GSAT-6A લોન્ચિંગ સફળઃ મોબાઈલ કમ્યુનિકેશન સેવા સુધરશે

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ તેનો કમ્યુનિકેશન કૃત્રિમ ઉપગ્રહ GSAT-6A આજે અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. ઈસરો સંસ્થાએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી સાંજે 4.56 વાગ્યે તેના રોકેટ GSLV-F08 મારફત GSAT-6A સેટેલાઈટને લોન્ચ કર્યો હતો.

આ ઉપગ્રહ મલ્ટી-બીમ કવરેજ સુવિધા મારફત ભારતવાસીઓને મોબાઈલ કમ્યુનિકેશન સેવા ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત ભારતીય સેનાની તાકાત પણ વધી જશે.

નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચીને રોકેટે સેટેલાઈટને સફળતાપૂર્વક ઈજેક્ટ કરતાં જ  લોન્ચિંગ સફળ રહ્યું હતું અને એ સાથે જ મિશન કન્ટ્રોલ સેન્ટર ખાતે ઈસરોના વિજ્ઞાનીઓમાં આનંદ વ્યાપી ગયો હતો અને એમણે એકબીજાને શાબાશી આપી હતી અન ભેટીને અભિનંદન આપ્યા હતા.

GSAT-6A હાઈ-પાવર્ડ એસ-બેન્ડ કમ્યુનિકેશન સેટેલાઈટ છે, જે પોતાની કેટેગરીમાં દ્વિતીય છે.

ભારત આ પહેલાં જીસેટ-6 લોન્ચ કરી ચૂક્યું છે. GSAT-6 અને GSAT-6A, આ બંને ઉપગ્રહ ભારતમાં પોઈન્ટ-ટુ-પોઈન્ટ કમ્યુનિકેશન માટે અદ્યતન ટેક્નોલોજી અપનાવવા માટે જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડશે.

આજે લોન્ચ કરાયેલો GSAT-6A સેટેલાઈટ 2015ના ઓગસ્ટમાં લોન્ચ કરાયેલા GSAT-6ને સપોર્ટ દેશે.

નવા સેટેલાઈટમાં મુખ્યત્વે વધુ શક્તિશાળી કમ્યુનિકેશન પેનલ્સ અને ડિવાઈસીસ બેસાડવામાં આવ્યા છે. એમાં ઈન્સ્ટોલ કરાયેલો 6 મીટરનો કોમ્પેક્ટ એન્ટેના ધરતી પર ગમે તે જગ્યાએથી પણ સેટેલાઈટ કોલિંગને આસાન બનાવશે.

ઈસરોના ચેરમેન કે. સિવને કહ્યું કે જીએસએલવી રોકેટમાં મોટા, મહત્વના સુધારા-વધારા કરવામાં આવ્યા છે, જેથી એનો પરફોર્મન્સ બળવત્તર થાય.

GSAT-6A લોન્ચ કરવા પાછળ ભારત સરકારનો ઉદ્દેશ્ય દેશમાં નાના ગ્રાઉન્ડ સ્ટેશન અને હાથમાં પકડીને રખાતા ઉપકરણોમાંથી કોલિંગ કરવાની સુવિધાનો વિકાસ કરવાનો છે.

GSAT-6A સેટેલાઈટ કોઈ સામાન્ય પ્રકારના કમ્યુનિકેશન કૃત્રિમ ઉપગ્રહ કરતાં વિશેષ પ્રકારનો છે. સરળ ભાષામાં કહીએ તો, GSAT-6A ભારતમાં સેટેલાઈટ આધારિત મોબાઈલ કોલિંગ અને કમ્યુનિકેશનને વધારે સરળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ ઉપગ્રહ 2000 કિલોગ્રામનો છે અને એને બનાવવામાં આશરે રૂ. 270 કરોડનો ખર્ચ થયો છે.

GSAT-6A ઉપગ્રહ ખાસ કરીને ભારતીય સેનાના એકમો વચ્ચે અંતરિયાળ સ્થળોએથી કરાતા કોલિંગને આસાન બનાવશે.

આજનું લોન્ચિંગ સફળ રહેતાં, ભારતની સ્પેસ ટેક્નોલોજીમાં અન્ય દેશોને ભરોસો બેસશે અને થર્ડ પાર્ટીઝ તરફથી એમના સેટેલાઈટ્સને લોન્ચ કરવા માટેના ઓર્ડર મળશે.