માનવીની ઊર્જા ભૂખ સંતોષવા વૈજ્ઞાનિકોની અદભૂત શોધઃ વીજળી પેદા કરતું ઝાડ…!

0
3107

આપણે સાંભળતા અને કહેતાં આવ્યા છીએ કે પૈસા ઝાડ પર નથી ઉગતા. તે સત્ય પણ છે, પરંતુ હવે ઝાડ પર ડાળીઓ, પાંદડા, ફળફૂલ ઉપરાંત પણ અન્ય વસ્તુઓ ઉગશે. આ અન્ય વસ્તુ છે વીજળી, તમે સાચું જ સાંભળી રહ્યાં છો. હવે આપણે એવા ઝાડ કે જે ફળની જેમ વીજળી ઉત્પન્ન કરતા હોય તેને જોઈ શકીએ તેવા દિવસો દૂર નથી. માનવીની ઉર્જા જરૂરિયાત માટે

વૈજ્ઞાનિકોએ એવું ઝાડ વિકસાવ્યું છે જે વીજળી ઉત્પન્ન કરશે. કૃત્રિમ રીતે વિકસાવાયેલા આ ઝાડની આરપાર જ્યારે જ્યારે હવા પસાર થશે ત્યારે ત્યારે તેના કૃત્રિમ પાંદડાં વચ્ચેથી પસાર થતાં હવે વીજળી પેદા કરશે. અમેરિકાની ઇયોવા યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ આ ઝાડની શોધ કરી છે. વૈજ્ઞાનિકોએ વિકસાવેલા આ ઝાડમાં કોઈ ટર્બાઈન ફીટ નથી કરાયું. વૈજ્ઞાનિકોએ એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે જે કૃત્રિમ ઝાડ પર ડાળીઓ અને પાંદડાની જેમ લાગી જાય છે. જોકે આ ઝાડ દ્વારા ઉત્પન્ન થતી વીજળીની માત્રા ઓછી છે પરંતુ ઘરના દૈનિક કામકાજ આટલી ઊર્જા પૂરતી છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ અને વિજ ઉત્પન્ન કરવા ખાસ ડિઝાઈન કરાયેલ ઉપકરણના ડિઝાઈનર માઇકલ મેકક્લોસ્કીનું કહેવું છે કે, આ ઉપકરણ હવાથી ફરવાવાળી ટર્બાઈનને રીપ્લેસ કરવા માટે નથી બનાવાયું. પવનચક્કી જેટલી ઉર્જા ઉત્પન્ન ક્ષમતા આ ઝાડમાં નહીં હોય. આ ટેક્નોલોજી એવા નાના-નાના મશીનોની નવી માર્કેટ ઉભી કરશે જે સ્થાનિક જરૂરીયાત પૂરતી વિજળી ઉભી કરવા માટે ઉત્તમ રહેશે. આ નવી શોધથી ઘરમાં દૈનિક વપરાશના સંસાધનોને રિચાર્જ કરી શકાશે. આ ઉપકરણ તૈયાર કરનાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેક્નોલોજીની સકારાત્મક બાજુ તેની સુંદર ડિઝાઈન તથા નાના સ્તરે કામ કરવાની ક્ષમતા છે. જેની મદદથી ઓફગ્રીડ વિજળી ઉત્પન્ન કરી શકાય છે.

જોકે વિજળી ઉત્પન્ન કરતા ઝાડને બજારમાં મુંકવા પહેલા તેના શોધકર્તાઓ તેને બીજી પણ કેટલીક કસોટીમાંથી પસાર કરવા માગે છે. તેમજ તેમનું માનવું છે કે આ ટેક્નોલોજીને બજારમાં મુકતા પહેલા હજુ પણ વધુ સંશોધનો દ્વારા તેમાં ડિઝાઈનથી લઈને ઉત્પાદન ક્ષમતા સુધીના તબક્કાને વિકસાવવાની જરૂર રહેલી છે. તો આ શોધકર્તા ટીમે એક નવો પ્રયોગ પણ શરૂ કર્યો છે. તેમને અમેરિકાના કેટલાક પસંદગીના શહેરોમાં મોબાઈલ ટાવર પર આ કૃત્રિમ ઝાડના પાંદળા લગાવી ટાવરની સુંદરતા વધારવાનો પ્રયાસ કરાયો છે. આ કૃત્રિમ પાંદળા સાથે વૈજ્ઞાનિકોએ વિકસાવેલ યંત્ર લગાવી દેવાથી આ ટાવર વિજ ઉત્પન્ન કરતા ટાવરમાં ફેરવાઈ જઈ શકે છે. જે એક વધારાનો ફાયદો છે.

તો હવે એવા દિવસો દૂર નથી જ્યારે માનવીની ઉર્જા જરૂરીયાતનો મોટા ભાગનો જથ્થો તે પોતાના ઘરની બહાર ગાર્ડનમાં જ બનાવી લેશે.