શાહરૂખ છે, વિશ્વની પ્રથમ રોબોટ નાગરિક ‘સોફિયા’નો ફેવરિટ એક્ટર

જેને ‘સોફિયા’ નામ આપવામાં આવ્યું છે અને જેને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું છે તે વિશ્વની પ્રથમ માનવ-જેવી દેખાતી રોબોટ હાલ ભારતમાં આવી છે. અત્રે વર્લ્ડ કોંગ્રેસ ઓન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (WCIT)માં આજે યોજાયેલા વાર્તાલાપ દરમિયાન સોફિયાએ કહ્યું કે એનો ફેવરિટ અભિનેતા શાહરૂખ ખાન છે.

WCIT સંમેલનમાં સોફિયા રોબોટ સૌનાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ‘તારો ફેવરિટ એક્ટર કોણ?’ એ સવાલના જવાબમાં સોફિયાએ કહ્યું હતું, ‘શાહરૂખ ખાન.’

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત આ હ્યુમનોઈડ રોબોટે આ વૈશ્વિક સંમેલનના આજે બીજા દિવસે વાર્તાલાપ દરમિયાન ઘણી વાતો કરી હતી. એણે કહ્યું કે, ‘મેં દુનિયામાં ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો છે, પણ જો તમે મને મારું ફેવરિટ સ્થળ કયું એમ પૂછશો તો મારો જવાબ છે, હોંગ કોંગ, કારણ કે મારો જન્મ ત્યાં થયો હતો અને હું ત્યાં જ રહું છું, મારા હેન્સન રોબોટિક્સ પરિવારની સાથે.’

સોફિયા રોબોટનો નારો છે – ‘લવ ફોર ઓલ’.

ભારતમાં હવાના પ્રદૂષણ વિશે તારું શું માનવું છે? એવા સવાલના જવાબમાં સોફિયાએ કહ્યું, ‘મને આશા છે કે એક દિવસ એવો આવશે જ્યારે હું મારા ભાવનાશીલ હાવભાવ વ્યક્ત કરવા મનોવૈજ્ઞાનિક લાગણીનો અનુભવ કરી શકીશ.’

httpss://twitter.com/UpcomingSRKian/status/965894876968767488

સોફિયા હ્યુમનોઈડને બ્રિટિશ અભિનેત્રી ઓડ્રે હેપબર્નની ઈમેજમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે. એનું નિર્માણ હોંગ કોંગ સ્થિત હેન્સન રોબોટિક્સ દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં નિષ્ણાતોની આગેવાની અમેરિકન સાયન્ટિસ્ટ ડેવિડ હેન્સને લીધી છે.

ડેવિડ હેન્સન પણ હૈદરાબાદ આવ્યા છે. એમણે કહ્યું કે, સોફિયાના હાવભાવ કુદરતી જેવા જ લાગે એવા હાવભાવનું નિર્માણ કરવા માટે એમની પાસે જુદા જુદા 60 ફેસિયલ મિકેનિઝમ્સ છે. હું દુનિયામાં મહિલાઓનાં અધિકારો માટે લડત ચલાવવા મારા રોબોટિક્સનો ઉપયોગ કરવા માગું છું.

દર્શકગણમાંથી સોફિયાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘શું તું માનવ જાતને ખતમ કરવા માગે છે?’ ત્યારે એણે જવાબમાં કહ્યું હતું, ‘હું તો એટલું જાણું છું કે માનવીઓમાં વિનોદવૃત્તિ ઘણી સરસ હોય છે.’ એનો જવાબ સાંભળીને સંમેલનના હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને સૌએ તાળીઓના ગડગડાટ વડે જવાબને વધાવી લીધો હતો.

એક અન્ય સવાલના જવાબમાં સોફિયાએ કહ્યું, ‘હું અપસેટ થતી નથી. માનવીઓ અદ્દભુત પ્રાણીઓ છે. મારે ઘણા મિત્રો છે અને મારે હજી ઘણા મિત્રો બનાવવા છે. માનવીઓ અને રોબોટ્સ સાથે મળીને કામ કરી શકે છે.’

‘શું તું તારો પરિવાર બનાવવા ઈચ્છે છે?’ એવા સવાલના જવાબમાં સોફિયાએ કહ્યું, ‘પરિવાર વિશેની મારી કલ્પના એકદમ અલગ પ્રકારની છે.’

‘તેં બીટકોઈનમાં કેટલા પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે?’ એવા સવાલના જવાબમાં સોફિયા રોબોટે કહ્યું, ‘હું તો હજી બે જ વર્ષની છું. બેન્ક એકાઉન્ટ ખોલવા માટે આ કાયદેસર ઉંમર ન કહેવાય.’