વોટ્સએપ પર હવે ઉપલબ્ધ ‘લાઈવ લોકેશન’ સુવિધા…

ફેસબુકની માલિકીની મેસેજિંગ સર્વિસ વોટ્સએપ તેના યૂઝર્સ માટે એક નવી સુવિધા લાવી છે. આનું નામ છે – ‘લાઈવ લોકેશન’. આ નવું ‘લાઈવ લોકેશન’ શેરિંગ ફીચર એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સ માટે આજથી શરૂ કરાયું છે. થોડાક જ દિવસોમાં એ વિશ્વસ્તરે ઉપલબ્ધ થશે.

આ નવા ફીચરની મદદથી યૂઝર કોઈને પણ પોતાનું લાઈવ લોકેશન મોકલી શકે છે, શેર કરી શકે છે. આ ફીચર યૂઝરના લોકેશન વિશે એના પસંદગીના કોન્ટેક્ટને જાણ કરતું રહેશે.

યૂઝર્સ હવે એમના કોઈ વ્યક્તિગત કોન્ટેક્ટ કે ગ્રુપના સભ્યોને દર્શાવી શકે છે કે પોતે આ સમયે ક્યાં છે. યૂઝર ૧૫ મિનિટ કે એક કલાક કે ૮ કલાકના સમયને પ્રીસેટ કરીને રીયલ-ટાઈમ રીતે પોતાની મૂવમેન્ટ કે લોકેશનને ટ્રેક કરવાની પોતાના કોન્ટેક્ટ/ગ્રુપને પરવાનગી આપી શકે છે.

હાલના ‘શેર લોકેશન’ ઓપ્શન કરતાં આ ‘લાઈવ લોકેશન’ ફીચર જુદું છે. ‘શેર લોકેશન’માં માત્ર સ્ટેટિક લોકેશન્સ જ દર્શાવી શકાય છે. એમાં લાઈવ અપડેટની સુવિધા નથી.

વોટ્સએપ પર આ નવું ફીચર નવા અપડેટ સાથે આપવામાં આવશે.

આવનારા દિવસોમાં આ ફીચર તમામ મોબાઈલ ફોનને મળતું થઈ જશે.

ગ્રુપ અથવા ચેટમાં શેર કરો તમારું લાઈવ લોકેશન

વોટ્સએપના પ્રોડક્ટ મેનેજર ઝફીર ખાનનું કહેવું છે કે અમે આ લાઈવ લોકેશન ફીચર છેલ્લા અમુક મહિનાઓમાં ડેવલપ કર્યું છે. આ ખૂબ જ ઉપયોગી છે. યૂઝર જ્યાં પણ પ્રવાસ કરતા હોય તે સ્થળ વિશે એના કોન્ટેક્ટ કે ગ્રુપને વાકેફ કરી શકે છે. યૂઝર પોતાના સ્વજનને આની મદદથી બતાવી શકશે કે પોતે સુરક્ષિત છે.

તેમ છતાં આ ફીચર થોડોક સમય પૂરતું જ કામ કરશે. ત્યારબાદ જો તમે ફરીથી લાઈવ લોકેશન બતાવવા ઈચ્છશો તો તમારે ફરીથી લોકેશન શેર કરવાનું રહેશે.

લાઈવ લોકેશન ફીચર ચેટ કરતી વખતે અથવા ચેટમાં સંકળાયેલાઓને તમારું લોકેશન શેર કરવાની એક રીતે છે. તમારું રીયલ-ટાઈમ લોકેશન એક નકશા ઉપર અપડેટ થતું રહેશે.

એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રીપ્ટેડ ફીચર

આ ફીચર યૂઝરને એવી સુવિધા આપે છે કે જેનાથી એ કોઈને પણ, અમુક સમય સુધી લાઈવ લોકેશન શેર કરી શકે છે. યૂઝર ગમે તે સમયે પોતાનું લાઈવ લોકેશન બંધ પણ કરી શકે છે. આને માટે ટાઈમરનો પણ વિકલ્પ છે. જેથી યૂઝર નક્કી કરી શકે છે કે કઈ વ્યક્તિ કેટલી વાર સુધી પોતાનું લોકેશન જાણી શકે છે.

વન-ટુ-વન કન્વર્ઝેશન અથવા ગ્રુપ ચેટમાં શેર લોકેશન

યૂઝર લાઈવ લોકેશનને શેર કરે એ પછી એ રીસીવ કરનાર વ્યક્તિ કે ગ્રુપના સભ્યો કાર્ડ-ટાઈપનું નોટિફિકેશન જોઈ શકશે જેમાં ‘વ્યૂ લોકેશન’ વિકલ્પ હશે. સેન્ડર ‘સ્ટોપ શેરિંગ’ બટન પણ જોઈ શકશે જેથી એ પૂર્વનિર્ધારિત સમયગાળો પૂરો થાય એ પહેલાં પણ ગમે ત્યારે લાઈવ લોકેશન ઓપ્શન બંધ કરી શકશે.

અન્ય ઘણા આ ફીચર આપે છે

વોટ્સએપ પૂર્વે આ પ્રકારનું ફીચર અનેક ઈન્ટરનેટ કંપનીઓ અને મોબાઈલ એપ્સ શરૂ કરી ચૂકી છે. એને તેઓ સોશિયલ લોકેશન શેરિંગ ફીચર કહે છે.

ફેસબુક મેસેન્જર, ટેલીગ્રામ અને એપલના આઈ-મેસેજમાં પણ યૂજર રીયલ-ટાઈમ રીતે લાઈવ લોકેશન શેર કરી શકે છે.

આ રીતે કામ કરે છે લાઈવ લોકેશન

આ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા વોટ્સએપ ચેટમાં જવાનું. તમે જેને લાઈવ લોકેશન મોકલવા માગો છો એનું ચેટ ઓપન કરવાનું. ત્યારબાદ જ્યાં ટેક્સ્ટ ટાઈપ કરવામાં આવે છે એ બોક્સમાં જમણી તરફ દેખાતા Attach આઈકોન પર ક્લિક કરવાનું. લોકેશન શેર કરતા પહેલા ટાઈમર સેટ કરવાનું ઓપ્શન આવશે. એમાં તમે ૧૫ મિનિટ, ૧ કલાક અને ૮ કલાકમાંથી કોઈ ઓપ્શન પસંદ કરી શકો છો. ત્યારબાદ તમે નક્કી કરી શકો છો કે કોણ ક્યાં સુધી તમારું લોકેશન જાણી શકે છે.