‘બોલો અને ટાઇપ કરો’: ગૂગલની અદભૂત ઍપ

મે કોઈ મોટી વ્યક્તિ જેવી કે કોઈ પ્રધાન કે કોઈ કૉર્પોરેટ કંપનીના અધિકારીને મળ્યા હશોતો તમે તેમની સાથે તેમના સેક્રેટરીને જોયા હશે જે તે મોટી વ્યક્તિ બોલે તેમ લખતી જતી હોય. તેને અંગ્રેજીમાં ડિક્ટેશન કહે છે. તેઓ જે બોલે તે લખી નાખવાનું અને આમાં ઝડપ જરૂરી હોય છે. ચોકસાઈ પણ જરૂરી હોય છે. બુદ્ધિનો ઉપયોગ પણ કરવો પડે કારણકે તેમાં અલગઅલગ ભાષાના શબ્દો આવી શકે છે. સ્ટેનોગ્રાફરનું કામ પણ આવું જ હોય છે. સ્ટેનોગ્રાફ એક એવી કલા છે જેમાં ઝડપથી ઝાઝું લખાણ ટૂંકમાં લખી શકાય છે. તમને એમ થાય કે કમ્પ્યુટરમાં કે મોબાઇલમાં લખવું હોય કે ટાઇપ કરવું હોય તો આવી કોઈ વ્યક્તિ આપણી પાસે હોય તો કેવું સારું! પરંતુ આવી વ્યક્તિને રાખીએ તો તેને પગાર પણ આપવો પડે, ખરું ને.આજકાલ ટૅક્નૉલૉજીનો જમાનો છે અને ટેક્નૉલૉજીના જમાનામાં વધુને વધુ સુવિધાઓ આપણને મળતી જાય છે અને તેમાં પણ ખાસ કરીને મોબાઇલ અને મોબાઈલમાં પણ ખાસ કરીને સ્માર્ટ ફોન આવ્યા પછી તેમાં એક પછી એક એવી એપ બની રહી છે કે જે આપણી સુવિધાઓ વધારે આવી જ એક ઍપ છે-જીબૉર્ડ.

આમતો પ્લેસ્ટૉરમાં ઘણી બધી એપ્લિકેશન તમને મળી જશે જેમાં તમે બોલો અને ટાઈપ થઇ જાય પરંતુ એ બધી જ ઍપમાં એટલી ચોકસાઇ નથી જેટલી જીબૉર્ડમાં છે. જીબૉર્ડ નામ પરથી જ ખ્યાલ આવી જાય કે તે ગૂગલની ઍપ હશે અને તમારુ અનુમાન સાચું છે જીબૉર્ડ ગૂગલની જ ઍપ છે.

ગૂગલ સર્ચ એન્જિનમાં તમે બોલીને ટાઇપ થવાની સુવિધા જોઈ હશે. સર્ચબારમાં જમણી બાજુ માઇક છે જે એક્ટિવ કરો એટલે તમે બોલીને સર્ચ કરી શકો છો. આનો જ લાભ હવે ગૂગલના આ કીબૉર્ડ દ્વારા આપણને મળી રહ્યો છે. જીબૉર્ડ ઇન્સ્ટૉલ કરવા માટે પહેલાં પ્લેસ્ટૉરમાં જઈ આ ઍપ શોધો. તે ઇન્સ્ટૉલ કરવા માટે કેટલીક અનુમતિઓ માગશે. તે પહેલાં વાંચી લો, સમજી લો અને જાણી લો. તમારા જોખમે તેના માટે તમે હા પાડો (ઑકે કરો).

ઇન્સ્ટૉલ કર્યા પછી તમારે તમારા ફૉનના લેંગ્વેજ એન્ડ ઇનપૂટ નામના સેટિંગના વિકલ્પમાં જવાનું રહેશે. તેમાં જીબૉર્ડને જ તમારા મનપસંદ (ડિફૉલ્ટ) કીબૉર્ડ તરીકે પસંદ કરવાનું રહેશે. તેમ કર્યા પછી જીબૉર્ડ ઍપ ખોલો. તેમાં લેંગ્વેજના વિકલ્પમાં જાવ. તેમાં સિસ્ટમ લેંગ્વેજ હોય તો તે ટિકનું નિશાન દૂર કરો એટલે નીચે વિકલ્પો ખુલશે. તેમાં અલગ-અલગ ભાષાઓ દેખાશે. તેમાંથી તમારી મનપસંદ ભાષાઓ, ઇંગ્લિશ (ઇન્ડિયા), ગુજરાતી અને હિન્દી ઉમેરો કારણકે ગુજરાતી વપરાશકાર મોટા ભાગે આ ત્રણ ભાષા જ ટાઇપ કરવાનું પસંદ કરશે.

આટલું કર્યા પછી હવે તમે બોલીને ટાઇપ કરી શકશો. તમારે વૉટ્સએપમાં ટાઇપ કરવું હોય કે ફેસબુકમાં, કે પછી નૉટની કોઈ ઍપ જેવી કે કલરનૉટમાં લેખ લખવો છે તો તે ઍપ ખોલો. હવે તમે જીબૉર્ડમાં કઈ ભાષામાં ટાઇપ કરવું છે તે પસંદ કરો. ગુજરાતીમાં લખવા ગુજરાતીનો વિકલ્પ પસંદ કરો. આટલું કર્યા પછી માઇકનો વિકલ્પ જમણી બાજુએ દેખાશે. તેના પર સ્પર્શ કરો.

હવે તમારા મોબાઇલનું માઇક ચાલુ થઈ જશે. તમે બોલવા લાગો અને તમારી નજર સામે તમારા સેક્રેટરી સમું જીબૉર્ડ ટાઇપ કરતું જશે. તમારી જેટલી પણ સ્પીડ હોય તેટલી સ્પીડથી તમે બોલી શકો છો અને જીબૉર્ડ ટાઇપ કરતું જશે. પરંતુ આમાં તકલીફ એ છે કે તે પૂર્ણવિરામ, અલ્પવિરામ, સેમીકૉલન, કૉલન, અવતરણચિહ્ન, વગેરે નહીં ટાઇપ કરે. ફકરા પાડવા હશે તો તે પણ નહીં પાડે. આ તમારે જાતે જ કરવું પડશે. પરંતુ જેટલી ઝડપથી જીબૉર્ડ ટાઇપ કરી આપે છે તે જોતાં આટલા ફેરફાર કરવામાં બહુ વાર ન લાગે અને સરવાળે તમારો સમય બચી જાય છે અને તમારા હાથ-આંગળા અને ખભાનો દુઃખાવો પણ થતો નથી. જે લોકો પત્રકાર હોય કે પછી સાહિત્યકાર અથવા તો સૉશિયલ મિડિયા પર એક્ટિવ હોય તેમના માટે આ સારું છે.

પરંતુ માનો કે તમારે કમ્પ્યૂટરમાં આ રીતે બોલીને ટાઇપ કરવું હોય તો? તેની વાત આવતા ગુરુવારે.