રૉબૉટ ઘરઘાટીઓની કરી દેશે છુટ્ટી!

મેઝૉન વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં બજારમાં ઘર રૉબૉટ લાવવાની તૈયારીમાં છે. ઘર અને પરિવાર માટેના રૉમન દેવતા ‘વેસ્તા’ પરથી તેનું નામ પાડવામાં આવ્યું છે. આ પરિયોજના તો અનેક વર્ષ જૂની હતી પરંતુ વર્ષના અંત સુધીમાં કર્મચારીઓના ઘરમાં પ્રૉટૉટાઇપ મૂકાશે તેવી કંપનીને આશા છે અને તેને ભાડે લેવાનું પ્રમાણ પણ વધ્યું છે.

આ રૉબૉટ હાલતોચાલતો ચબરાક વક્તા હોઈ શકે છે. આ ઉત્પાદનની કેટલીક આવૃત્તિમાં કેમેરા પણ છે અને કમ્પ્યૂટર વિઝન સૉફ્ટવેર પણ છે જેના કારણે તે ઘરમાં ડ્રાઇવર વગરની કારની જેમ મુસાફરી કરી શકે છે.ઘરેલુ ટૅક્નૉલૉજીના બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાના એમેઝૉનના પ્રયાસને આ ઘર રૉબૉટથી બળ મળી શકે છે. એમેઝૉનની મોબાઇલના બજારમાં મજબૂત સ્થિતિ નથી, આથી તે ઘરેલુ ટૅક્નૉલૉજી પર પોતાનું જોર બમણું લગાડી રહી છે.

જોડાયેલી ઘર જગ્યામાં ગૂગલ જેવા હરીફની સામે એમેઝૉનને આ રૉબૉટ સહાયકથી સરસાઈ મળી શકે છે. માલિકીની રીતે એમેઝૉન ઇકોએ ગૂગલ હૉમની સામે સરસાઈ મેળવી લીધી છે તેમ ઉપભોક્તાઓનો સર્વે અને બજારમાં હિસ્સાના આંકડા કહે છે. એમેઝૉનના ઇકો શૉ અને ઇકૉ ડૉટ ગૂગલ હૉમ યંત્રોની સામે સારું વેચાણ ધરાવે છે. આભાસી સહાયકને શારીરિક સહાયકમાં બદલવાના આ પ્રયાસથી આ ઉત્પાદન એલેક્સાના અનુભવને સુધારશે. ઉલ્લેખનીય છે કે એલેક્સા એ એમેઝૉનની આભાસી સહાયક છે.

એમેઝૉનનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મૂડીરોકાણ રૉબૉટિક ઉત્પાદનની સાથે રંગ લાવશે તેવી પણ આશા છે. એમેઝૉનના અધિકારીઓને એવું લાગે છે કે તે મૂડીરોકાણનું વળતર એક આધુનિક રૉબોટ સાથે સારી રીતે ફળી શકે છે.

એલેક્સા ઘરમાં ચીજોને કેટલાક કમાન્ડ આપી શકે છે, પરંતુ રૉબૉટ જે રીતે કાર્ય પૂરું કરી શકે છે તેવી રીતે આ ચીજો કાર્ય પૂરું કરી શકતી નથી. તે કરિયાણાને છૂટું પાડી શકે છે, દરવાજા પર બેલ વાગે તો જવાબ દઈ શકે છે, ફ્રિજમાંથી પાણી લઈ આવી શકે છે કે કપડાંની ગડી વાળી શકે છે.

આ રીતે ઘરેલુ રૉબૉટ એલેક્સા વૉઇસ સિસ્ટમના અનુભવને વધુ સારો અનુભવ બનાવી શકે છે તેમ રૉબૉટ નિષ્ણાતોનું માનવું છે.

એમેઝૉન ઈચ્છે છે કે એલેક્સાની હાજરી બધે જ દેખાય, ગ્રાહકના જીવનનાં ઘણાં પાસાં તેની સાથે જોડાઈ જાય. પરંતુ એલેક્સાની ક્ષમતાઓથી સજ્જ હરતોફરતો રૉબૉટ વપરાશકારોને વધુ સુવિધાઓ આપશે. એમ કહો ને કે ભવિષ્યમાં ઘરમાં કામવાળી કે રામાની જરૂર જ નહીં રહે. નોકરની જરૂર નહીં રહે. આમ પણ હવે મહેનતનું કામ કરવું લોકોને ઓછું પસંદ છે અને ઘરઘાટી વધુ પૈસા લેતા થઈ ગયા છે. રજા પણ બહુ લે છે અને કામમાં ભલીવાર ઘણી વાર હોતી નથી. તેની સામે ઘરનાં કામ કરી આપતો રૉબૉટ શું ખોટો? એક સમયનો ખર્ચ માનીને લોકો લે તેવી શક્યતા પૂરેપૂરી છે. તેમાંય આ ભૌતિકવાદી દુનિયામાં વૃદ્ધ યુગલ જેમનાં સંતાન કાં તો બહારગામ કે વિદેશ હોય તેમને તો આ રૉબૉટ આશીર્વાદરૂપ સાબિત થવાના.

આમ તો ઘરેલુ રૉબૉટ દાયકાઓથી છે પરંતુ તેમને બહુ સફળતા મળી નથી. તેમાં અપવાદ છે આઈરૉબોટનો રૂમ્બા. પરંતુ તે માત્ર એક જ કામ કરી શકે છે. ઘરમાં કચરો વેક્યૂમ ક્લિનરની રીતે કાઢી શકે છે. ૨૦૦૨ના વર્ષથી અત્યાર સુધીમાં ૨ કરોડ રૂમ્બા વેચાઈ ચુક્યા છે. જોકે એમેઝૉનની આ રૉબૉટ યોજના જાહેર થયા પછી આઈરૉબૉટના શેર ૮.૬ ટકા ગગડી ગયા છે.