ક્રૉમનું આ નવું ફીચર મ્યૂટ કરવામાં ઉપયોગી

ગૂગલ ક્રોમ. નામ તો સૂના હી હોગા. નામ નહીં, આ કામની ચીજ બની ગયું છે. આ બ્રાઉઝરે એટલી બધી આપણને ટેવ પાડી દીધી છે કે તેના વગર ચાલતું નથી. તમારે કોઈ ચીજ શોધવી હોય તો સીધી એડ્રેસ બારમાં લખી નાખો. ગૂગલ સર્ચ ખોલવાની જરૂર નથી. એકદમ લાઇટ. એડ્રેસ બારમાં તમે સ્પેલિંગ ખોટો લખતા હો તો પણ ઑટો સજેશનના લીધે તમને સાચી વેબસાઇટ તરફ લઈ જાય. ગૂગલ ક્રૉમ છે એટલે તેની સાથે ગૂગલની બીજી વેબસાઇટોના ફાયદા પણ મળે. પરંતુ ક્યારેક કોઈ ફાયદાની ચીજ સાથે સાથે ગેરફાયદો પણ લાવતી હોય છે.

હવે મોટા ભાગની દરેક વેબસાઇટ પર વિડિયો અને ફોટા ભરપૂર હોય છે. ફોટા તો બરાબર, પરંતુ વિડિયો ઑટો પ્લે એટલે કે આપમેળે વાગવા લાગે છે. તમે ઑફિસમાં મહત્ત્વનું કામ કરતા હો અને તમે કોઈ બીજા કારણસર વેબસાઇટ ખોલી હોય તેમાં આવા વિડિયો ઑટો પ્લે થાય તો ઑફિસના વાતાવરણમાં શાંતિ છિનવાઈ જાય અને તમારી છબી બગડે. કેટલાક વિડિયો તો તમારે કામના પણ ન હોય તેમ બને. આનાથી અત્યાર સુધી તો કોઈ છૂટકારો નહોતો, પરંતુ હવે તમને છૂટકારો મળી શકે છે.

ગૂગલ આ અઠવાડિયે ક્રૉમનું એક નવું વર્ઝન રિલીઝ કરવાનું છે. ગૂગલ ક્રૉમના આ નવા વર્ઝનમાં નવાં અને સાથેસાથે રસપ્રદ ફીચર હશે. (જી, નવાં તો સમજ્યાં, પરંતુ ફીચર રસપ્રદ હોવા જરૂરી છે.) આ પૉસ્ટમાં તમને એ કહેવા માગીએ છીએ કે ગૂગલ ક્રૉમનું આ નવું વર્ઝન એવા તે કયાં ફીચર વપરાશકારો માટે લાવવાનું છે અને તેનાથી આપણને ફાયદો શું?

સૌથી મોટો ફાયદો તો એ જ છે કે તમે વેબસાઇટ ખોલતાંવેંત ચાલુ થઈ જતા વિડિયો એટલે કે ઑટો પ્લેને બંધ કરી શકશો. આમ, ગૂગલ ક્રૉમના નવા વર્ઝનમાં વપરાશકારો માટે ઘણા નવાં ફીચર છે. આ ફીચરમાં સૌથી ખાસ ફીચર સાઇટને મ્યૂટ કરવાનું છે. આ ફીચર હેઠળ વપરાશકારો જે વેબસાઇટ પર વિડિયો ઑટો પ્લે થઈ જાય છે તે સાઇટને પૂરી રીતે મ્યૂટ કરી શકશે. વેબ પર અનેક એવી સાઇટ છે જે વપરાશકારોને સાઇટ સર્ચનો શ્રેષ્ઠ અનુભવ નથી આપતી. આવું થવાનું કારણ એ છે કે તે કે વેબસાઇટ ખોલતાં જ વિડિયો ઑટો પ્લે થવા લાગે છે. આવી સાઇટ પર પેજ સ્ક્રૉલ કરતાં વપરાશકારોને વિડિયોનો અવાજ અને તે આપમેળે ચાલુ થઈ જાય છે તેનાથી ચીડ ચડે છે. આથી છેવટે વપરાશકારો આ સાઇટને તરત જ બંધ કરી દેવાનું પસંદ કરે છે. પણ હવે તેમ નહીં કરવું પડે. હવે તમે સરળતાથી એક રાઇટ ક્લિકમાં આખી સાઇટને મ્યૂટ કરી શકો છો. આ અપડેટ પછી મ્યૂટ ટેબ ફીચર જે અસ્થાયી રીતે લવાયું હતું તે પણ હટાવી લેવાશે.

આ ઉપરાંત ગૂગલ વિન્ડૉઝ ઓ.એસ. વાપરતા વપરાશકારો માટે ક્રૉમ ૬૪ સપૉર્ટ કરવા માટે એચડીઆર સપૉર્ટ પણ લઈને આવે છે. આ માટે વપરાશકારોને ફૉલ ક્રિએટર અપડેટ સાથે પીસી, એચડીઆર કમ્પેટિબલ મૉનિટર અને ગ્રાફિક કાર્ડની જરૂર પડશે. ક્રૉમનું આ નવું વર્ઝન મેક અને વિન્ડૉઝ વપરાશકારોને મેલ્ટડાઉન અને અન્ય તકલીફો કે મુશ્કેલીઓથી સુરક્ષિત રાખશે. ગૂગલ SharedArrayBuffer ફીચરને ડિસએબલ કરીને એટેકને ઓછા કરવાના પ્રયાસના સંદર્ભમાં અન્ય બ્રાઉઝરોને અનુસરી રહ્યું છે.

આમ, ગૂગલ ક્રૉમના સતત નવા ને નવા અપડેટથી વપરાશકારોને નિતનવી સુવિધાઓ મળી રહી છે. જોકે તકલીફ એ પણ છે કે આ સુવિધાઓમાંથી શીખી કોઈ નવી મુશ્કેલીઓ જન્મતી હોય છે. જેમ કે ક્રૉમમાં ઍડ બ્લૉક કરવાનું ઍક્સ્ટેન્શન છે, પરંતુ તેનાથી વેબસાઇટમાં જાહેરખબર તો બંધ થઈ જાય છે, પરંતુ આ જાણ્યા પછી કેટલીક વેબસાઇટ ખુલતી નથી અને સંદેશો આવે છે કે ઍડ બ્લૉકનું ઍક્સ્ટેન્શન ઑફ કરો. આમ, ઑટો પ્લે વિડિયોવાળી વેબસાઇટ પણ ક્રૉમના આ નવા ફીચરનો તોડ ન શોધી લે તેવી આશા રાખીએ.