જિનેવા મોટર શોમાં મહિન્દ્રાની સુપરકારની ઝલક

ભારતીયોને ગર્વ થાય એવા સમાચાર છે કે, લક્ઝરી ઈલેક્ટ્રિક કાર વાહનો બનાવતી ઈટાલીની ઓટોમોબિલી પિનિનફેરિના કંપની ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રના અગ્રગણ્ય મહિન્દ્રા ગ્રુપનો એક હિસ્સો બની ગઈ છે. એણે સ્વિટ્ઝરલેન્ડના જિનેવા શહેરમાં હાલ ચાલી રહેલા 89મા જિનેવા ઈન્ટરનેશનલ મોટર શોમાં પોતાની ઈલેક્ટ્રિક કાર ‘બતિસ્તા’ની એક ઝલક રજૂ કરી હતી. આ કાર હાલ દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ ઈલેક્ટ્રિક કાર ગણાય છે. આ કાર હાલની ફોર્મ્યૂલા-1 રેસિંગ કાર કરતાં પણ ઝડપી દોડે છે.

આ કાર પેટ્રોલ કે ડિઝલ પર નહીં, પણ માત્ર વીજળી પર ચાલે છે.

ઓટોમોબિલી પિનિનફેરિનાનો દાવો છે કે ‘બતિસ્તા’ કાર બે સેકંડથી પણ ઓછા સમયમાં 0-62 માઈલ/કલાક એટલે કે 0-100 કિ.મી./કલાકની સ્પીડ પકડી લે છે.

‘બતિસ્તા’ કાર 2020માં દુનિયામાં લોન્ચ કરવામાં આવશે. આ કારનું ડિઝાઈનિંગ વર્ક અને ઉત્પાદન ઈટાલીમાં કરાશે. આ કારમાં 12 સેકંડથી પણ ઓછા સમયમાં પ્રતિ કલાક 186 માઈલ એટલે કે પ્રતિ કલાક 300 કિ.મી.ની સ્પીડ પકડવાની ક્ષમતા છે. આ કાર પ્રતિ કલાક 250 માઈલની ટોપ સ્પીડ પર જવા સમર્થ છે. ફૂલ્લી ચાર્જ હશે તો એ 280 માઈલ સુધી પહોંચી શકશે.

ઓટોમોબિલી પિનિનફેરિના સીઈઓ માઈકલ પર્શ્કીનો એવો પણ દાવો છે કે આજની કોઈ પણ રોડ-લીગલ સ્પોર્ટ્સ કારમાં ‘બતિસ્તા’ના કક્ષા જેવો પરફોર્મન્સ બતાવવાની ક્ષમતા નથી. ‘બતિસ્તા’ ભવિષ્યની હાઈપરકાર છે. આ કાર જરાય પ્રદૂષણ ફેલાવતી નથી. આ કાર દુનિયામાં ઓટોમોટિવ ક્ષેત્રનાં ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવશે.

આ કાર 300 માઈલ સુધી ઝીરો એમિશન પર દોડી શકે છે. આ કારનો મુકાબલો હાલની કોઈ પણ રોડ લીગલ સ્પોર્ટ્સ કાર કરી શકે એમ નથી.

‘બતિસ્તા’માં 120 kWh લીથિયમ આયર્ન બેટરી ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આ હાઈપર કારની મોટર 1,900 hp પાવર જનરેટ કરી શકે છે, જે ફોર્મ્યૂલા-વન કાર કરતાં ડબલ છે. આ ઓલ-વ્હીલ ડ્રાઈવ કાર છે.

ઈટાલીમાં 150 ‘બતિસ્તા’ કારનું ઉત્પાદન કરવામાં આવશે અને ઉત્તર અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વ/એશિયાના દેશોમાં એની સરખી સંખ્યામાં ફાળવણી કરવામાં આવશે.

આ કાર માટે કસ્ટમર સર્વિસ લોસ એન્જેલીસથી લંડન અને ટોકિયોના વિશ્વના બેસ્ટ લક્ઝરી કાર રીટેલ નિષ્ણાતો મારફત પૂરી પાડવામાં આવશે.

ઈટાલીના ટુરિન શહેર સ્થિત આ કંપનીએ આ કારને ‘બતિસ્તા’ નામ એનાં સ્થાપક બતિસ્તા પિનીન ફરિના પરથી આપ્યું છે. એમણે 1930માં કેરોઝેરિઆ પિનીનફરિના કોચ બિલ્ડિંગ કંપનીની સ્થાપના કરી હતી.

ઓટોમોબિલી પિનિનફેરિના કંપનીએ ‘બતિસ્તા’ના નિર્માણ/ઓટોમોટિવ ડિઝાઈન માટે ભારતના મહિન્દ્રા ગ્રુપની ઈલેક્ટ્રિક વેહિકલ ઉત્પાદનનાં જ્ઞાનની મદદ લીધી છે.

મહિન્દ્ર એન્ડ મહિન્દ્રના ચેરમેન આનંદ મહિન્દ્રએ સુપરકાર ‘બતિસ્તા’નો એક વિડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.

httpss://twitter.com/anandmahindra/status/1103206045403570176

જિનેવા ઈન્ટરનેશનલ મોટર શોની તસવીરી ઝલક…

સ્વિટ્ઝરલેન્ડના જિનેવા શહેરમાં 89મો જિનેવા ઈન્ટરનેશનલ મોટર શો ચાલી રહ્યો છે. એ દરમિયાન દુનિયાભરની અગ્રગણ્ય ઓટોમોબાઈલ કંપનીઓએ એમની લેટેસ્ટ મોડેલની કાર તથા વાહનો પ્રસ્તુત કર્યા હતા. આ મોટર શોમાં ભારતની ટાટા મોટર્સ કંપનીએ એની 'અલ્ટ્રોઝ' અને ઈલેક્ટ્રિક કાર 'અલ્ટ્રોઝ EV' પણ પ્રસ્તુત કરી હતી.