19 વર્ષથી ઓછી વયના ક્રિકેટરો માટેની આઈસીસી વર્લ્ડ કપ સ્પર્ધાનો શનિવારથી ન્યૂ ઝીલેન્ડમાં આરંભ થઈ રહ્યો છે. 1988થી શરૂ થયેલી અને અત્યાર સુધીમાં રમાઈ ગયેલી 11 વર્લ્ડ કપમાં ભારત ત્રણ વાર ચેમ્પિયન બન્યું છે. 2000માં મોહમ્મદ કૈફના સુકાનીપદ હેઠળ, 2008માં વિરાટ કોહલી કેપ્ટન હતો અને 2012માં ઉન્મુક્ત ચંદની કેપ્ટનસી હેઠળ ભારત વિશ્વવિજેતા બન્યું હતું.
12મી વર્લ્ડ કપ જીતીને ચોથી વાર ચેમ્પિયન બનવાનું સપનું ઘડ્યું છે કેપ્ટન પૃથ્વી શૉ અને તેનાં સાથીઓએ.
21 દિવસ સુધી (13 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી) રમાનારી આ વખતની સ્પર્ધા 16 ટીમો વચ્ચે રમાશે. બધી ટીમોને ચાર ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. દરેક ટીમ ગ્રુપમાં એકબીજા સામે રાઉન્ડ રોબીન ફોર્મેટમાં એક-એક મેચ રમશે.
દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર લીગ તબક્કામાં જશે અને ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલ મેચો રમાશે.
ફાઈનલ મેચ 3 ફેબ્રુઆરીએ મોન્ગનુઈના બૅ ઓવલ મેદાન પર રમાશે.
આઈસીસી U-19 ક્રિકેટ સ્પર્ધા 1988માં શરૂ થયા બાદ બીજી આવૃત્તિ દસ વર્ષ બાદ, છેક 1998માં રમાઈ હતી. પણ ત્યારબાદ એ દર બે વર્ષે રમાતી આવી છે. 2016માં આ સ્પર્ધા બાંગ્લાદેશમાં રમાઈ હતી. ગઈ વેળાની સ્પર્ધામાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું. ભારતનું કટ્ટર હરીફ પાકિસ્તાન પણ બે વાર આ સ્પર્ધા જીતી ચૂક્યું છે.
અન્ડર-19 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ઝળકીને રાષ્ટ્રીય સ્તરે પણ ટીમના આગેવાન બનવામાં સફળ થયા છે – વિરાટ કોહલી, સ્ટીવ સ્મીથ (ઓસ્ટ્રેલિયા) અને કેન વિલિયમ્સન (ન્યૂ ઝીલેન્ડ).
રાહુલ દ્રવિડના કોચપદ હેઠળની ટીમ ઈન્ડિયાને ગ્રુપ-Bમાં સ્થાન મળ્યું છે. આ ગ્રુપમાં તેની સાથે છે – ઓસ્ટ્રેલિયા, પપુઆ ન્યૂ ગિની, ઝિમ્બાબ્વે.
ગ્રુપ-Aની ટીમો છેઃ યજમાન ન્યૂ ઝીલેન્ડ, કેન્યા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ. ગ્રુપ-Cની ટીમો છેઃ બાંગ્લાદેશ, કેનેડા, ઈંગ્લેન્ડ અને નામિબીયા. ગ્રુપ-Dની ટીમો છેઃ અફઘાનિસ્તાન, આયરલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા. ભારત તેની પહેલી ગ્રુપ મેચ ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમશે. |
ભારતની ગ્રુપ મેચોઃ
ભારત 14 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમશે. 16 જાન્યુઆરીએ પપુઆ ન્યૂ ગિની સામે. 19 જાન્યુઆરીએ ઝિમ્બાબ્વે સામે. બધી મેચો મોન્ગનુઈના બૅ ઓવલ મેદાન પર રમાશે. |
સ્પર્ધામાં આ ખેલાડીઓનાં દેખાવ પર સૌની નજર રહેશેઃ
પૃથ્વી શૉ (ભારત) જેસન જસકિરાત સિંહ સાંઘા (ઓસ્ટ્રેલિયા) કર્સ્ટન કાલીચરણ (વેસ્ટ ઈન્ડિઝ) રાશીન રવિન્દ્ર (ન્યૂ ઝીલેન્ડ) કામિન્દુ મેન્ડિસ (શ્રીલંકા) વિલ જેક્સ (ઈંગ્લેન્ડ) મુજીબ ઝદરાન (અફઘાનિસ્તાન) |
ભારતીય ટીમઃ
પૃથ્વી શૉ (કેપ્ટન), શુભમાન ગિલ (વાઈસ કેપ્ટન), મનજોત કાલરા, હિમાંશુ રાણા, અભિષેક શર્મા, રીયાન પરાગ, આર્યન જુયાલ (વિકેટકીપર), હાર્વિક દેસાઈ (વિકેટકીપર), શિવમ માવી, કમલેશ નાગરકોટી, ઈશાન પોરેલ, અર્શદીપ સિંહ, અનુકૂલ રોય, શિવા સિંહ અને પંકજ યાદવ. |