૨૧મી કોમનવેલ્થ ગેમ્સ: કોણ અપાવશે ભારતને મેડલ?

બ્રિટને સ્થાપેલા રાષ્ટ્રસમૂહ (કોમનવેલ્થ)ના દેશો વચ્ચે દર ચાર વર્ષે કોમનવેલ્થ ગેમ્સ અથવા રાષ્ટ્રકૂળ રમતોત્સવ યોજાય છે. આ વખતની સ્પર્ધા તેની ૨૧મી આવૃત્તિ છે. ચોથી એપ્રિલથી આ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ રાજ્યના ગોલ્ડ કોસ્ટ શહેરમાં શરૂ થશે અને ૧૫ એપ્રિલે સમાપ્ત થશે.

બ્રિટનની હકૂમત હેઠળ 20 દાયકા સુધી રહેલું ભારત પણ રાષ્ટ્રકૂળનું એક સભ્ય છે.

આ વખતની ગેમ્સમાં 71 દેશોનાં 4500 એથ્લીટ્સ ભાગ લઈ રહ્યાં છે. ભારતે 218 ખેલાડીઓને ગોલ્ડ કોસ્ટ મોકલ્યાં છે. આમાં આઠ પેરા-એથ્લીટ્સ (દિવ્યાંગ) પણ છે. આ વખતની ગેમ્સમાં 19 રમતોમાં કુલ 275 હરીફાઈઓ યોજાશે. એથ્લેટિક્સમાં ભારત 32 ખેલાડીઓને ઉતારશે. તો શૂટિંગમાં ભારત વતી પડકાર ફેંકશે 27 શૂટર્સ. વેઈટલિફ્ટિંગમાં 16, બોક્સિંગમાં 12, બેડમિન્ટનમાં 10, ટેબલટેનિસમાં 10 ખેલાડીઓ જંગમાં ઉતરશે.

2014ની ગેમ્સમાં મેડલ્સ યાદીમાં ભારતે પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વખતની ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય સ્ટાર ખેલાડી/એથ્લીટ્સમાં સુશીલકુમાર, સાક્ષી મલિક, કિદામ્બી શ્રીકાંત, મેરી કોમનો સમાવેશ થાય છે.

આ વખતની ગેમ્સનો થીમ છેઃ ‘કરો સપનાંની વહેંચણી’.

આ વખતની ગેમ્સમાં સારો દેખાવ કરવા માટે ભારતીય ટીમ ઉપર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. ભારતીય સંઘમાં અમુક એવા સિતારાઓ છે અને ડાર્ક હોર્સ છે જેની પર મેડલ મળવાની આશા રાખી શકાય.

આ છે, ભારતનાં મેડલ માટેના પ્રબળ દાવેદાર

(ડાબેથી જમણે – ઉપરથી નીચે)… પી.વી. સિંધુ, સાઈના નેહવાલ, જિતુ રાય, હિના સિધુ, નીરજ ચોપરા, સાક્ષી મલિક, સીમા પુનિયા, મનુ ભાકર, સુશીલ કુમાર, મેરી કોમ, મીરાબાઈ ચાનુ, દીપિકા-જોશના, વિકાસ, શ્રીકાંત, વિનેશ ફોગાટ

શૂટિંગઃ

હીના સિધુઃ પંજાબનિવાસી પિસ્તોલ શૂટર છે. હાલ સરસ ફોર્મમાં છે. અમુક મહિના અગાઉ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. અહીં તે મહિલાઓની 25 મીટરની પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ હરીફાઈઓમાં ભાગ લેશે.

મનુ ભાકરઃ 16 વર્ષની મનુએ અમુક અઠવાડિયાઓ પહેલાં સિનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં વ્યક્તિગત અને ટીમ હરીફાઈઓમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 10 મીટર એર પિસ્તોલમાં ભાગ લેશે.

જિતુ રાયઃ આર્મી જવાન છે. 2014ની CWGમાં પુરુષોની 50 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. 30 વર્ષીય જિતુ 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં પણ ભાગ લેવાનો છે.

એથ્લેટિક્સઃ

નીરજ ચોપરાઃ 20 વર્ષનો આ જેવેલીન થ્રોઅર (ભાલાફેંક) પર મેડલ મળવાની અપેક્ષા છે. જુનિયર વર્લ્ડ રેકોર્ડધારક છે. ગયા વર્ષે એશિયન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સીમા પુનિયાઃ ડિસ્કસ થ્રોઅરે 2014ની ગ્લાસગો ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સીમા 34 વર્ષની છે, મોટે ભાગે એની આ છેલ્લી CWG ગેમ્સ હશે. એશિયન ગેમ્સ ચેમ્પિયન છે.

તેજસ્વિન શંકરઃ 19 વર્ષનો હાઈજમ્પર રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવે છે. ગયા મહિને ફેડરેશન કપમાં એણે 2.28 મીટર ઊંચો કૂદકો લગાવ્યો હતો.

બેડમિન્ટનઃ

પી.વી. સિંધુઃ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતાએ 2014ની ગ્લાસગો ગેમ્સમાં સિંગલ્સનો કાંસ્યચંદ્રક જીત્યો હતો. હાલ વર્લ્ડ નંબર-3 છે.

સાઈના નેહવાલઃ ઘૂંટણની સર્જરી કરાવી હોવાથી એકદમ ફિટ નથી, તે છતાં 2010ની ગેમ્સન ગોલ્ડમેડલ વિજેતા પાસે મેડલની ચોક્કસ આશા રાખી શકાય.

કિદામ્બી શ્રીકાંતઃ ઈન્જર્ડ પી. કશ્યપની ગેરહાજરીમાં શ્રીકાંત પર મેન્સ સિંગલ્સ મેડલની જવાબદારી વધી ગઈ છે.

બોક્સિંગઃ

મેરી કોમઃ 35 વર્ષનાં થયા છે અને કોમનવેલ્થ ગેમ્સમાં પહેલી જ વાર ભાગ લઈ રહ્યાં છે. પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યાં છે અને ઓલિમ્પિક્સમાં કાંસ્યચંદ્રક જીત્યો છે. 48 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ જીતે એવી ધારણા છે. દેખીતી રીતે જ આ એમની પહેલી અને આખરી CWG ગેમ્સ હશે.

વિકાસ કૃષ્ણનઃ ફેબ્રુઆરીમાં બલ્ગેરિયામાં યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેરી કોમની જેમ વિકાસની પણ આ આખરી ગેમ્સ હશે. 75 કિ.ગ્રા. વર્ગમાં મેડલના દાવેદાર છે.

અમિત પંઘલઃ લાઈટ ફ્લાઈવેઈટ – 49 કિ.ગ્રા. વર્ગનો બોક્સર છે. પહેલી જ વાર આ ગેમ્સમાં ભાગ લેશે. ગયા વર્ષે વિશ્વ સ્પર્ધામાં ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો હતો. એશિયન ચેમ્પિયનશિપમાં કાંસ્ય જીત્યો હતો.

કુસ્તીઃ

સુશીલ કુમારઃ 2014ની ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા સુશીલ ઈજા અને વિવાદ બાદ કુસ્તીમાં કમબેક કરી રહ્યો છે. બે ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર સુશીલ પુરુષોની ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં 74 કિ.ગ્રા. વર્ગમાં ભાગ લેશે.

સાક્ષી મલિકઃ રીયો ઓલિમ્પિક ગેમ્સની કાંસ્ય ચંદ્રક વિજેતા છે. હાલ સરસ ફોર્મમાં છે. ગ્લાસ્ગો ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અહીં 62 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં રમશે.

વિનેશ ફોગાટઃ 2014ની ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ છે. એશિયન સ્પર્ધામાં 55 કિ.ગ્રા. વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે એ 50 કિ.ગ્રા. વર્ગમાં ભાગ લેવાની છે.

સ્ક્વોશઃ

દીપિકા પલ્લિકલ અને જોશના ચિનપ્પાઃ 2014માં મહિલાઓની ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સૌરવ ઘોષલઃ પુરુષોની સિંગલ્સમાં ભારતને મેડલ અપાવી શકે છે.

વેઈટલિફ્ટિંગઃ

મીરાબાઈ ચાનુઃ 48 કિ.ગ્રા. વર્ગમાં કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ ધારક છે