રાહુલ દ્રવિડ – સૂત્રધારઃ ભારતના U19WC વિજેતાપદના…

ભારતીય ક્રિકેટને અત્યાર સુધીમાં મળેલા મહાનતમ ક્રિકેટરોમાં રાહુલ દ્રવિડની પણ ગણના કરવામાં આવે છે, પણ ખેલાડી તરીકેની કારકિર્દીમાં વર્લ્ડ કપ કાયમ એમને હાથતાળી આપતો રહ્યો હતો. છેવટે, કોચ તરીકેની જવાબદારીએ એમની તે ઈચ્છા પૂરી કરી બતાવી. ભારતના અન્ડર-19 ક્રિકેટરો ન્યૂ ઝીલેન્ડમાં રમાઈ ગયેલી વર્લ્ડ કપ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યા અને દ્રવિડના હાથમાં અંતે વર્લ્ડ કપ ટ્રોફી આવી.

ચુવા ટીમની સફળતા અને દ્રવિડનું યોગદાન

દ્રવિડને ભારતીય ક્રિકેટના જિનિયસ તરીકે ઓળખવામાં આવ્યા છે. 2003માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં હારી જતાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ગુમાવી દેવી પડી હતી. દ્રવિડ ત્યારે એ ટીમના વાઈસ-કેપ્ટન હતા.

તે ઘટનાના ચાર વર્ષ બાદ, 2007માં, વર્લ્ડ કપ રમેલી ભારતીય ટીમના દ્રવિડ કેપ્ટન હતા, પણ એ સ્પર્ધામાં ભારતનો દેખાવ ખૂબ જ કંગાળ રહ્યો હતો અને ટીમ બાંગ્લાદેશ સામે હારી ગયા બાદ સ્પર્ધામાંથી વહેલી બહાર ફેંકાઈ ગઈ હતી.

ત્યારબાદ, 2011માં ઘરઆંગણે રમાઈ ગયેલી વર્લ્ડ કપ સ્પર્ધાની ટીમમાં દ્રવિડ સભ્ય નહોતા.

2015માં, દ્રવિડની નિમણૂક ઈન્ડિયા-A અને અન્ડર-19 ટીમના કોચ તરીકે કરવામાં આવી હતી.

2016માં, યુવા ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં તો પહોંચી હતી, પણ ઈશાન કિશનની આગેવાની હેઠળની ટીમ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગઈ હતી.

બસ, એ હાર થયા બાદ દ્રવિડે એમની નવી ટીમના ઘડતરમાં વધારે મહેનત કરી હતી. એમની નવી, આજની ટીમે વર્લ્ડ કપ-2018માં વિજેતાપદ જીત્યું એટલું જ નહીં, સમગ્ર સ્પર્ધામાં એ અપરાજીત પણ રહી.

દ્રવિડની કેપ બદલાઈ ગઈ છે. ખેલાડીમાંથી કોચની કેપ માથા પર ચડાવી દીધી છે, પણ ક્રિકેટ પ્રતિ એમની લાગણી અને સમર્પણની ભાવના યથાવત્ રહી છે.

ગઈ 11 જાન્યુઆરીએ પોતાનો 45મો જન્મદિવસ ઉજવનાર દ્રવિડ કોચ તરીકે પૃથ્વી શૉ અને તેના સાથી ખેલાડીઓમાં ત્રણ ગુણને કારણે લોકપ્રિય થયા છે. આ ત્રણ ગુણ એટલે – ખરા અર્થમાં જેન્ટલમેન, નિસ્વાર્થપણું અને સરળ માનવી.

ભારતીય ક્રિકેટ ટીમ વતી એ રમતા ત્યારે મિડિયાકર્મીઓએ એમને ‘ધ વોલ’નું ઉપનામ આપ્યું હતું. એ વોલ ક્રિકેટર તરીકે નિવૃત્ત થયા બાદ પણ એવીને એવી જ મજબૂત રહી છે અને હવે નવી પેઢીના ક્રિકેટરોને માર્ગદર્શન આપી રહી છે.

દ્રવિડે કરી બે મહત્વની વાત…

ભારતની યુવા ટીમની વર્લ્ડ કપ જીત બાદ કોચ દ્રવિડે બે મહત્વની વાત કહી હતી.

એમણે કહ્યું, માત્ર આ જ જીત એમના પ્રતિભાશાળી ખેલાડીઓની ક્રિકેટ કારકિર્દીની પરિભાષા નહીં બને, પણ ભવિષ્યમાં આનાથી પણ મોટી અને વધારે પડકારજનક સફર એમની રાહ જોઈ રહી છે.

બીજી વાત દ્રવિડે એ કહી કે, ટીમે છેલ્લા 14 મહિનામાં જે મહેનત કરી હતી એ આખરે રંગ લાવી. મને મારી આ ટીમ પર ખૂબ જ ગર્વ છે. તે ઉપરાંત સંપૂર્ણ સહયોગી સ્ટાફે પણ છેલ્લા 14 મહિનામાં ટીમની સાથે આકરી મહેનત કરી હતી. તેઓ પણ આ જીતના હકદાર છે.

ભારતની અન્ડર-19 ટીમે આ ચોથી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી બતાવી છે. બીજી કોઈ ટીમ આટલી વખત ચેમ્પિયન બની નથી. ભારતે 2000ની સાલમાં મોહમ્મદ કૈફની આગેવાની હેઠળ, 2008માં વિરાટ કોહલીની આગેવાની હેઠળ, 2012માં ઉન્મુક્ત ચંદની આગેવાનીમાં અને હવે 2018માં પૃથ્વી શૉના વડપણ હેઠળ વિજેતાપદ હાંસલ કર્યું છે.

ગુરુ-ચેલા (દ્રવિડ-પૃથ્વી શૉ)ની જોડીની કમાલઃ U19WCમાં ભારત છવાયું…

સમગ્ર સ્પર્ધામાં ભારતીય ટીમ છવાયેલી રહી. કેપ્ટન પૃથ્વી શૉએ 261 રન કર્યા હતા તો મનજોત કાલરાએ 252 રન કર્યા હતા. શુભમન ગિલે તો 372 રન કરીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો.

સ્પર્ધામાં સૌથી વધારે વિકેટ લેવાનું બહુમાન મેળવ્યું ડાબોડી સ્પિનર અનુકૂલ રોયે – 14 વિકેટ લઈને. અનુકૂલના સાથી બોલર – ટીમના ફાસ્ટેસ્ટ બોલર કમલેશ નાગરકોટીએ 9 વિકેટ ઝડપીને ભારતને ચેમ્પિયનપદ હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આઈસીસીએ હવે અન્ડર-19 વર્લ્ડ ઈલેવનની જાહેરાત કરી છે. આ 11-ખેલાડીઓમાં પાંચ તો ભારતના છે – ઉપર જણાવેલા નામ.

પૃથ્વી ત્રણ વર્ષનો હતો ત્યારે જ એની બેટિંગ પ્રતિભાને કોચ ઓળખી ગયા હતા

મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના વિરાર ઉપનગરના રહેવાસી પૃથ્વી શૉનાં કોચ સંતોષ પિંગુલકરે કહ્યું કે પૃથ્વી જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે જ હું એની પ્રતિભાને ઓળખી ગયો હતો. એ જ્યારે મારી પાસે પહેલી વાર આવ્યો હતો ત્યારે માત્ર ત્રણ વર્ષનો હતો. મેં એને સૌથી પહેલાં નગર નિગમ ગ્રાઉન્ડ પર રમતાં જોયો હતો. ત્યારે હું ઔરંગાબાદથી વિરાર આવ્યો હતો. મુંબઈમાં કોઈ ટીમ પૃથ્વીને લેતી નહોતી, કારણ કે એની ઉંમર બહુ જ નાની હતી. અમે એને ગોલ્ડન સ્ટાર ક્રિકેટ એકેડેમીમાં સામેલ કર્યો હતો. એ અમારો પહેલો વિદ્યાર્થી હતો.

એ 12 વર્ષની ઉંમર સુધી વિરારમાં રહ્યો હતો. ત્યારબાદ મુંબઈમાં રિઝવી સ્કૂલમાં ભણવા જતો થયો હતો. એ જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે જ મને એનામાં વિલક્ષણ પ્રતિભા દેખાઈ હતી. મેં એના પિતાને કહ્યું પણ હતું. 2002માં પૃથ્વી અમારી એકેડેમીમાં આવ્યો હતો અને ત્યારથી નિયમિત રીતે આવતો થયો હતો. મને ખાતરી છે કે એ ટૂંક સમયમાં જ ભારતની સિનિયર ટીમ વતી રમશે. એના નસીબ સારા છે કે એને રાહુલ દ્રવિડ જેવા કોચ મળ્યા. મુંબઈના સ્થાનિક વિધાનસભ્ય સંજય પોટનીસે પૃથ્વી માટે મુંબઈમાં રહેવા માટે એક ફ્લેટની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારબાદ પૃથ્વી સાત વર્ષનો થયો ત્યારે એની બેટિંગ પ્રતિભામાં ખૂબ જ નિખાર આવ્યો હતો. એ મોટો ખેલાડી બનવાને આરે આવી ગયો હતો. નવેક વર્ષનો થયો હશે ત્યારે એ ચંદ્રકાંત પંડિતની ક્રિકેટ એકેડેમીએ યોજેલી એક સ્પર્ધામાં રમ્યો હતો અને એમસીએની અન્ડર-14 ટીમમાં એ પસંદ કરાયો હતો, પણ એની ઉંમર નાની હોવાથી એને આગળ વધતો અટકાવી દેવાયો હતો. રિઝવી સ્કૂલમાં જોડાયા બાદ પૃથ્વીને વધારે તક મળી અને એની પસંદગી અંતે મુંબઈની અન્ડર-14 ટીમમાં કરાઈ. ત્યારે પણ એની ઉંમર 10 વર્ષની હતી.

પિંગુલકરનું કહેવું છે કે પૃથ્વી ખૂબ જ ધૈર્યવાળો છે અને તે નેટ્સમાં ખૂબ બેટિંગ પ્રેક્ટિસ કરતો હોય છે.

અનેક સ્થાનિક સ્પર્ધાઓમાં પૃથ્વી ઝળક્યા બાદ પિંગુલકરે એને મુંબઈ શિફ્ટ થવાની સલાહ આપી હતી. મુંબઈ શિફ્ટ થયા બાદ પૃથ્વીનને બાન્દ્રાની એમઆઈજી ક્લબ વતી રમવાનો મોકો મળ્યો હતો અને એમાંથી તરત જ એની પસંદગી અન્ડર-19 ટીમમાં થઈ અને પછી તો ઈતિહાસ સર્જાઈ ગયો.