1 ઓક્ટોબરથી અમલમાં આ નિયમ, જાણવા જરુરી છે

ક્ટોબર મહિનો દેશભરમાં કેટલાક મહત્ત્વના નવા નિયમોનો અમલ લઇને આવ્યો છે. આમ તો આપણા દેશમાં નિયમોની કંઇ કમી છે એવું નથી પણ નિયમ છે એટલે પ્રભાવ પાડનાર હોય એટલે તેનું અજ્ઞાન ક્યાંક મોટી ઉપાધિમાં ન મૂકે તે માટે સાવચેત તો રહેવું જ પડે, આફ્ટરઓલ માહિતીના આ યુગમાં ધ્યાન રાખવું પડે. એની વે તો જાણો આ નિયમો, જે તમારી રુટિન લાઇફને અસર કરશે…

બેન્કઃ

સ્ટેટ બેંક સાથેના આર્થિક વ્યવહારનો કપાતો ચાર્જ સરકાર માટે મોટી કમાણીનું સાધન છે. એસબીઆઈનું મિનિમમ બેલેન્સ પાંચ હજાર રુપિયા કરાયું હતું તેનો ખૂબ વિરોધ થયાં પછી પહેલી ઓક્ટોબરથી તેનો નવો નિયમ અમલમાં આવે છે. રાહતરુપ આ ફેરફારમાં હવે એસબીઆઈ ખાતાંમાં પાંચ હજારને બદલે ત્રણ હજાર રુપિયાનું બેલેન્સ રાખી શકાશે. એસબીઆઈ મેટ્રો સેન્ટર્સમાં આ નિયમ અમલમાં આશે. સાથે જ મિનિમમ બેલેન્સ ચાર્જમાં પણ 20થી 50 ટકાનો ઘટાડો થયો છે. બેન્ક સગીર, પેન્શનર,સબસિડી માટેના ખાતાંઓ પર મિનિમમ બેલેન્સનો ચાર્જ પણ વસૂલ નહીં કરે તે નિયમ પણ અમલમાં આવ્યો છે.

એમઆરપી

ચીજવસ્તુ પર લખાતી મહત્ત્મ કીમતને લઇને નવો નિયમ આવ્યો છે. પહેલી ઓક્ટોબરથી નવી એમઆરપી સાથેનો માલસામાન વેચાશે.. સરકારે જુલાઇ મહિનામાં જીએસટી લાગુ પાડ્યો ત્યારે છૂટ આપી હતી કે જૂના માલસામાન પર નવી એમઆરપીના સ્ટીકર લગાવી 30 સપ્ટેમ્બર સુધી માલસામાન વેચી શકાશે. પણ હવે જો વેપારીઓ આમ કરશે તો નિયમભંગનો સામનો કરવો પડશે. 30 સપ્ટેમ્બરે મુદત પૂરી થઇ ગઇ છે તે યાદ રાખજો અને માલસામાન પર નવી એમઆરપી સ્ટિકર હોય તે જોજો.

આ બેન્કનો ચેક સ્વીકારાશે નહીં

પહેલી ઓક્ટોબરથી એસબીઆઈ અને તેની પૂર્વ સહયોગી બેન્કો અને ભારતીય મહિલા બેન્કના તમામ ગ્રાહકો માટે નવો નિયમ આવ્યો છે. જેમાં તેઓ નવા ચેક માટે અરજી કરી દે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.એસબીઆઈમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્કનો વિલય થઇ ગયો છે તેથી આ બેન્કોના ચેક હવે સ્વીકારાશે નહીં.

ખાતું બંધ કરાવવું થોડું સરળ

એકાઉન્ટ બંધ કરાવવા માટે પહેલી ઓક્ટોબરથી એસબીઆઈ કોઇ ચાર્જ લેશે નહીં. એસબીઆઇ ખાતાંધારક પોતાના ખાતાં બંધ કરવા કે સેટલ કરવા ઇચ્છે તો બેંક રકમ નહીં વસૂલે. જોકે તેના જો-ને-તો પણ જાણી લો. ખાતાધારક એકાઉન્ટ ખોલ્યાંના એક વર્ષ બાદ ખાતું બંધ કરશે તો ચાર્જ નહીં લાગે. ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં પણ ખાતું બંધ કરાવવા ચાર્જવસૂલી નહીં થાય. પરંતુ ખાતું ખોલાવ્યાંના 14 દિવસ પછી કે એક વર્ષ પહેલાં ખાતું બંધ કરાવે તો 500 રુપિયા ઉપરાંત જીએસટી પણ ચૂકવવો પડશે.

ટોલ ટેક્સની લાઇનથી બચશો…

ટોલ ટેક્સની લાંબી લાઇનમાં રહેવાનો કંટાળો હવે દૂર થઇ શકશે. પહેલી ઓક્ટોબરથી અમલમાં આવી રહેલા નિયમ પ્રમાણે નેશનલ હાઇવેના ટોલ ટેક્સ પ્લાઝા પર ફાસ્ટ ટેગ લાગેલાં વાહન રોકાયાં વિના પસાર થઇ શકશે. હાઇવે ઓથોરિટીએ જણાવ્યું છે કે તમામ ટોલ પ્લાઝા પર ડેડિકેટેડ ફાસ્ટ ટેગ લાઇન તૈયાર થઇ ગઇ છે અને તેના પર ઓપરેટ પણ થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે ગઇ સાલ ફાસ્ટ ટેગ લોન્ચિંગ કર્યું હતું. આ ટેગ વાહનના કાચ પર લગાવાશે અને ટોલ પ્લાઝા પરની ડિવાઇસ તે વાંચી લેશે અને ગાડી જઇ શકશે. ફાસ્ટ ટેગને સરળતાથી રીચાર્જ કરાવી શકાશે અને ઓનલાઇન રીચાર્જ પણ થઇ શકશે.

તો, આ રીતે નવા નિયમ અમલમાં આવ્યાં છે તે સાથે જ કરોડો નાગરિકો બેન્કિંગ, જીએસટી અને ટોલ ટેક્સની નવી પદ્ધતિમાં પહેલી તારીખથી જોડાઇ જશે.