ગો-ડેડી છે ‘ICC વર્લ્ડ કપ-2019’ની સ્પોન્સર

0
3584

ઈન્ટરનેટ વેબસાઈટ્સનાં નામો તથા રજિસ્ટ્રેશન મેનેજમેન્ટ બિઝનેસની અગ્રગણ્ય ભારતીય કંપની ગો-ડેડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થા સાથે તેના સહયોગની આજે જાહેરાત કરી છે અને તે આવતા મે મહિનામાં રમાનાર 12મી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની એ સત્તાવાર પ્રાયોજક બની છે.

આ પ્રસંગે ગો-ડેડી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને વાઈસ-પ્રેસિડન્ટ નિખીલ અરોરાએ કહ્યું કે, ‘અમે આઈસીસી સાથેની ભાગીદારી કરીને ભારતમાં 70 કરોડ લોકો સુધી પહોંચવાની આશા રાખીએ છીએ. ભારત સહિત, વિશ્વમાં બે-તૃતિયાંશ લોકો ક્રિકેટ મેચો જુએ છે અને આઈસીસી સાથે ભાગીદારી થવાથી અમને વિશાળ વિઝિબિલિટી મળશે.’

આઈસીસી સાથે ગો-ડેડી કંપનીનો આ પહેલો જ સ્પોન્સરશિપ કરાર છે.

આ વખતની વર્લ્ડ કપ સ્પર્ધા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં મે-જુલાઈ દરમિયાન રમાવાની છે.

અરોરાએ વધુમાં કહ્યું કે, ભારતમાં ક્રિકેટ લોકોની સૌથી લોકપ્રિય રમત છે. એ દેશના ખૂણેખૂણે જોવાય છે. તેથી ગો-ડેડીને વ્યાપક રીતે દર્શકગણ મેળવવાનો મોકો મળશે. ઓનલાઈન પર બિઝનેસ કરવા માટે અમે ઘણા ઉદ્યોગસાહસીઓ તથા નાના વેપારીઓને મદદરૂપ થઈ રહ્યા છીએ.

આઈસીસી સાથેની ભાગીદારી અનુસાર, વર્લ્ડ કપની દરેક મેચ વખતે વેબ હોસ્ટિંગ પ્રોવાઈડર કંપની ગો-ડેડીની ઓન-ગ્રાઉન્ડ હાજરી જોવા મળશે, જેમ કે  મેદાનની પરિમિતિમાં, સ્ટેડિયમના સાઈડ-સ્ક્રીન તથા એલઈડી સ્ક્રીન્સ પર.

આઈસીસીના જનરલ મેનેજર (કમર્શિયલ) કેમ્પબેલ જેમીસને કહ્યું કે, ક્રિકેટ વર્લ્ડ કપ-2019 માટે ગો-ડેડીને પાર્ટનર બનાવવાનો અમને બહુ આનંદ થયો છે. ગો-ડેડી ઘણા લાંબા વખતથી ભારતમાં રમતગમતોમાં સક્રિય સપોર્ટર રહી છે.

મૂળ અમેરિકાની ઈન્ટરનેટ ડોમેન રજિસ્ટ્રાર અને વેબ હોસ્ટિંગ કંપની ગો-ડેડીએ ભારતમાં તેની કામગીરી 2012માં શરૂ કરી હતી. ભારતમાં એના 10 લાખ જેટલાં ગ્રાહકો છે. કંપની ઉદ્યોગસાહસીઓ તથા નાના વેપારીઓને ડોમેન નામ, હોસ્ટિંગ, વેબસાઈટ બિલ્ડિંગ, ઈમેલ માર્કેટિંગ, સિક્યૂરિટી અને ઈ-કોમર્સ જેવી અનેક પ્રકારની સેવા પૂરી પાડે છે.

આ કંપની ગ્રાહકોને એમના ઉદ્યોગક્ષેત્રમાં સાહસ વધારવામાં મદદરૂપ થવા માટે સ્થાનિક રીતે 24X7 કસ્ટમર સપોર્ટ પણ આપે છે.

દુનિયાભરમાં ગો-ડેડીનાં એક કરોડ 70 લાખ ગ્રાહકો છે અને 6000થી વધુ કર્મચારીઓ છે.