બોગિબીલ બ્રિજઃ ભારતનો સૌથી લાંબો રેલ-રોડ બ્રિજ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેંબર, મંગળવારે આસામના દિબ્રુગઢ જિલ્લાના બોગિબીલમાં માત્ર દેશના જ નહીં, પણ સમગ્ર એશિયા ખંડના સૌથી લાંબા રેલ-રોડ (ડબલ ડેકર – રેલવે-કમ-રોડ) બ્રિજ, બોગિબીલ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું. આ પૂલનું ભૂમિપૂજન 1997માં કરવામાં આવ્યું હતું અને તેનું બાંધકામ 2002માં શરૂ કરવામાં આવ્યું હતું. બોગિબીલ બ્રિજ બ્રહ્મપુત્રા નદી પર બાંધવામાં આવેલો 4.94 કિ.મી. લાંબો બ્રિજ છે. આ બ્રિજ પર નીચેના લેવલ પર ડબલ-ટ્રેક રેલવે રૂટ છે. જ્યારે ઉપરના લેવલ પર 3-લેનનો રોડ છે. બ્રહ્મપુત્રા નદીની સપાટીથી આ પૂલ 32 મીટર ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે.

બોગિબીલ બ્રિજ આસામના દિબ્રુગઢ અને ધેમાજી જિલ્લાઓને જોડે છે. ધેમાજી જિલ્લો અરૂણાચલ પ્રદેશ રાજ્ય સાથે સરહદ પર બનાવે છે. આ બ્રિજનું આયુષ્ય 120 વર્ષનું છે.

આ બ્રિજની વિશેષતા એ છે કે આસામ અને અરૂણાચલ પ્રદેશ રાજ્યો વચ્ચેનું અંતર 500 કિ.મી. જેટલું ઓછું કરી દેશે. આસામમાંથી અરૂણચાલ પ્રદેશ પહોંચવામાં હવે 10 કલાક જેટલો સમય બચશે.

આ બ્રિજ એ રીતે વિશેષ છે કે તેની પર લોઅર ડેક પર બે-લાઈનના રેલવે પાટાઓ છે જ્યારે અપર ડેક પર ત્રણ-લેનનો રોડ છે. આમ, એક જ બ્રિજ પર ટ્રેન અને વાહનો એક સાથે દોડે છે.

આ બ્રિજને આજે રાષ્ટ્રને અર્પણ કરીને વડા પ્રધાન મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીનું સપનું સાકાર કર્યું છે. સંયોગવસાત્ આજે વાજપેયીની જન્મજયંતી છે. વાજપેયીએ 2002માં આ બ્રિજનું બાંધકામ શરૂ કરાવ્યું હતું.

આ બ્રિજ સ્વીડન અને ડેન્માર્ક દેશોને જોડતા વિશાળ-વિરાટ પૂલની ડિઝાઈન પ્રમાણેનો છે.

બોગિબીલ બ્રિજ બનાવવા માટે યુરોપીયન ટેક્નોલોજીકલ ધારાધોરણ અપનાવવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે વેલ્ડેડ બ્રિજ છે.

આ બ્રિજ અંદાજે રૂ. 5,900 કરોડની કિંમતે બાંધવામાં આવ્યો છે.

1997ની 22 જાન્યુઆરીએ તે વખતના વડા પ્રધાન એચ.ડી. દેવગોવડાએ પૂલનો શિલાન્યાસ કર્યો હતો. પરંતુ તેની પરનું બાંધકામ છેક 2002ની 21 એપ્રિલે વાજપેયીની સરકારે શરૂ કરાવ્યું હતું.

આ બ્રિજ બાંધવા માટે સિમેન્ટની 30 લાખ ગુણીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલી ગુણીઓની સિમેન્ટથી ઓલિમ્પિક સાઈઝના 41 સ્વિમિંગ પૂલ બંધાય. તદુપરાંત આ બ્રિજ માટે 77,000 મેટ્રિક ટન લોખંડ (સ્ટીલ) વાપરવામાં આવ્યું છે.

આ બ્રિજ બનવાથી આસામના દિબ્રુગઢ અને ધેમાજી જિલ્લાઓના રહેવાસીઓ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના આંજો, ચાંગલાંગ, લોહિત, લોઅર દિબાંગ વેલી, દિબાંગ વેલી અને તિરાપ જેવા જિલ્લાઓનાં રહેવાસીઓને પણ ઘણી મદદ મળશે.

આસામ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે આવવા-જવામાં લોકોને જે 15-20 કલાકનો સમય લાગતો હતો તે હવે માત્ર સાડા પાંચ કલાક જેટલો જ લાગશે. અગાઉ લોકોને અનેક ટ્રેનો બદલવી પડતી હતી, પણ હવે એમને ઘણી રાહત થશે.

આ બ્રિજ બંધાવાથી ભારતીય સૈન્યને પણ ઘણી રાહત થશે. ચીન સાથેની સરહદ પર ફરજ બજાવતા દેશના સૈનિકો માટે સાધન, સામગ્રી તથા માલસામાન હવે ઝડપથી પહોંચાડી શકાશે.

વડા પ્રધાને આ જ બ્રિજ પરથી તિનસુકિયા-નાહરલગુન ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસોએ દોડશે.

પૂલનું ઉદઘાટન કર્યા બાદ વડા પ્રધાન મોદી પગપાળા ચાલીને અને કારમાં બેસીને પણ પૂલનું નિરીક્ષણ કર્યું હતું. નીચેના ડેક પર ઉભેલી તિનસુકિયા-નાહરલગુન ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થયેલા મુસાફરો તથા અન્ય લોકો તરફ હાથ હલાવીને એમનું અભિવાદન પણ કર્યું હતું.

આ પૂલ બંધાવાથી લોકોને રોડ તેમજ રેલવે, એમ બંને માર્ગે ઘણી રાહત થશે, કારણ કે દિબ્રુગઢમાં મુખ્ય હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને એરપોર્ટ આવેલા છે. આ પૂલ બંધાવાથી અરૂણાચલ પ્રદેશના પાટનગર ઈટાનગરમાંથી લોકોને ઘણી રાહત થશે. અરૂણાચલ પ્રદેશના નાહરલગુનથી દિબ્રુગઢ હવે માત્ર 15 કિ.મી. દૂર થઈ જશે.

બ્રહ્મપુત્રા નદી પરનો આ પૂલ 42 થાંભલાઓ પર ટકાવેલો છે. આ થાંભલાઓને નદીની અંદર 62 મીટર ઊંડે સુધી મજબૂત રીતે બેસાડવામાં આવ્યા છે. આ પૂલ 8ની તીવ્રતાના ભૂકંપને પણ ખમી શકવાની ક્ષમતા ધરાવે છે.







































The Prime Minister, Shri Narendra Modi being received by the dignitaries on his arrival, at Dibrugarh, Assam on December 25, 2018.