ઘરઆંગણે કેરેબિયન્સ સામે સીરિઝ: ધવન આઉટ…

ઈંગ્લેન્ડ સામે ઈંગ્લેન્ડની ધરતી પર પાંચ-ટેસ્ટની શ્રેણીમાં 1-4થી ઘોર પરાજય થયા બાદ હવે ભારતીય ટીમ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. બે-ટેસ્ટની શ્રેણીનો આરંભ 4 ઓક્ટોબરથી રાજકોટમાં શરૂ થશે. બીજી અને છેલ્લી ટેસ્ટ 12 ઓક્ટોબરથી હૈદરાબાદમાં રમાશે.

પસંદગીકારોએ ટેસ્ટ સીરિઝ માટે 15-સભ્યોની ટીમ જાહેર કરી છે. એમાંથી ઓપનર શિખર ધવનને પડતો મૂક્યો છે. ધવને હાલમાં જ ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં અત્યંક નિરાશાજનક અને શરમજનક દેખાવ કર્યો હતો. આ જ ધવને એશિયા કપમાં સદીઓ ફટકારી અને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ જીત્યો, પણ પસંદગીકારોએ ઈંગ્લેન્ડમાં એના દેખાવને બરાબર યાદ રાખ્યો હતો અને ઘરઆંગણાની ટેસ્ટ શ્રેણીની ટીમમાંથી એની બાદબાકી કરી નાખી છે. ધવનને પડતો મૂકાયો એનો ભારતીય ક્રિકેટપ્રેમીઓને કોઈ અફસોસ નહીં થાય. ઈંગ્લેન્ડમાં એણે આઠ દાવમાં એકેય હાફ સેન્ચુરી મારી નહોતી. એની જગ્યાએ મુંબઈ ટીમના નવલોહિયા ઓપનર પૃથ્વી શૉને પસંદ કરવામાં આવ્યો છે.

પરંતુ, કરુણ નાયરનો ટીમમાં સમાવેશ ન કરાયો એનાથી ઘણાને નિરાશા ઉપજી હશે.

કરુણ નાયર

ટેસ્ટ ટીમની યાદીમાં નામ ન સામેલ થવાથી કરુણ નાયર પોતે પણ નિરાશ થયો છે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ માટેની ટીમમાં તે એક સભ્ય હતો, પણ એને રમવાની તક આપવામાં આવી નહોતી. હવે એને ઘરઆંગણાની સીરિઝમાં પણ રમવાની તક આપવામાં આવી નથી. પ્રથમ કક્ષાની મેચોમાં એણે 51.09ની સરેરાશ સાથે રન બનાવ્યા છે અને ખાસ્સો એવો કન્સિસ્ટન્ટ પણ રહ્યો છે.

નાયરે કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ માટે પોતાની પસંદગી કરાય એ માટે એણે ઈંગ્લેન્ડમાં હતો ત્યારે ટીમ મેનેજમેન્ટ સાથે કે સ્વદેશ પાછા ફર્યા બાદ પસંદગીકારો સાથે કોઈ પ્રકારની વાતચીત કરી નહોતી. એના આશ્ચર્ય વચ્ચે, ઈંગ્લેન્ડમાં હાર્દિક પંડ્યા બીમાર પડી જતાં એની જગ્યાએ ખાસ ભારતમાંથી હનુમા વિહારીને બોલાવવામાં આવ્યો હતો અને પાંચમી, છેલ્લી ટેસ્ટમાં એને રમાડવામાં પણ આવ્યો હતો.

શિખર ધવનઃ ઈંગ્લેન્ડમાં ફ્લોપ શોએ ભોગ લીધો

ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર કરુણ નાયર માત્ર બીજો જ ભારતીય છે. પહેલો છે, વિરેન્દર સેહવાગ.

જેસન હોલ્ડરના નેતૃત્વ હેઠળની વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત આવી પહોંચી છે અને શનિવાર-રવિવારે વડોદરામાં ભારતીય ક્રિકેટ બોર્ડ પ્રમુખની ઈલેવન સામે બે-દિવસની મેચ પણ રમી. તે મેચનો કેપ્ટન નાયર હતો, પણ એને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો નથી. વેસ્ટ ઈન્ડિઝના બોલરોનો સામનો કરીને બોર્ડ પ્રમુખ ઈલેવને પહેલા દાવમાં 6 વિકેટે 360 રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. નાયરે 29 રન કર્યા હતા.

પસંદગીકારોએ બેટ્સમેન મયંક અગ્રવાલને પણ ટેસ્ટ ટીમમાં પહેલી જ વાર સ્થાન આપીને યોગ્ય નિર્ણય લીધો. અગ્રવાલે વડોદરામાં પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ સામેની વોર્મ-અપ મેચમાં 90 રન ફટકારીને પોતાની પસંદગીને સાર્થક કરી બતાવી છે.

મયંક અગ્રવાલ

અગ્રવાલે રણજી ટ્રોફી સ્પર્ધાની આઠ મેચોમાં 105.45ની સરેરાશ સાથે 1160 રન કર્યા હતા. એમાં પાંચ સદી, બે અડધી સદીનો સમાવેશ થાય છે. એનો હાઈએસ્ટ સ્કોર છે 304*. એ ઓગસ્ટ-સપ્ટેંબરમાં ઈંગ્લેન્ડમાં A-ટીમ વતી પણ ફોર્મમાં રમ્યો હતો. તેમજ સાઉથ આફ્રિકા-A અને ઓસ્ટ્રેલિયા-A સામેની મર્યાદિત ઓવરોવાળી મેચોમાં પણ સારું રમ્યો હતો. ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં એ છેલ્લા 14 દાવમાં સાત વખત હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.

પૃથ્વી શૉની પસંદગી પણ યોગ્ય છે. એ 2017ના જાન્યુઆરીમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એન્ટ્રી કર્યા બાદ સતત સારું રમી રહ્યો છે. એણે સાત સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ-A અને સાઉથ આફ્રિકા-A સામે તો એણે ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી.

ઘરઆંગણાની સીરિઝ માટે પસંદગીકારોએ મુરલી વિજયને પણ લિસ્ટમાંથી ઉડાવી દીધો છે. વિજય પણ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ધવનની જેમ ફ્લોપ ગયો હતો. લોકેશ રાહુલની પણ છૂટ્ટી થઈ ગઈ હોત, પણ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં એણે સદી ફટકારી દીધી હતી એટલે બચી ગયો. બાકી, એક દાવને બાદ કરતાં એ પણ સીરિઝમાં ફ્લોપ જ રહ્યો હતો.