલીક અત્યાધુનિક છે. ઉપરાંત, અહીં ઘણી જાણીતી હસ્તીઓના વૈભવી આવાસ પણ છે. દાખલા તરીકે, ગાયિકા મડોના, હોલીવૂડ સ્ટાર જ્યોર્જ ક્લૂની (લાગ્લિઓ ગામ પાસેની એની વિલા ઓલેનારા બહુ ફેમસ છે) અને બ્રાડ પીટ તથા વર્જિન એટલાન્ટિક ગ્રુપના ચૅરમૅન સર રિચર્ડ બ્રેન્સન, વગેરે. આ સિવાય બીજી ફેમસ વિલાઓમાં વિલા રોકાબ્રુના વિલા નોર્મા, વિલા ડોરાબેલા, વિલા અમિના, વિલા ગિલ્ડા અને વિલા વાયોલેટનો પણ સમાવેશ થાય છે, જે કાસ્ટાદિવા રિસોર્ટમાં આવેલી છે. વૈભવી જીવનશૈલીના પ્રતીક જેવી આ તમામ વિલા સરોવરની આસપાસ ફેલાયેલી છે.

લેક કોમોના કાંઠે આવેલા બ્લેવિયો નામના નાનકડા ગામડામાં છે ઐતિહાસિક વિલા રોકાબ્રુના. આ વિલા હકીકતમાં 19મી સદીની એક બહુ જ જાણીતી ઑપેરા સિન્ગર જિયુદિત્તા પાસ્તાનું નિવાસસ્થાન હતું. જિયુદિત્તા એની લૉન્સ પર ઘણી જાણીતી હસ્તીનું મનોરંજન કરતી.અહીંના કાસ્ટાદિવા રિસોર્ટમાં નવપરિણીત દંપતી વર્લ્ડ ક્લાસ ડાઈનિંગનો ટેસ્ટ માણી શકે છે. આ રિસોર્ટમાં વિવિધ પ્રજાતિનાં જમાના જૂનાં વૃક્ષો છે. હનીમૂનર્સે કોમો લેકમાં સ્લો બોટરાઈડ અચૂક લેવા જેવી છે, કેમ કે બોટમાં બેઠાં બેઠાં આસપાસનાં સુંદર નાનકડાં ગામડાં જોઈ શકાય છે. કાંઠા પરની રિસ્તોરાન્તે કે કાફેમાં જઈ શકાય છે. સાથે સાથે આ રળિયામણા સરોવરના કાંઠે સ્વાદિષ્ટ ઈટાલિયન ફૂડનો ચસકો પણ લેવા જેવો છે.

તમે બોટ-ક્રૂઝ વખતે લિનો ગામે આવેલી ક્લાસિકલ અને અદભુત વિલા ડેલ બાલ્બિયાનેલો નિહાળી શકો છો અને લેક કોમોના ઉત્તરીય કાંઠે આવેલા ટ્રેમેઝો નામના ગામડાની વિલા કાર્લોટા પણ જોઈ શકો છો. ઉપરાંત, બેલાજિયો નામના નાનકડા અને રંગીન ગામડાની સાંકડી પથરાળ ગલીઓમાં લટાર પણ મારી શકો છો. આ ગામડાના લોકો મળતાવડા છે. અહીંની વિલાઓ ફૂલોથી આચ્છાદિત હોય છે. વળી, અહીં કેટલીક સુંદર રેસ્ટોરાં છે, જ્યાં સ્થાનિક વાનગીઓનો સ્વાદ માણવા જેવો છે. હનીમૂન કપલે સરોવરના કાંઠે બેસીને આસપાસની સુંદરતા માણતાં માણતાંલંચ લેવાનો લહાવો પણ ચૂકવા જેવો નથી.

અહીં બીજી ઘણી પ્રવૃત્તિ પણ થઈ શકે છે, જેમ કે સરોવરના કાંઠે આવેલી અને બેય બાજુ વૃક્ષો ધરાવતી નાનકડી ગલીઓમાં બાઈસિકલ રાઈડ કરી શકાય છે. વૉટરફ્રન્ટ પર ચાલવાનો, નિરાંતવી પળ માણવાનો અને લેકના હરિયાણા તથા સુંદર કૉનર્સ પર એકાંતની મજા લૂંટવાનો અવસર પણ હનીમૂનર્સે ચૂકવા જેવો નથી. અહીંના ગામડાંમાં તમે ચાલતાં હો ત્યારે ક્ષિતિજે દેખાતાં હિમાચ્છાદિત આલ્પ્સનાં શિખરોનું દ્રશ્ય ખરેખર રોમાંચિત કરી મૂકે એવું હોય છે. ટૂંકમાં, લેક કોમો એક નિરાંતવું અને રોમાન્ટિક સ્થળ છે, જે તમારા હનીમૂનને યાદગાર બનાવી શકે છે.

પ્રવાસ ગાઈડ

લેક કોમો કેવી રીતે જવું

  • મુંબઈ અને દિલ્હીથી તુર્કીશ ઍરલાઈન્સની ફલાઈટ સૌથી સુવિધાજનક રહે છે, જે વાયા ઈસ્તંબૂલ થઈને મિલાનના માલપેન્સા ઍરપોર્ટ પહોંચે છે. મિલાન ઍરપોર્ટથી ઉત્તરે ફક્ત એક કલાકનું ડ્રાઈવ કરીને લેક કોમો પહોંચી શકાય છે.
  • લેક કોમો પહોંચવા માટે પ્રાઈવેટ કાર રેન્ટલ્સ, કૉલ-ઈન ટૅક્સી તથા ગાઈડ કોચ ટુર્સ સારી પડે છે. સરોવરમાં વિહાલ કરવા પ્રાઈવેટ લેક ફેરીઝ, જેટબોટ રાઈડ્સ વગેરે ઉત્તમ વિકલ્પો છે. અહીં ઓસ્તેરિયાઝમાં અને રિસ્તોરાન્તેઝમાં સ્થાનિક વાનગીઓ ચાખવા જેવી હોય છે. ઉપરાંત, બ્લેવિયો વિલેજમાં આવેલા કાસ્ટાદિવામાં લ-ઑરેન્જરીનું ફાઈન ડાઈનિંગ પણ માણવા જેવું છે. લેક કોમો જવું હોય તો પહેલેથી બુકિંગ કરાવીને જવું હિતાવહ છે.

(ચિત્રલેખા-2017)

અહેવાલ-તસવીરોઃ કિશોર-સ્મિતા આયંગર