૨૦૧૮થી ભારતમાં પણ સહેલાઈથી કરી શકાશે ડ્રોનનો ઉપયોગ

ભારત સરકાર ડ્રોનના ઉપયોગ અંગે નિયમો ઘડવાની તૈયારીમાં છે. ડ્રોનનો ધંધાકીય હેતુઓ સર ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે પણ નિયમો ઘડાશે.

 

કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે ડ્રોન અંગેના નિયમો આવતા ડિસેમ્બરના અંત સુધીમાં ઘડી કાઢવામાં આવશે.

આમ, વિદેશોની જેમ ટૂંક સમયમાં ભારતમાં પણ સામાન્ય નાગરિકો ડ્રોનનો ઉપયોગ કરી શકશે.

ડ્રોન એટલે માનવરહિત એરિયલ સિસ્ટમ (યૂએએસ). આ ડ્રોન ઉડાડવા માટે ખાસ ઓળખ નંબર (યૂઆઈડી) હોવો ફરજિયાત હશે.

કોણ ઘડશે ડ્રોન અંગેના નિયમો?

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા આ નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને પોતાની વેબસાઈટ પર મૂકીને એણે જાહેર જનતા તરફથી મંતવ્યો પણ મગાવ્યા છે.

સૂચિત નિયમો હેઠળ, રેગ્યૂલેટર એજન્સીએ ડ્રોન માટે પાંચ કેટેગરી નક્કી કરી છે. દરેક કેટેગરી એમના વજન પર આધારિત છે.

નેનો ડ્રોન એટલે એવા ડ્રોન જેનું વજન ૨૫૦ ગ્રામથી ઓછું હોય અને જે જમીનથી ૫૦ ફૂટ જેટલી જ ઉંચાઈએ ઉડી શકે. આવા ડ્રોનને ઉડાડવા માટે કોઈ પ્રકારની પરવાનગીની જરૂર નહીં પડે.

૨૫૦ ગ્રામથી વધુ વજનના અને બે કિલોગ્રામ વજન સુધીના તેમજ જમીનથી ૨૦૦ ફૂટ ઊંચાઈ સુધી ઉડી શકે એવા ડ્રોન માટે સ્થાનિક પોલીસની પરવાનગી લેવી પડશે. બે કિલોગ્રામથી વધારે વજનવાળા ડ્રોન ઉડાડવા માટે પરવાનગી માટે પોલીસને અરજી કરવાની રહેશે અને લાઈસન્સ તથા ફ્લાઈટ પ્લાન મેળવવા પડશે.

દિલ્હીમાં ઈન્ડિયા ગેટ, આંતરરાષ્ટ્રીય સરહદો સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં વ્યૂહાત્મક સ્થાનોથી ૫૦૦ મીટર અંદરના વિસ્તારમાં ડ્રોન ઉડાડી નહીં શકાય. એવી જ રીતે, કોઈ મોબાઈલ (હરતાફરતા) પ્લેટફોર્મ્સ, જેવા કે મોટરકાર, જહાજ કે વિમાનમાંથી પણ ડ્રોન ઉડાડી નહીં શકાય. રાષ્ટ્રીય ઉદ્યાનો તથા વાઈલ્ડલાઈફ અભ્યારણ્યો જેવા પર્યાવરણીય વિભાગો ઉપરથી પણ ડ્રોન ઉડાડી નહીં શકાય.

સરકારી એજન્સીઓ એમની પોતાની માર્ગદર્શિકાઓ અનુસાર ડ્રોન ઉડાડી શકશે અને એમને આ નિયમોમાં સામેલ કરવામાં નહીં આવે.

કેન્દ્ર સરકાર આવતી ૩૧ ડિસેમ્બર સુધીમાં નિયમોને અમલમાં મૂકી દેશે એવી ધારણા છે.

વ્યાપારી હેતુઓ માટે પણ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે, પણ એ વિશેના નિયમો કેવી રીતે લાગુ કરાશે એ હજી સ્પષ્ટ થયું નથી.

અમેરિકામાં એમેઝોન જેવી કંપનીઓ ડ્રોનની મદદથી પેકેટ્સ એમના ગ્રાહકોને ડિલીવર કરે છે.

ભારતમાં, ઈ-કોમર્સ ડિલીવરી કંપનીઓ પ્રત્યેક ડિલીવરી માટે ડિલીવરી છોકરાઓને આશરે રૂ. 15 ચૂકવે છે. આ રીતે દેશભરમાં હજારો લોકોને નોકરી મળી છે.

કેન્દ્ર સરકારને આશા છે કે નિયમો દ્વારા લોકોને ડ્રોનનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાશે.

નાગરિકો કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ડ્રોન ઉડાડે તેની પર ડીજીસીએ એજન્સીએ ૨૦૧૪ના ઓક્ટોબરમાં પ્રતિબંધ મૂક્યો હતો.