ઉત્તર પ્રદેશને નુકસાન, વડોદરાને લાભ

0
3872
દિપ્તી શર્મા થઈ વડોદરાની; હવે બોલિંગ પર વધુ ધ્યાન આપશે

 

ભારતની મહિલા ક્રિકેટરોની ટીમ ઈંગ્લેન્ડમાંથી આઈસીસી વર્લ્ડ કપ-2017ની રનર્સ-અપ ટ્રોફી જીતી લાવ્યા બાદ એની બધી ખેલાડીઓનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું છે, એમની પર ઈનામી રકમ-એવોર્ડ્સનો વરસાદ પણ વરસાવવામાં આવ્યો છે. પણ એમાંની એક ખેલાડી દિપ્તી શર્માની નારાજગીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

દિપ્તી ઉત્તર પ્રદેશ છોડીને ગુજરાતમાં આવી રહી છે. એણે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનને છોડી દીધું છે અને બરોડા ક્રિકેટ એસોસિએશનમાં સામેલ થઈ ગઈ છે.

ઓલરાઉન્ડર દિપ્તીને આ હિજરત કરવા પાછળનું કારણ ઉત્તર પ્રદેશ રાજ્યમાં નોકરી ન મળવાનું છે. અમુક સૂત્રોનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનનો દિપ્તી સાથેનો વ્યવહાર પણ બરાબર નહોતો.

આમ, હવે મહિલાઓ માટેની સ્થાનિક ક્રિકેટ મોસમમાં ડાબોડી બેટ્સવુમન અને જમણેરી ઓફ્ફ સ્પિનર દિપ્તી વડોદરા ટીમ વતી રમશે.

કેપ્ટન મિતાલી રાજનાં નેતૃત્વવાળી ભારતીય મહિલા ટીમમાં ‘બોય-કટ’ હેરસ્ટાઈલને કારણે દિપ્તી બધી ખેલાડીઓમાં અલગ તરી આવે છે.

20 વર્ષની આ મૂળ સહરાનપુરની પણ આગરામાંથી ક્રિકેટ રમેલી ઓલરાઉન્ડરે આ વર્ષમાં રમાઈ ગયેલી મહિલાઓની ODI વર્લ્ડ કપમાં બેટિંગમાં 216 રન કર્યા હતા અને 12 વિકેટ પણ લીધી હતી.

દિપ્તી માટે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનને છોડવા પાછળનું ખરું કારણ જાણવા મળ્યું નથી, પણ કહેવાય છે કે દિપ્તીને ઉત્તર પ્રદેશમાં નોકરી મળતી નહોતી.  અંતે એને રેલવેમાં નોકરીની ઓફર મળી કે તરત જ એણે ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘને જાણ કરી દીધી હતી. એણે એસોસિએશનને કહ્યું કે પોતાને ભારતીય રેલવેમાં નોકરી મળે એમ છે એટલે એને એસોસિએશન તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટની જરૂર છે. એસોસિએશને એને આપી દીધું હતું, પણ બાદમાં એમને ખબર પડી હતી કે દિપ્તી હવે ઉત્તર પ્રદેશ છોડીને વડોદરા ટીમ વતી રમવાની છે. એ સાથે જ એસોસિએશનમાં જાણે ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આટલા મોટા ગજાની અને ટેલેન્ટેડ ખેલાડી નારાજ થઈને એસોસિએશન છોડીને જતી રહે એનાથી એસોસિએશન તથા રાજ્ય સરકારનું નાક કપાય, એમણે દિપ્તીને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી, પણ એ માની નહીં.

દિપ્તીએ ચોખ્ખા શબ્દોમાં હજી કંઈ જાહેરાત કરી નથી, પણ એણે વડોદરા ટીમ વતી રમવાની બરોડા ક્રિકેટ એસોસિએશનને અરજી કરી દીધી છે.

દિપ્તીએ આ જ વર્ષની 15 મેએ આયરલેન્ડ સામેની વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે 188 રન ફટકાર્યા હતા અને સાથી ક્રિકેટર પૂનમ રાઉત સાથે મળીને 320 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ વિશ્વવિક્રમ છે. એ મેચમાં દિપ્તીએ 27 ચોગ્ગા ફટકાર્યા હતા જે પણ મહિલા ક્રિકેટમાં એક વિશ્વવિક્રમ છે. વળી, 188 રન કરીને એણે 12 વર્ષ જૂનો ભારતીય મહિલા ક્રિકેટનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

દિપ્તી કેવી રીતે બની ક્રિકેટર?

1997ની 24 ઓગસ્ટે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જન્મેલી દિપ્તીનો પરિવાર બાદમાં આગરા જઈને વસ્યો હતો. એના પિતા ભગવાન શર્મા ભારતીય રેલવેમાં ક્લર્ક હતા અને હાલ નિવૃત્ત થઈ ગયા છે.

દિપ્તીનો ભાઈ બાલા શર્મા રાજ્ય સ્તરનો ક્રિકેટર હતો. એ રોજ આગરાના એકલવ્ય સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા જતો હતો. 2007માં 9 વર્ષની દિપ્તીએ પણ એનાં ભાઈની સાથે સ્ટેડિયમમાં જવાની જિદ્દ પકડી હતી. પિતાએ હા પાડ્યા બાદ દિપ્તીને એનો ભાઈ સ્ટેડિયમ લઈ ગયો હતો. યોગાનુયોગ, એ જ દિવસે ત્યાં સિનિયર મહિલા ક્રિકેટર હેમલતા બાળકોને કોચિંગ આપતી હતી. દિપ્તી પણ એમાં સામેલ થઈ હતી. પ્રેક્ટિસ દરમિયાન એણે એક થ્રો સીધો સ્ટમ્પ પર કર્યો હતો. એ જોઈને હેમલતા ખૂબ પ્રભાવિત થઈ ગઈ હતી અને એણે તેને બીજી વાર બોલ સ્ટમ્પ પર ફેંકવા કહ્યું હતું. દિપ્તી બીજી વાર પણ સ્ટમ્પ્સને પાડી દેવામાં સફળ થઈ હતી. હેમલતાએ એને પૂછ્યું કે, તું ક્યારથી ક્રિકેટ રમે છે? તો દિપ્તીએ જવાબમાં કહ્યું હતું કે હું તો મારાં ભાઈને પ્રેક્ટિસ કરતો જોવા જ આવી છું. ત્યારે હેમલાએ એનાં ભાઈ બાલાને કહ્યું હતું કે દિપ્તીએ પણ ક્રિકેટ રમવું જોઈએ, આ ચોક્કસ એક દિવસ દેશની રાષ્ટ્રીય ટીમમાં એન્ટ્રી કરશે.

હેમલતાની એ ભવિષ્યવાણી સાચી પડી હતી.

દિપ્તી અત્યાર સુધીમાં કુલ 30 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે જેમાં એણે 43.68ની સરેરાશ સાથે 961 રન કર્યા છે. એ એક સદી અને સાત અડધી સદી ફટકારી ચૂકી છે. બોલિંગમાં એણે 40 વિકેટો લીધી છે. એનો બેસ્ટ બોલિંગ દેખાવ 20 રનમાં 6 વિકેટનો છે, જે એણે 2016માં રાંચીમાં શ્રીલંકા સામેની મેચમાં નોંધાવ્યો હતો. એ કેચ/સ્ટમ્પિંગ દ્વારા 11 શિકાર ઝડપી ઝૂકી છે.  દિપ્તી પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો પણ રમી છે જેમાં એણે કુલ 37 રન કર્યા છે અને પાંચ વિકેટ લીધી છે.

દેખીતી રીતે, દિપ્તી ઉત્તર પ્રદેશ એસોસિએશનથી નારાજ હોવાની વાત જ્યારે બહાર આવી ત્યારે દેશના અનેક રાજ્યોના ક્રિકેટ સંઘો તરફથી એને સામેલ થવાની ઓફર મળવા માંડી હતી. કહેવાય છે કે દિપ્તી રેલવેમાં જોડાય એવી મિતાલી રાજની ઈચ્છા રહી છે. કારણ કે મિતાલી પોતે રેલવેમાં છે, પરંતુ દિપ્તીએ વડોદરા ટીમને પસંદ કરી છે.

દિપ્તીની નિકટની મિત્રોનું કહેવું છે કે વર્લ્ડ કપ રમીને પાછી ફર્યાં બાદ પણ ઉત્તર પ્રદેશ રાજ્ય અને ક્રિકેટ એસોસિએશન દ્વારા એની પૂરતી કદર ન કરાતાં દિપ્તી નારાજ થઈ ગઈ હતી.

નારાજ થઈને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન છોડી દેનાર દિપ્તી પહેલી ક્રિકેટર નથી. તેની પહેલાં ત્રણ પુરુષ ક્રિકેટર આવો નિર્ણય લઈ ચૂક્યા છે – મોહમ્મદ કૈફ, આર.પી. સિંહ અને પિયૂષ ચાવલા.

દિપ્તી વડોદરા ટીમમાં જોડાયા બાદ પોતાની બોલિંગ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. તે પોતાનાં ઓફ્ફ-સ્પિનમાં રવિચંદ્રન અશ્વિનની જેમ વધારે વેરિએશન લાવવા માગે છે. એ કળા શીખવા માટે દિપ્તી સતત અશ્વિનની બોલિંગના વિડિયો જોતી રહે છે.