ટૂંક સમયમાં તમારી કાર રૉબોટ પાર્ક કરી આપશે!

“આ પાર્કિંગની રામાયણ તો ભાઈસાહેબ, બહુ. ઍરપૉર્ટે વહેલા પહોંચી જવું પડે. પાર્કિંગ કરવા.”

“તમારી વાત સાચી છે. પણ ઍરપૉર્ટ જ નહીં, બધી જગ્યાએ આ તકલીફ છે. પાર્કિંગ શોધવાનું, કાર પાર્ક કરવાની અને પછી ત્યાંથી ચાલતા પ્રસંગના સ્થળે કે દુકાને આવવાનું.”

આવા સંવાદો હવે ભારતમાં પણ ઘણા જોવા મળે છે. જોકે આ પ્રકારની માથાકૂટમાંથી આવનારાં થોડાં જ વર્ષોમાં છૂટકારો મળે તેવું આશાનું કિરણ દેખાયું છે. તેમાં પણ ટૅક્નૉલૉજી જ મદદે આવી છે.

લંડનમાં ગેટવિક ઍરપૉર્ટ પર આવનારા સમયમાં રૉબોટ પાર્કિંગ કરી આપે તેવી વ્યવસ્થાનું પરીક્ષણ કરાઈ રહ્યું છે.

માનવ ડ્રાઇવરો મૂકે તેના કરતાં આ રૉબોટ કાર એકબીજાની વધુ પાર્ક કરી આપશે જેનાથી એ જ વિસ્તારમાં વધુ કાર પાર્ક થઈ શકે તેવા આ રૉબોટ છે.

ઑગસ્ટમાં આ પરીક્ષણ શરૂ પણ થઈ ચૂક્યું છે. તેમાં ગ્રાહકે કરવાનું આટલું જ. તેણે નિયુક્ત ઍપ દ્વારા રૉબોટ બોલાવવાનો. તે પછી જ્યાં કાર છોડવાનો વિસ્તાર હોય ત્યાં કાર છોડી દઈ નિશ્ચિંત થઈ ચાલતી પકડવાની. મિલિટરી ગ્રૅડ જીપીએસ રૉબોટને માર્ગદર્શન આપશે કે કાર ક્યાં પાર્ક કરવી. ફૉર્કલિફ્ટ જેવું એક ઉપકરણ કારને આગળથી ઉપાડશે, કારને દર મૂકશે અને પાર્કિંગના સ્થળે મૂકી દેશે.

આ રૉબોટનું નામ સ્ટાન છે. ત્રણ મહિનાના પરીક્ષણ પછી તેને અમલમાં મૂકાશે. આ પરીક્ષણ સાઉથ ટર્મિનલના લૉંગ સ્ટે કાર પાર્કમાં ચાલી રહ્યું છે.

અત્યારે પાર્કિંગની જગ્યાણાં જે ચિહ્નાંકન અને લૅમ્પપૉસ્ટ છે તેના સ્થાને રૉબોટ માટે એકદમ લીસી સપાટી કરી દેવામાં આવશે અને સો વધુ કાર સમાવી શકાય તેવી જગ્યા કરાશે. અત્યારે ૧૭૦ કાર આવી શકે છે. પરંતુ ભવિષ્યમાં ૨૭૦ કાર સમાવી શકાશે.

કારનો આકાર અને કદનું સાધન દ્વારા સ્કેનિંગ કરાશે જેથી સુનિશ્ચિત થાય કે તેને જ્યાં મૂકવાની છે ત્યાં સરળતાથી મૂકી શકાશે કે કેમ. દરેક કાર પાર્કિંગની નોંધણી કરાય છે અને તેને ઉતારુના ફ્લાઇટ ક્રમાંકની સાથે જોડાય છે. આ યોજના ક્રાઉલી કાઉન્સિલમાં એક અરજી કરાઈ હતી તેમાં જાહેર કરાઈ હતી.

આ ટૅક્નૉલૉજી એક ફ્રૅન્ચ પેઢી સ્ટેનલી રૉબૉટિક્સે વિકસાવી છે અને તેનાથી ગ્રાહકોને સુવિધા મળશે. ઉપરાંત વધુ જગ્યા થવાથી વધુ કારનો સમાવેશ થશે તે પણ સુવિધાની વાત છે.

સ્ટેનલી રૉબૉટિક્સના સહ સ્થાપક સ્ટીફન એવાન્નો કહે છે કે અમે આને વેલે પાર્કિંગ રૉબોટ કહીએ છીએ કારણકે લોકોને માત્ર પાર્કના પ્રવેશ સ્થળે જ કાર મૂકી જવાની હોય છે અને તેઓ ત્યાંથી પોતાની ફ્લાઇટ પકડવા નિરાંતે જઈ શકે છે. પરંતુ આ વેલે પાર્કિંગ કરતાં કંઈક વધુ છે.

એવું નથી કે ગેટવિક ઍરપૉર્ટ પહેલું ઍરપૉર્ટ છે જ્યાં આ પ્રકારનું પરીક્ષણ થઈ રહ્યું છે. ફ્રાન્સના પેરિસ, લિયોન અને જર્મનીના ડ્યુસાલડ્રૉફ ખાતે પણ પરીક્ષણો થઈ રહ્યાં છે. ગયા વર્ષે ફ્રાન્સના ચાર્લ્સ દ ગૉલ ઍરપૉર્ટ પર પાંચ મહિનાનું પરીક્ષણ ઘણું જ સફળ રહ્યું હતું. ગ્રાહકોને ખબર પણ નહોતી કે આ પ્રક્રિયામાં રૉબોટ જોડાયેલા છે.

જોકે આનાથી ફરી એ સવાલ જાગ્યો છે કે શું માણસોની નોકરી રૉબોટ, એક યાંત્રિક માનવ ખાઈ જશે? નવેમ્બર ૨૦૧૭માં આવેલા એક અહેવાલ મુજબ, અનુમાન કરી શકાય તેવા વાતાવરણમાં મશીન ઑપરેટર અને ફાસ્ટ ફૂડ કર્મચારી સહિતની શારીરિક કામોવાળી નોકરીઓ રૉબોટ સંભાળી લે તેવી શક્યતા છે. જોકે અનુમાન ન કરી શકાય તેવા વાતાવરણમાં જે નોકરીઓ કરવાની હોય છે તે રૉબોટ સંભાળે તેવી કોઈ શક્યતા નથી. હજુ વર્ષ ૨૦૩૦ સુધીમાં માળી, પ્લમ્બર, અથવા બાળક કે વડીલોની સંભાળ લેનારાઓ વગેરેમાં રૉબોટ આવે તેવી શક્યતા બહુ ઓછી છે કારણકે તે કામ આપોઆપ કરવું તે ટૅકનિકલી મુશ્કેલ છે.