રિમૉટની પણ થશે છૂટ્ટી, બોલીને બદલાશે ચૅનલો

લાગે છે કે ટૅક્નૉલૉજી માણસને સાવ આળસુ બનાવી દેશે. પહેલાં ટૅક્નૉલૉજીના કારણે માણસનું ઊઠવા બેસવાનું ઓછું થઈ ગયું. (અને એટલે માણસે જિમ જવાનો વારો આવ્યો,સાઇકલિંગ કરવાનો વારો આવ્યો.) પરંતુ હવે ટૅક્નૉલૉજીએ એવી પ્રગતિ સાધી છે કે બેઠાંબેઠાં કે સૂતાંસૂતાં હાથ પણ હલાવવાના નહીં આવે. અવાજ જ બધું કામ કરશે.

ઉદાહરણ સાથે વાત કરીએ. ટેલિવિઝનની શોધ થયા પછી આપણને ૩૦થી વધુ વયની વ્યક્તિઓને ખ્યાલ છે કે પહેલાં માત્ર દૂરદર્શન જ આવતું હતું. ટીવી સૅટ પણ એવા આવતા હતા કે તેમાં ચક્કરડું આવતું. અને બહુ બહુ તો સાતેક ચૅનલો જોઈ શકાતી. ધીમેધીમે ઝી ટીવી, સ્ટાર ટીવી (સ્ટાર પ્લસ તો પછી આવ્યું) આવવા લાગ્યા. સ્થાનિક કેબલવાળાની ચૅનલ શરૂ થઈ. ટીવી સૅટ પણ બદલાયા. ટીવી સાથે રિમૉટ કંટ્રૉલ આવવા લાગ્યાં.

હવે તમારે ઊભા થઈને પેલું ચક્કરડું ફેરવવાની જરૂર નહોતી. રિમૉટથી સોફા પરથી કે સેટી પરથી તમે ચૅનલ બદલી શકતા હતા. તે પછી ડિજિટલ ટેલિવિઝન આવ્યું એટલે સૅટ ટૉપ બૉક્સ લેવું પડ્યું. તેનું વળી પાછું રિમૉટ અલગ. જોકે કેટલાક સેવા પ્રદાતાઓએ ટીવી અને સૅટ ટૉપ બૉક્સ બંને માટે એક જ રિમૉટ રાખ્યાં છે.

પરંતુ રિમૉટમાં સેલ ખાલી થઈ જાય, તે બગડી જાય એટલે સૅટ ટૉપ બૉક્સ પાસે પૈસા દઈને નવું રિમૉટ મગાવવું પડે. આ બધી ઉપાધિ પણ આવી.

આનો ઉપાય એમેઝૉને શોધી કાઢ્યો છે. તમારે રિમૉટની ઝંઝટ જ નહીં. આ ઉપાય છે ફાયર ટીવી ક્યૂબ! જે રીતે ફાયર ટીવી સ્ટિક કામ કરે છે તેવી જ રીતે ફાયર ટીવી કયૂબ પણ કામ કરે છે.

તમે ૪કે રિઝૉલ્યૂશનમાં તમારા સેવા પ્રદાતા જે પણ ચૅનલો દર્શાવતા હોય તે તમે જોઈ શકો છો. તમારે કરવાનું એટલું જ કે તમારા કેબલ બૉક્સ સાથે ફાયર ક્યૂબને લિંક કરી દેવાનું. હવે તમે બોલીને તમારે જે ચૅનલ જોવી હોય તે જોઈ શકો છો!

જોકે તેમાં એક લટકણિયું અનિવાર્ય છે અને તે એ કે એમેઝૉનનું ઍલેક્સા તમારી પાસે હોવું જરૂરી છે. આ ઍલેક્સા તમારો અવાજ સાંભળવાનું કામ કરી તમારા માટે ચૅનલોમાંથી તમે જે ચૅનલ કહેશો તે શોધી કાઢશેતમે તમારી નિયમિત જોવાની ટેવો ઉમેરી શકો છો. દા.ત. કોઈને ટીવી જોતી વખતે બલ્બ કે ટ્યૂબલાઇટનો પ્રકાશ ઓછો જોઈએ. ટીવી બંધ હોય તો તે ચાલુ કરવું. તમે છેલ્લે જે ફિલ્મ કે સિરિયલ જોતા હો તે ફરીથી ચાલુ કરવી., આ બધું કર્યા પછી જ્યારે પણ તમે અવાજથી આદેશ (વૉઇસ કમાન્ડ) આપશો ત્યારે ઍલેક્સા તમારી ઈચ્છા મુજબ, બલ્બ કે ટ્યૂબલાઇટનો પ્રકાશ ઓછો કરશે, ટીવી ચાલુ કરે અને તમે જે છેલ્લી સિરિયલ કે ફિલ્મ જોતા હો તે તમે આગળ જોઈ શકો છો.

ઍલેક્સા પારરક્ત (ઇન્ફ્રારેડ) તરંગોનો ઉપયોગ કરીને તમારી સંપૂર્ણ હૉમ થિયેટર સિસ્ટમને નિયંત્રિત કરી શકે છે. જોકે તેમાં બ્લુ રૅ પ્લેયર કે ગેમ કૉન્સૉલનો સમાવેશ નથી થતો. એમઝૉનના ફાયર ટીવી ક્યૂબની સાથે આઈઆર ઍક્સટેન્ડર પણ આવે છે.

આમ, જેમને હાથથી રિમૉટ ઑપરેટ કરવામાં પણ કંટાળો આવે છે તેમના માટે આ પ્રકારનાં સાધનો ઉપયોગી નીવડી શકે છે. જોકે તાજેતરમાં ઍલેક્સાએ ભૂલથી એક દંપતીની અંગત વાતચીત તેમના કોઈ પરિચિતને મોકલી દીધી હતી. આથી આ પ્રકારનાં સાધનોથી તમારી અંગતતા (પ્રાઇવસી) જોખમાઈ પણ શકે છે. પસંદગી તમારી!