ટૂંક સમયમાં શરૂ કરાશે ચેનલ ‘ઈસરો TV’

‘પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારોથી સમ્માનિત ભારતીય અવકાશ કાર્યક્રમના જનક અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના સ્થાપક ડો. વિક્રમ સારાભાઈની આજે 99મી જન્મજયંતિ નિમિત્તે  સંસ્થાએ જાહેરાત કરી છે કે ભારત ટૂંક સમયમાં જ અવકાશ સંશોધન તથા વિજ્ઞાન વિષયો અંગેની અલાયદી ટેલિવિઝન ચેનલ શરૂ કરશે. આ વિષયોમાંના જ્ઞાનનો લાભ દેશભરમાં લોકોને પ્રાપ્ત થાય એ હેતુથી આ ચેનલ શરૂ કરવામાં આવશે.

‘ઈસરો’ સંસ્થાના ચેરમેન કે. સિવને બેંગલુરુમાં સંસ્થાના મુખ્યાલયમાં વિક્રમ સારાભાઈની અર્ધપ્રતિમાના અનાવરણ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અવકાશ કાર્યક્રમ સામાન્ય માનવીને કેવી રીતે લાભદાયી થઈ શકે છે એ જ્ઞાનનો ફેલાવો દેશના ગ્રામિણ વિસ્તારો સુધી કરવા માટે આવતા ત્રણ-ચાર મહિનામાં એક ટીવી ચેનલ શરૂ કરવામાં આવશે.

એ ટીવી ચેનલને ‘ઈસરો TV’ નામ આપવામાં આવશે. એ ચેનલ પરથી વિજ્ઞાનના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે અને સ્પેસ એજન્સીના અવકાશ કાર્યક્રમોના લાભ વિશે અંગ્રેજી તેમજ પ્રાદેશિક ભાષાઓમાં જાણકારી આપવામાં આવશે, જેથી આ જ્ઞાન દેશભરના લોકો સુધી પહોંચી શકે. હાલમાં ભારતના અવકાશ સંશોધન યોજનાઓ વિશેની જાણકારી લોકો સુધી પૂરેપૂરી પહોંચી શકતી નથી. ચેનલ મારફત અમારો પ્રયાસ રહેશે કે સ્પેસ કાર્યક્રમના લાભોથી તમામ લોકો વાકેફ થાય.

ઈસરો સંસ્થાનો હેતુ આ ચેનલ મારફત દેશના બાળકો અને યુવા લોકોને ગુણવત્તાસભર વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો છે.

વળી, ટૂંક સમયમાં જ ઈસરો સંસ્થા આંધ્ર પ્રદેશમાં શ્રીહરિકોટા સ્થિત પોતાનું સ્પેસપોર્ટ જાહેર જનતાની મુલાકાત માટે ખુલ્લું મૂકશે. અમેરિકાની સ્પેસ એજન્સી NASAની જેમ શ્રીહરિકોટા ખાતે પણ રોકેટ-સેટેલાઈટ લોન્ચ મથકની જાહેર જનતા મુલાકાત લઈ શકશે.

ભારતમાં કેબલ ટીવી લાવનાર હતા ડો. વિક્રમ સારાભાઈ

1919ની 12 ઓગસ્ટે અમદાવાદમાં જન્મેલા વિક્રમ અંબાલાલ સારાભાઈએ ભારતના પ્રથમ સેટેલાઈટ ‘આર્યભટ્ટ’ના લોન્ચિંગની આગેવાની લઈને 1969ની સાલમાં ઈસરો સંસ્થાની સ્થાપના કરી હતી.

ડો. વિક્રમ સારાભાઈએ 1966માં અમેરિકાની NASA સંસ્થાના વિજ્ઞાનીઓ સાથે ચર્ચા કરી હતી એના પરિણામ સ્વરૂપ 1975માં ભારતમાં સેટેલાઈટ ઈન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપરિમેન્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. એને પગલે જ ગ્રામિણ ભારત સુધી કેબલ ટેલિવિઝન ટેક્નોલોજી લાવી શકાઈ હતી.

સ્વ. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના માર્ગદર્શક સ્વ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સંસ્થાની પણ સ્થાપના કરી હતી.

ડો. સારાભાઈની આગેવાની હેઠળ ભારતે 1963માં દેશનું પહેલું રોકેટ – નાઈકી અપાચેને અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું.

માત્ર 28 વર્ષની વયે વિક્રમ સારાભાઈએ ભારત સરકાર સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે આપણે અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) શરૂ કરવી જોઈએ.