ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI લીગને આઈસીસી દ્વારા મંજૂરી

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટની રમતનું માળખું ધરખમ રીતે બદલાવાને આરે છે.

ક્રિકેટની રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ ટેસ્ટ ચેમ્પિયનશિપ તથા વન-ડે ઈન્ટરનેશનલ્સ (ODI) લીગનું આયોજન કરવાને મંજૂરી આપી છે.

૯-ટીમની ટેસ્ટ સિરીઝ લીગ અને ૧૩-ટીમની ODI લીગ અનુક્રમે ૨૦૧૯ અને ૨૦૨૦થી શરૂ થશે. આ બંને લીગ 2019ની ODI વર્લ્ડ કપ બાદ અમલમાં આવશે.

આઈસીસીના ચેરમેન શશાંક મનોહરે કહ્યું છે કે આ બે સ્પર્ધાને લીધે દુનિયાભરના ક્રિકેટચાહકો આ રમતનો ભરપૂર આનંદ માણી શકશે.

ન્યુ ઝીલેન્ડના ઓકલેન્ડમાં આઈસીસીની ગવર્નિંગ બોડીની મીટિંગ મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ મીટિંગમાં શશાંક મનોહર ઉપરાંત આઈસીસીના ચીફ એક્ઝિક્યૂટિવ ડેવિડ રિચર્ડસન પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

શું હશે ODI લીગ?

 

ODI લીગ ૧૩-ટીમો વચ્ચે રમાશે. એમાં 12 ટીમ આઈસીસીની ફૂલ મેમ્બર ટીમ હશે અને 13મી ટીમ આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિજેતા હશે. આ ટીમો વર્લ્ડ કપ માટે ડાયરેક્ટ ક્વોલિફિકેશન હાંસલ કરવા માટે જંગ ખેલશે.

લીગની પહેલી આવૃત્તિમાં આઠ ટીમ આઠ સિરીઝ રમશે. આમાં ચાર શ્રેણી ઘરઆંગણે અને ચાર વિદેશની ધરતી પર રમાશે. દરેક શ્રેણીમાં ત્રણ-ત્રણ ODI મેચ હશે. આ સિરીઝ ત્રણ વર્ષના સમયગાળામાં રમાશે.

આઈસીસીના બોર્ડના આ નિર્ણય બાદ હવે આ બંને સ્પર્ધાની પહેલી આવૃત્તિ માટેનું સમયપત્રક તેમજ પોઈન્ટ્સ સિસ્ટમ, મેચોના આયોજનને લગતી વ્યવસ્થા તથા સ્પર્ધાની શરતોનું માળખું તૈયાર કરવામાં આવશે.

આ બે નવી સ્પર્ધાઓ શરૂ થવાથી દુનિયાભરનાં ક્રિકેટપ્રેમીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ખરો આનંદ મેળવી શકશે, કારણ કે પ્રત્યેક મેચના પરિણામને ગણતરીમાં લેવામાં આવશે તેમજ ODI લીગમાં તો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન માટે સીધી અસર પડશે.

શું હશે ટેસ્ટ સિરીઝ લીગ?

ટેસ્ટ સિરીઝ લીગમાં ૯ ટીમ બે વર્ષના સમયગાળા દરમિયાન છ સિરીઝ રમશે. આ સિરીઝમાં ત્રણ સિરીઝ ઘરઆંગણે રમાશે અને ત્રણ સિરીઝ વિદેશની ભૂમિ પર રમાશે.

દરેક મેચ પાંચ-પાંચ દિવસની હશે. દરેક સિરીઝમાં ઓછામાં ઓછી બે ટેસ્ટ મેચ અને વધુમાં વધુ પાંચ મેચ હશે.

આ સિરીઝને અંતે વર્લ્ડ ટેસ્ટ લીગ ચેમ્પિયનશિપ ફાઈનલ રમાશે.