અંબાણીને ‘જિઓ’નો આઈડિયા દીકરી ઈશા પાસેથી મળ્યો હતો

ભારતના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે દેશમાં રિલાયન્સ જિઓ (Jio) નેટવર્ક શરૂ કરવાનો આઈડિયા એમને સૌપ્રથમ એમની પુત્રી ઈશા અંબાણીએ 2011ની સાલમાં આપ્યો હતો. ઈશાનાં મનમાં તે આઈડિયા આવ્યાના બે જ વર્ષમાં પિતા મુકેશ અંબાણીએ ભારતને મોબાઈલ બ્રોડબેન્ડ ડેટાનો ઉપયોગ કરનાર દુનિયામાં સૌથી મોટો દેશ બનાવી દીધો.

મુકેશ અંબાણીએ લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન એ વાતની યાદ તાજી કરતાં જણાવ્યું હતું કે ઈશા યેલ યૂનિવર્સિટી માટે કોઈક અસાઈનમેન્ટ સુપરત કરવા માગતી હતી. ત્યારે એણે મને કહ્યું હતું કે, ‘ડેડ, આપણા ઘરમાં ઈન્ટરનેટ બહુ ધીમું ચાલે છે.’

ઈશાએ મને સમજાવ્યો હતો કે આજના યુગમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ આવશ્યક ટેક્નોલોજી છે, એવું મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું છે. એ વખતે ઈશા યેલ યુનિવર્સિટીમાં ભણતર દરમિયાન ઘેર આવી હતી અને ઘરમાંથી કોલેજનું કામ કરતી હતી. એ વર્ષોમાં ભારત ખરાબ ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાથી પરેશાન હતો. હાઈસ્પીડ ડેટા બહુ મોંઘું હતું એટલે સામાન્ય ભારતીયોની પહોંચ બહાર હતું. જિઓએ બજારમાં આવતાવેંત સસ્તા દરે ઈન્ટરનેટ ડેટા આપવાનું શરૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 2016ના સપ્ટેંબરમાં રિલાયન્સ જિઓ ભારતની બજારમાં આવ્યા બાદ ટેલિકોમ માર્કેટમાં જોરદાર હરીફાઈ જામી ગઈ છે. રિલાયન્સ જિઓ નેટવર્કે દુનિયામાં ભારતને બ્રોડબેન્ડનો ઉપયોગ કરનાર નંબર-વન દેશ બનાવી દીધો છે.

મુકેશ અંબાણીએ એમની દીકરી ઈશાનો સમાવેશ રિલાયન્સ જિઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં કર્યો છે. 1991માં જન્મેલી ઈશાને બે ભાઈ છે – અનંત અને આકાશ. ઈશાએ 2013માં યેલ યુનિવર્સિટીમાંથી સાઈકોલોજી તથા સાઉથ એશિયન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન હાંસલ કર્યું છે.

આશ્ચર્યજનક રીતે, ઈશાએ એની કારકિર્દીનો આરંભ એનાં પિતાની કંપનીમાં નહીં, પણ ગ્લોબલ કન્સલ્ટન્સી કંપની મેકિન્સીમાં કામ કર્યું હતું.