ઈન્ટરનેશનલ હોકીને સરદાર સિંહની ગુડબાય…

0
3250

ભારતના ભૂતપૂર્વ હોકી કેપ્ટન અને સિદ્ધિઓના સ્વામી સરદાર સિંહે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સરદાર સિંહનું કહેવું છે કે છેલ્લા 12 વર્ષમાં પોતે ઘણું બધું હોકી રમ્યો છે અને હવે યુવા ખેલાડીઓ માટે માર્ગ મોકળો કરી આપવાનો સમય આવી ગયો છે.

હરિયાણાના સિરસાના વતની સરદાર સિંહનો આ નિર્ણય ભારતીય હોકી ચાહકો માટે બીજા આંચકા સમાન છે. પહેલો આંચકો તાજેતરમાં જ ઈન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ ગયેલી 18મી એશિયન ગેમ્સમાં ભારતે સુવર્ણ ચંદ્રક ગુમાવ્યો એનો હતો. આ વખતની ગેમ્સમાં ભારતને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. ભારત 2014ની ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા હતું.

જકાર્તા ગેમ્સમાં સરદાર સિંહનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો.

સરદારે નિવૃત્તિનો નિર્ણય ચંડીગઢમાં એના પરિવારજનો સાથે મસલત કર્યા બાદ લીધો છે. એણે આ વિશે હોકી ઈન્ડિયા તેમજ પોતાના મિત્રો સાથે પણ ચર્ચા કરી હતી.

અહીં રસપ્રદ વાત એ છે કે જ્યારે જકાર્તામાં એશિયન ગેમ્સ ચાલુ હતી ત્યારે સરદારે એમ કહ્યું હતું કે હજી પોતે હોકી રમવાનું ચાલુ રાખશે અને એની ઈચ્છા 2020ની ટોકિયો ઓલિમ્પિક્સમાં રમવાની છે.

પરંતુ, પોતાને નિવૃત્ત થવાની ફરજ પાડવામાં આવશે એવી અફવા ઉડતાં સરદારે નિર્ણય બદલ્યો છે અને હવે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

હોકી ઈન્ડિયા સંસ્થાએ રાષ્ટ્રીય હોકી શિબિર માટે 25-ખેલાડીઓના એક જૂથની જાહેરાત કરી હતી અને એમાં સરદાર સિંહને પસંદ કર્યો નહોતો.

એ વખતે જ્યારે સરદારને પૂછવામાં આવ્યું કે યાદીમાં તારું નામ કેમ સામેલ નથી કરાયું? ત્યારે સરદારે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે પોતે શુક્રવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં નિવૃત્તિની વિધિવત્ રીતે જાહેરાત કરશે.

સરદાર સિંહે 2006માં પાકિસ્તાન સામેની મેચ સાથે ભારત વતી આંતરરાષ્ટ્રીય હોકીમાં એન્ટ્રી કરી હતી. એ ભારતીય ટીમનો મિડફિલ્ડર તરીકે રમ્યો છે.

32 વર્ષીય સરદાર ભારત વતી 350થી વધુ ઈન્ટરનેશનલ મેચોમાં રમ્યો છે અને 2008થી 2016 સુધી આઠ વર્ષ સુધી રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન પણ બન્યો હતો. ત્યારબાદ પી.આર. શ્રીજેશ કેપ્ટન બન્યો છે.

2008માં સુલતાન અઝલન શાહ કપ સ્પર્ધામાં જ્યારે સરદાર સિંહે ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું ત્યારે એ સૌથી યુવાન વયનો કેપ્ટન બન્યો હતો. એને 2012માં ‘અર્જુન એવોર્ડ’ અને 2015માં ‘પદ્મશ્રી’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો.

સરદારે બે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ માટેની ટીમમાંથી એને પડતો મૂકાયા બાદ એણે ફિટનેસ પાછી મેળવી હતી અને ટીમમાં કમબેક કર્યું.

સરદાર સિંહે પોતાનો નિવૃત્તિ વિશેનો નિર્ણય ચીફ કોચ હરેન્દ્ર સિંહને જણાવી દીધો છે. પોતે સ્થાનિક સર્કિટ પર હોકી રમવાનું ચાલુ રાખશે એવું પણ એણે કહ્યું છે.

નિવૃત્તિનો નિર્ણય લેવા પાછળનું કારણ ફિટનેસ નથી એવી એણે સ્પષ્ટતા કરી છે. ‘હું હજી થોડાક વર્ષો સુધી હોકી રમવા જેટલો ફિટ છું. પરંતુ દરેક ચીજ માટે અમુક સમય રહેતો હોય છે મને લાગે છે કે જીવનમાં આગળ વધવાનો હવે મારે માટે સમય આવી ગયો છે,’ એવું એણે કહ્યું છે.